મોબાઇલ કંપનીને એસએમએસનો ચાર્જ ચૂકવ્યા વિના, ઇન્ટરનેટ કનેક્શનની મદદથી ટેક્સ્ટ, ઇમેજ અને વીડિયોની મફત આપલેની સુવિધા આપતી વોટ્સએપની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ અત્યાર સુધી ફક્ત સ્માર્ટફોનમાં ચાલતી હતી, તેને પીસી પર ચલાવવાના કેટલાક રસ્તા હતા, પણ તે સીધા નહોતા. હવે કંપનીએ પોતે વોટ્સએપનું વેબ વર્ઝન આપ્યું છે. પીસીમાં https://web.whatsapp.com/ પર જશો એટલે ત્યાં એક ક્યુઆર કોડ જોવા મળશે. સ્માર્ટફોનમાંના તમારા સ્માર્ટફોનમાંના વોટ્સએપ (જો લેટેસ્ટ વર્ઝન હશે તો)ના મેઇન મેનુમાં વેબ વર્ઝનનો વિકલ્પ મળશે, તેને ક્લિક કરી, ફોનના કેમેરાને પીસીના સ્ક્રીન પરના ક્યુઆર કોડ સામે ધરશો એટલે પીસી અને સ્માર્ટફોન કનેક્ટ થઈ જશે!
જોકે આ વેબવર્ઝન સ્માર્ટફોન આધારિત છે, એટલે કે જેમ આપણે પીસી પર કે સ્માર્ટફોનમાં ગમે ત્યારે, એકબીજાની હાજરી વગર જીમેઇલનો લાભ લઈ શકીએ એવી આ વાત નથી. વોટ્સએપવાળા સ્માર્ટફોનથી જ આપણે પીસીમાં વોટ્સએપ એક્સેસ કરી શકીએ. ફાયદો એ થાય કે પીસી પર મેસેજ ટાઇપ કરવામાં કે ઇમેજીસ એટેચ કરવામાં જરા વધુ સરળતા રહે. જોકે ફીચર્સની વાત કરીએ તો સ્માર્ટફોન પર વધુ લાભ છે. ગ્રૂપ મેસેજિંગ પીસી પર શક્ય છે, પણ એક સાથે અનેક લોકોને મેસેજ કરવા માટે બ્રોડકાસ્ટિંગની સુવિધા જેમાં એક-એક કોન્ટેક્ટ સિલેક્ટ કરવાનું મોબાઇલ પર બહુ મુશ્કેલ છે તે સુવિધા પીસી પર ઉપલબ્ધ નથી! નવો મેસેજનાં નોટિફિકેશન્સ પીસી પર મેળવવાની સુવિધા છે, પણ શાંતિથી કામ કરવું હોય તો એ સુવિધાનો લાભ ન લેવામાં સાર છે!