fbpx

પાસવર્ડ વગરની દુનિયા – હવે સાવ નજીક છે!

By Himanshu Kikani

3

ઇન્ટરનેટ પર આપણી માટે બે બાબતો સૌથી જોખમી હોય છે – એક છે લિંક્સ અને બીજા છે પાસવર્ડ. ઈ-મેઇલ, એસએમએસ, વોટ્સએપ, ફેસબુક કે અન્ય રસ્તે આપણને જોખમી લિંક્સ મોકલવામાં આવે અને આપણે તેના પર બેધ્યાનપણે ક્લિક કરી બેસીએ  ત્યારે હેકર્સની નજર મોટા ભાગે આપણે માટે મહત્ત્વનાં ઓનલાઇન એકાઉન્ટ્સના પાસવર્ડ મેળવવા પર હોય છે.

ઓનલાઇન સિક્યોરિટીની બાબતે, પાસવર્ડ આપણી સૌથી મોટી ઢાલ છે અને એ જ આખી વાતમાં સૌથી નબળી કડી પણ હોય છે!

પાસવર્ડ મૂળ શું છે? એ ફક્ત એવી વ્યવસ્થા છે, જેમાં કોઈ સર્વિસ અને તેના યૂઝર સાથે મળીને એક ‘સિક્રેટ’ વાત નક્કી કરે છે. યૂઝર એ સિક્રેટ પેલી સર્વિસને કહી બતાવે તો તેની ઓળખ સાબિત થાય. તકલીફ ત્યારે થાય જ્યારે આ સિક્રેટ કોઈ ચોરી જાય!

આપણે પોતે નબળા પાસવર્ડ નક્કી કરીએ કે જુદા જુદા પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ ટાળવા જુદી જુદી સર્વિસમાં એક જ પાસવર્ડથી કામ ચલાવીએ તો હેકર્સનું કામ સહેલું બની જાય છે.

આના ઉપાય તરીકે, નિષ્ણાતોએ એવો રસ્તો શોધ્યો, જેમાં યૂઝરે પેલું સિક્રેટ, પેલી સર્વિસને કહેવાનું હોતું નથી. યૂઝરે ફક્ત એટલું સાબિત કરવાનું છે કે તેને સિક્રેટ ખબર છે! ખરી કરામત ત્યારે થાય, જ્યારે યૂઝર પાસે જે સિક્રેટ છે તે શું છે, તે પેલી સર્વિસને ખબર પણ ન હોય!

આથી જો સર્વિસનો ડેટા હેક થાય તો પણ હેકરના હાથમાં કોઈ સિક્રેટ આવે જ નહીં.

માઇક્રોસોફ્ટ કંપનીએ ગયે મહિને આ દિશામાં એક મહત્ત્વનું પગલું ભર્યું. આપણું સિક્રેટ – પાસવર્ડ જ ડિલીટ કરવાનું પગલું. પાસવર્ડના વિકલ્પ રૂપે, બાયોમેટ્રિક્સ એટલે કે આપણી યુનિક ફિંગરપ્રિન્ટ, આંખની રેટિનામાંની યુનિક ડિઝાઇન, આપણો ચહેરો, આપણો અવાજ વગેરેનો ઉપયોગ થાય છે. તેને આધારે ઓથેન્ટિકેશનમાં પાસવર્ડની જરૂર રહેતી નથી, આ પદ્ધતિઓ બહુ સરળ પણ છે, પણ તેમાં આ બધી બાબતો, ઓથેન્ટિકેશન માગતી સર્વિસને પણ મળતી હોવાથી આ મહામૂલો ડેટા ચોરાવાનો ભય રહે છે.

આથી નિષ્ણાતો એવી પદ્ધતિ વિકસાવી રહ્યા છે, જેમાં બાયોમેટ્રિક્સથી – પાસવર્ડ વિના – ઓથેન્ટિકેશન થાય અને તેનું ટુ-સ્ટેપ કે પછી મલ્ટિસ્ટેપથી વેરિફિકેશન કરવાની ઓળખની સાબિતી પણ તદ્દન સલામત રહે.

માઇક્રોસોફ્ટે થોડો જુદો રસ્તો અજમાવીને, પાસવર્ડ તદ્દન ડિલીટ કરી, માત્ર અન્ય સ્માર્ટફોનથી આપણી ઓળખ સાબિત કરવાનો રસ્તો અપનાવ્યો છે. ગૂગલ અને અન્ય સર્વિસમાં પણ કંઈક આ જ પ્રકારની સગવડ લાંબા સમયથી છે, પરંતુ તેમાં પાસવર્ડને સાવ બાકાત કરવામાં આવ્યો નથી.

આપણે માટે મોટી રાહતની વાત એ છે કે આપણને અત્યંત નડતા પાસવર્ડ મોટી-મોટી કંપનીઓને પણ નડી રહ્યા છે, પરિણામે એ પાસવર્ડને ભૂતકાળ બનાવી દેવા માટે મથી રહી છે – શરૂઆત થઈ ગઈ છે!

 – હિમાંશુ


‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!