અત્યાર સુધી આપણા દેશમાં ટીસીએસ, ઇન્ફોસિસ, એચટીએલ ટેક, વિપ્રો વગેરે જેવી ભારતીય સોફ્ટવેર કંપની તથા આઇબીએમ, કોગ્નિઝન્ટ, એસેન્ચર, કેપજેમિની વગેરે જેવી વિદેશી સોફ્ટવેર કંપની નવા એમ્પ્લોઇ શોધવા માટે મોટા ભાગે એન્જિનીયરિંગ કોલેજ તરફ નજર દોડાવતી હતી.
છેલ્લાં થોડાં વર્ષોથી આ વલણમાં ફેરફાર થયો છે. આ કંપનીઓ હવે બિઝનેસ સ્કૂલ્સ તથા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સને પણ પસંદ કરવા લાગી છે.
કેમ? કેમ કે આઇટી સેકટરમાં કામકાજ સખત વધી રહ્યું છે, ટેક કંપનીઓ તેમના વર્કલોડને પહોંચી વળવા માટે નવા એમ્પ્લોઈ શોધે છે, પણ ટ્રેઇન્ડ એમ્પ્લોઈની જેટલી ડિમાન્ડ છે, એટલો સપ્લાય નથી!
પરિણામે, ધીમે ધીમે આ કંપનીઓનું વલણ એવું થવા લાગ્યું છે કે તેઓ ઇન્ટરવ્યૂ સમયે માત્ર એટલું જુએ છે કે સ્ટુડન્ટ તેમની ટ્રેનિંગ સારી રીતે પૂરી કરી શકે તેમ છે કે નહીં? એ દૃષ્ટિએ તેજસ્વી લાગતા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને આ કંપનીઓ પસંદ કરે છે. તેમને છએક મહિના સુધી ફોક્સ્ડ ટ્રેનિંગ આપીને તેમને કંપનીની જરૂરિયાતો માટે તૈયાર કરે છે અને પછી વિવિધ પ્રોજેક્ટ્સમાં સામેલ કરે છે.