આ એક એવી સર્વિસ કે એપ છે, જે દરેક સ્ટુડન્ટના સ્માર્ટફોનમાં હોવી જ જોઈએ! નામ છે ‘પોકેટ’.
વાંચનની ટેવ હવે દુર્લભ થતી જાય છે, પરંતુ કોઈ પણ વિષયમાં વધુ ને વધુ ઊંડા ઊતરવું હોય તો એ વિશે વધુ ને વધુ જાણવું જરૂરી છે. અને એ માટે જરૂરી છે એ વિષય અંગે, જુદા જુદા અનેક પ્રકારના લોકો શું લખે છે, શું કહે છે, એ જાણવું.
પોકેટ સર્વિસ આવી સગવડ આપે છે. એ ઇન્ટરનેટ પર આપણી પોતાની આગવી લાઇબ્રેરી બનાવવાની સગવડ આપે છે. તમે ફોનમાં આ સર્વિસની એપ ઇન્સ્ટોલ કરી લો એ પછી કોઈ પણ અન્ય એપ કે બ્રાઉઝરમાં સર્ફિંગ કરી રહ્યા હો ત્યારે જે કંઈ કામનું લાગે તેને પોકેટના તમારા એકાઉન્ટમાં શેર કરી શકો છો. આ બધું જ પોકેટમાં જમા થતું જાય.
તમારા પીસી/લેપટોપમાં પોકેટનું એક્સ્ટેન્શન ઉમેરી શકો. આથી તમે જે વેબપેજ વાંચી રહ્યા હો ત્યારે એ કામનું લાગે તો બુકમાર્ક બારમાં પોકેટના આઇકન પર ક્લિક કરતાં, એ વેબપેજ તમારા પોકેટના એકાઉન્ટમાં સેવ થઈ જાય છે.
તમે પોકેટમાં નાખેલું બધું જ તેના એકાઉન્ટમાં સિન્ક્ડ રહે છે, એટલે તમે પોકેટનો એપ તરીકે સ્માર્ટફોનમાં ઉપયોગ કરો કે પીસી/લેપટોપમાં બ્રાઉઝરમાં તેમાં લોગ-ઇન થાઓ, તમે સેવ કરેલા લેખો ગમે ત્યાંથી વાંચી શકાય છે.
પરંતુ વાત અહીં પૂરી થતી નથી.
આ રીતે સર્ફિંગ કરતી વખતે જે કોઈ આર્ટિકલ, વીડિયો વગેરે તમને લાગે કે ભવિષ્યમાં પૂરતી ફુરસદે વાંચવા જેવો છે, જોવા જેવો છે તેને પોકેટમાં નાખ્યા પછી શું થાય છે એ બરાબર સમજવા જેવું છે.
પહેલી વાત એ કે પોકેટમાં નાખેલો આર્ટિકલ ઓફલાઇન વાંચી શકાય એ રીતે ફોનમાં ડાઉનલોડ થાય છે. બીજી વાત એ કે પોકેટમાં આપણે મરજી મુજબ દરેક આર્ટિકલ, આઇટમને ટેગ કરી શકીએ છીએ. એટલે કે તમે સ્ટુડન્ટ હોય તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ વગેરે ટેગ આપી રાખો તો જ્યારે મેથ્સ વિશેના લેખો વાંચવાનું મન થાય ત્યારે મેથ્સ ટેગ ક્લિક કરતાં, માત્ર તેના લેખો એક સાથે જોવા મળશે.
આગળ લખેલી કોઈ પણ રીતે, તમે પીસી/લેપટોપમાં કે ફોનમાંની એપમાં પોકેટમાં વેબઆર્ટિકલ કે વીડિયો મોકલો એ સાથે તેને ટેગ કરવાની સગવડ મળે છે.
બીજું, પોકેટમાં ડાઉનલોડ થયેલા લેખો ખરેખર રીડિંગ મોડમાં વાંચી શકાય છે, એટલે કે તેમાં મૂળ વેબપેજમાંની જાહેરાતો, અન્ય આર્ટિકલ્સનું લિસ્ટ વગેરે બધું જ ક્લટર દૂર થઈ જાય છે, આપણે માત્ર મૂળ ટેક્સ્ટ અને ઇમેજીસ સાથે આખો લેખ વાંચી શકીએ છીએ (ઇચ્છો તો એક ક્લિકમાં ઓરિજિનલ વેબપેજ સુધી પહોંચી શકો છો).
ફક્ત ટાઇમપાસ માટે નહીં, ચોક્કસ હેતુથી તમે સર્ફિંગ કરતા હો તો તમારા લેપટોપ, ફોનમાં પોકેટ એપ હોવી જોઈએ.
ત્રીજું, તમે ઇચ્છો તો પોકેટને પોડકાસ્ટમાં ફેરવી નાખી શકો છો, એટલે કે તમે સેવ કરેલા આર્ટિકલ્સ વાંચવાને બદલે સાંભળી શકો છો! અલબત્ત, અવાજ અને લહેજો થોડો મશીની લાગશે, પણ એની ઝડપ વધતી ઓછી કરી શકાય છે.
ચોથું, ઇન્ટરનેટ પર અત્યારે બધું જ સ્માર્ટ બનતું જાય છે એવું જ પોકેટનું છે. આપણે તેનો ઉપયોગ જેમ વધારીશું તેમ તેમ તે આપણને ઉપયોગી થઈ શકે તેવા બીજા લેખો સૂચવી શકે છે. ‘ડિસ્કવર’ ટેબમાં જુદા જુદા વિષય મુજબ લેખો જોઈ શકાય છે, એમાંથી પણ જે ઉપયોગી લાગે તેને તમારા પોકેટમાં નાખી શકાય!
પોતાને ગમતા વિષયમાં અપડેટેડ રહેવા માટેના આર્ટિકલ્સ ઇન્ટરનેટ પરથી શોધવા માટે તમારે બીજા પણ રસ્તા અપનાવવા પડશે, પણ એ મળી ગયા પછી તેને સાચવી લેવામાં પોકેટ અત્યંત ઉપયોગી થશે. પોકેટની પ્રીમિયમ, પેઇડ સર્વિસ પણ છે, પરંતુ અહીં લખેલું બધું ફ્રી એકાઉન્ટમાં જ ઉપલબ્ધ છે, લાભ લેવા જેવો છે!
(‘પોકેટ’ સર્વિસ વિશે ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૪ અંકમાં આપણે વધુ વિગતવાર વાત કરી ગયા છીએ).
‘સાયબરસફર’ના અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો.