ઘણા લોકોનો આ સવાલ હોય છે – ગૂગલ સર્ચની જેમ એઆઇ ચેટબોટ્સ પણ આપણે વિશે બધું જાણીને યાદ રાખે છે એ વાત સાચી?
બિલકુલ સાચી.
પરંતુ જે રીતે ગૂગલ સર્ચમાં, તેનું મેમરી ફીચર આપણે માટે લાભદાયી છે એ જ રીતે ચેટજીપીટી કે જેમિનાઇ જેવી એઆઇ ચેટ સર્વિસમાં પણ મેમરી સર્વિસ આપણે માટે લાભદાયી બની શકે છે.
આપણે આવી સર્વિસમાં પોતાના એકાઉન્ટથી લોગ ઇન થયા પછી, તેના સેટિંગ્સમાં જઈને તેની મેમરી સંબંધિત વિવિધ સેટિંગ્સ કરી શકીએ છીએ.
મેમરી ઓન રાખવાનો ફાયદો એ છે કે આપણે જેમ જેમ ચેટબોટ સાથે વિવિધ વિષયો પર ચર્ચા-મસલત કરીએ કે તેની પાસેથી સલાહ-જવાબો પૂછીએ એ પછી, ચેટબોટ એ બધું જ રાખે છે.
એ પછી આપણે નવા સવાલો પૂછતી વખતે, તેને એકડેએકથી બધું બેકગ્રાઉન્ડ આપવું પડતું નથી.
એટલે જ, જ્યારે પણ એઆઇ સાથે ચેટિંગ કરીએ ત્યારે ટાઇમપાસ માટે કે મસ્તી માટે ચેટિંગ કરવાને બદલે, પૂરી ગંભીરતાથી, આપણી જરૂરિયાત મુજબ સ્પષ્ટતા સાથે ચેટિંગ કરવામાં લાભ છે.
એ રીતે, સમય સાથે એઆઇ આપણું કામ ને આપણી જરૂરિયાતો વધુ સારી રીતે સમજશે ને વધુ સારા જવાબો આપશે!


