કમ્પ્યૂટર હોય કે સ્માર્ટફોન આપણી ઇન્ટરનેટ યાત્રાની શરૂઆત બ્રાઉઝરથી થાય છે (સ્માર્ટફોનમાં જુદી જુદી એપ્સથી શરૂઆત થઈ શકે ખરી), તેમ છતાં આપણે બ્રાઉઝર વિશે ખાસ કશો વિચાર કરતા હોતા નથી. આપણે ગુજરાતીઓને રોટલા સાથે નિસબત હોય છે, કેટલી ટપ ટપથી રોટલા ઘડાયા એનો હિસાબ રાખનારા આપણે નથી! એ ન્યાયે, પીસી/લેપટોપમાં કે સ્માર્ટફોનમાં બ્રાઉઝર ઓપન કરીએ પછી આપણે સીધે સીધા ઇન્ટરનેટની વિવિધ સાઇટ્સ તરફ ધસી જઈએ છીએ, બ્રાઉઝરનાં પોતાનાં સેટિંગ્સમાં જરા ઊંડા ઊતરવાની ટેવ આપણમાંથી મોટા ભાગના લોકોને હોતી નથી.