‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ કહીને સૌના હાથમાં મોબાઇલ પહોંચાડી દેનારી કંપનીએ હવે સ્માર્ટફોન ક્ષેત્રે પણ વિરાટ પાયે ભારતને સર કરી લેવાની તૈયારીઓ કરી છે.
આગળ શું વાંચશો?
- રિલાયન્સની ૪-જી મોબાઈલ સેવાઓમાં મુખ્યત્વે નીચેની સેવાઓનો સમાવેશ થાય છે
ગયા મહિને યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભામાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને પોતાના પિતા ધીરુભાઈની યાદ અપાવી દીધી. હંમેશા ‘થિંક બિગ’ સૂત્રમાં માનતા ધીરુભાઈના પગલે, મુકેશ અંબાણીએ આ સભાને અનુસંધાને જાહેરાત કરી કે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે – ભારતનું અત્યાર સુધીનું કદાચ સૌથી મોટું સાહસ – રિલાયન્સ જિયો આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તેની સેવાઓની શરૂઆત કરી દેશે. મુકેશ અંબાણીએ અદ્દલ ધીરુભાઈની સ્ટાઇલમાં કહ્યું કે “ઇન્ટરનેટની પહોંચની રીતે અત્યારે વિશ્વમાં ભારતનો ભલે ૧૪૨મો નંબર હોય, મને પૂરો વિશ્વાસ છે કે જિયો આવ્યા પછી ભારતનું નામ વિશ્વના ટોપ ટેન કન્ટ્રીમાં આવી જશે!
વાસ્તવમાં, મુકેશ અંબાણી ઇતિહાસનું પુનરાવર્તન કરી રહ્યા હોય એવું લાગે છે. તેર વર્ષ પહેલાં, ૨૦૦૨માં રિલાયન્સ ઇન્ફોકોમે ભારતમાં મોબાઇલ સેવાની શરૂઆત કરી ત્યારે તેની જાહેરાતોમાં ખુદ મુકેશ અંબાણી જોવા મળ્યા હતા અને તેમણે પિતાનું આ સ્વપ્ન હતું એમ કહીને “કર લો દુનિયા મુઠ્ઠી મેં’ની હાકલ કરી હતી. એ સમયે અત્યંત ઓછા દરના પ્લાન સાથે બિલકુલ મફત મોબાઇલ હેન્ડસેટવાળા પ્લાન્સ રજૂ કરીને કંપનીએ રીતસર તહેલકો મચાવ્યો હતો, બીજી કંપનીઓએ પણ પોતાના દર ઘટાડવા પડ્યા અને છેવટે શાકવાળા અને પસ્તીવાળાના હાથમાં પણ મોબાઇલ આવી ગયા. અલબત્ત, પછી મોબાઇલ બિલમાં ગરબડો થતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી અને રિલાયન્સ ઇન્ફોકોમે સર્જેલો જુવાળ ધીમે ધીમે ઓસરી પણ ગયો.
હવે રિલાયન્સ કંપની તેર વર્ષ પહેલાં સાદા મોબાઇલ ક્ષેત્રે જે કર્યું, એનું સ્માર્ટફોનમાં પુનરાવર્તન કરવા માગે છે.
ભારતના અસંખ્ય લોકો અને હાલની મોટી ટેલિકોમ કંપનીઓ સુદ્ધાં રિલાયન્સ જિયોની અધ્ધર શ્વાસે રાહ જોઈ રહી છે કેમ કે મુકેશ અંબાણીએ જાહેર કર્યું છે કે તેઓ ફક્ત રૂા. ૪૦૦૦ કે રૂા. ૨૦૦૦માં હેન્ડસેટ્સ અને મહિને રૂા. ૩૦૦થી રૂા. ૫૦૦ના પ્લાનમાં, અમેરિકાના પ્રમુખને દસ-પંદર વર્ષ પહેલાં જે સવલત મળતી હતી તેવી સુવિધાઓ ભારતના ગામેગામ દરેક વ્યક્તિને આપવા માગે છે.
રિલાયન્સની મોબાઇલ માર્કેટમાં રી-એન્ટ્રીથી આ ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન આવવાની શક્યતા છે, કેમ કે હજી પણ ભારતમાં દસ વ્યક્તિએ ફક્ત એક વ્યક્તિ સ્માર્ટફોન ધરાવે છે. ભારતમાં ઇન્ટરનેટના યુઝર્સની સંખ્યા આવતાં ત્રણ વર્ષમાં ત્રણ ગણી વધવાની શક્યતા છે અને ત્યારે તેમનું પ્રમાણ આખા પશ્ચિમ યુરોપની કુલ વસતિ કરતાં વધી જશે.
આ રિલાયન્સ જિયો શું છે અને આપણને શું શું મળવાની શક્યતા છે, એ બધું જાણી લઈએ.