જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી – અત્યાર સુધી આ શબ્દો આપણે જીવન વીમા માટે જ સાંભળતા આવ્યા છીએ. પરંતુ હવે આ શબ્દો આધાર કાર્ડને પણ પૂરેપૂરા લાગુ પડે છે.
ફોન માટે નવું સિમ કાર્ડ મેળવવું હોય કે બેન્કમાં નવું ખાતું ખોલાવવું હોય તો આધાર કાર્ડ હવે અનિવાર્ય બની ગયું છે. ત્યાં સુધી તો ઠીક હતું પણ હવે મૃત્યુનો દાખલો મેળવવા માટે પણ મૃતકનું આધાર કાર્ડ જોઈશે એવી વાત આવી હતી. જોકે પછી સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઈ મૃત વ્યક્તિની ઓળખનો આતંકવાદીઓ ગેરલાભ ન ઉઠાવે એ માટેનો આ પ્રયાસ છે, તે ફરજિયાત નથી.
આમ પણ રાઇટ ટુ પ્રાઇવસીને સર્વોચ્ચ અદાલતે મૂળભૂત અધિકાર ગણાવ્યા પછી આધારનું કોકડું થોડું ગૂંચવાયું અને આધારકાર્ડ આધારિત પેમેન્ટ વ્યવસ્થા હજી આપણે ત્યાં બહુ ચલણમાં આવી નથી પરંતુ એક વાર ચિત્ર સ્પષ્ટ થયા પછી આધાર આધારિત વ્યવસ્થાઓ વેગ પકડશે તો પછી આપણે ડગલે ને પગલે આપણા આધાર કાર્ડની જરૂર પડવાની છે.
આ ધ્યાને રાખીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટિ ઓફ ઇન્ડિયાએ આપણા આધાર કાર્ડ ડેટા માટે એક ખાસ મોબાઇલ એપ લોન્ચ કરી છે.
આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઇડ માટે ઉપલબ્ધ છે. આ એપ અત્યારે બીટા વર્ઝનમાં છે અને તેમાંના ડેટાની સલામતી માટે પ્રમાણમાં સારી વ્યવસ્થા હોવા છતાં જો તમારો મોબાઇલ ફોન ખોવાય તો તમારા આધાર કાર્ડ સંબંધિત ડેટા પણ જોખમાઈ શકે છે. અલબત્ત જો તમે મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ શરૂ કરી દીધો હોય તો જોખમનું પ્રમાણ લગભગ સરખું જ છે!
આ પૂર્વભૂમિકા ધ્યાને રાખીને તમે આધારની મોબાઇલ એપનો લાભ લેવા માગતા હો તો તેનાં હાલનાં જમા-ઉઘાર પાસાં જાણી લઇએ.