છેલ્લા થોડા સમયમાં થયેલા અલગ અલગ સંશોધનોમાં બહાર આવ્યું છે કે સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કર્યા પછી, એટલે કે તેમાંનો તમામ ડેટા ડિલીટ કર્યા પછી પણ તેમાં ડેટા રહી જતો હોય છે, જે બીજા રીકવર કરી શકે છે. જાણો વધુ.
આગળ શું વાંચશો?
- થોડું રિસર્ચ વિશે
- શું ઉપાયો થઈ શકે?
હવે માણસ એટલા મોબાઇલ થઈ ગયા છે એ વાતમાં કોઈ બેમત નથી. હવે દરેક વ્યક્તિ પાસે પોતાનો ફોન છે જે હવે એક આઇડેન્ટી બની ચૂક્યો છે. એટલે હવે એ વાત તો જૂની થઈ ગઈ, પરંતુ હવે સ્માર્ટફોનના યુઝર્સની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. સ્માર્ટફોનના યુઝર્સ પર કરવામાં આવેલા એક તાજા સર્વેનું પરિણામ બાજુમાં દર્શાવેલા ચિત્રમાં અપણે જોઈ શકીએ.
કુલ ૧૦૦ વ્યક્તિમાંથી ૩૭.૫ ટકા લોકો સ્માર્ટફોન યુઝ કરે છે. જેમાંથી ૯૭ ટકા લોકો સ્માર્ટફોનથી લોકલ ઇન્ફર્મેશન સર્ચ કરે છે અને ૬૦ ટકા લોકો સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શોપિંગ કરે છે (આ આંકડા પ્રમાણમાં તાજા જ છે).
સામાન્ય રીતે સ્માર્ટફોનમાં લોકો શું શું કરતા હોય છે એ ટૂંકમાં જાણીએ તો મ્યુઝિક, લોકલ સર્ચ, ચેટિંગ, ફેસબુક, વોટ્સએપ, શોપિંગ, ગેમ્સ, કેટલીક ઓફિશિયલ એપ્સ, ઓનલાઇન રીચાર્જ, બીલ પેમેન્ટ, ફોટો – વીડિયો અપલોડ-ડાઉનલોડ વગેરે વગેરે… આવનારા સમયમાં આ લિસ્ટ હજુ પણ લાંબું થવાનું છે.
ઉપરાંત માર્કેટમાં મોબાઇલ કંપનીઓની ગળાકાપ સ્પર્ધામાં હવે તો એક પછી એક ચડિયાતા મોબાઇલ આવવા લાગ્યા છે. જેમાંથી કેટલાક તો માત્ર ફ્લિપકાર્ટ, સ્નેપડીલ પર ઓનલાઇન જ ખરીદી શકાય. અમુક અંશે એવું કહી શકાય કે તમે એક મોબાઇલ ખરીદો એના ૨-૩ મહિનામાં જ એના કરતાં ચડિયાતો અને એટલા જ ભાવનો ફોન તમારી સામે ઠેંગો બતાવતો ઊભો હોય ત્યારે ખરેખર લાગી આવે!
તો આવીએ મૂળ વાત પર. બજારમાં અવનવા ફોનની ભરમાર જોઈને આપણને પણ જૂનો ફોન વેચીને લેટેસ્ટ ફીચર્સવાળો નવો ફોન લેવાનું મન થઈ જ જાય એ સ્વાભાવિક છે. એટલે ઘણા લોકો પોતાનો જૂનો ફોન વેચીને નવો ફોન ખરીદતા હોય એ વાત સામાન્ય છે.
શું આપ પણ જૂનો સ્માર્ટફોન વેચીને નવો ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો આ લેખ ખાસ આપના માટે છે. હવે, બધા જ એન્ડ્રોઇડ ફોન યુઝર્સને ખ્યાલ જ હશે કે ફોન વેચતાં પહેલાં ફેક્ટરી રીસેટ ઓપ્શન વડે ફોનમાંનો આપણો બધો જ ડેટા ડિલીટ કરીને બીજી વ્યક્તિને ફોન આપી શકયા છે, પરંતુ સાવધાન…!! એક ખાનગી ટેકનોલોજી લેબમાં થયેલા રીસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે આવી રીતે કરેલા ફોર્મેટ પછી પણ ફોનમાં ઘણી વાર આપનો અગત્યનો ડેટા રહી જાય છે.