આ વર્ષની આઇપીએલ કોરોનાને કારણે ખોરંભે ચઢી ગઈ પરંતુ જેટલી મેચ રમાઈ એમાંથી તમે જે મેચ જોઇ હોય એમાં તમને તમારે માટે કારકિર્દીની કોઈ તક દેખાઈ હતી? ગયા મહિને ગુજરાત પર ભયાનક વાવાઝોડું ત્રાટક્યું તેના સમાચાર ન્યૂઝ ચેનલ પર જોતી વખતે, ફરી તમને કોઈ નવા પ્રકારની કારકિર્દીની તક દેખાઈ હતી?
ક્રિકેટ મેચમાં બોલર તરફથી એલબીડબલ્યુની જબરજસ્ત અપીલ થાય અને થર્ડ અમ્પાયરનો રીવ્યૂ લેવામાં આવે ત્યારે દડો બેટ્સમેનના પગની આરપાર જઇને સ્ટમ્પ પર પહોંચ્યો હોત કે નહીં એ બતાવવામાં આવે છે. આવું કેવી રીતે શક્ય બને છે? વાવાઝોડાના રિપોર્ટિંગ દરમિયાન આપણી ન્યૂઝ ચેનલ વિવિધ ગ્રાફિક્સનું મિશ્રણ કરીને ટીવીના પડદે વાવાઝોડાને જીવંત કરવાનો પ્રયાસ કરે છે. એ કેવી રીતે શક્ય બને છે? આવા વિચાર તમને આવે છે?
ગયા વર્ષે લોકડાઉન દરમિયાન ‘મહાભારત’ની જૂની સિરિયલ કદાચ તમે પણ જોઈ હશે. ત્યારે યુદ્ધ સમયે રણમેદાનમાં ગણ્યાગાંઠ્યા સૈનિકોની પાંખી હાજરી અને હમણાંની ‘બાહુબલી’ ફિલ્મનાં યુ્દ્ધ દૃશ્યોમાં જોવા મળતા પાર વગરના સૈનિકોનાં વિઝ્યુ્અલ્સની તમે સરખામણી કરી હતી?
આ બધું કમ્પ્યૂટર ગ્રાફિક્સની કમાલ છે એ તો બરાબર, પણ કમ્પ્યૂટર આવી કમાલ કેવી રીતે કરે છે એવો વિચાર તમને આવે અને પછી રાતદિવસ સતાવે તો તમે નવા સમયની, નવા પ્રકારની કારકિર્દીઓ માટે તૈયાર છે એમ માનજો!
થોડા વર્ષો પહેલાં જેની કલ્પના પણ મુશ્કેલ હતી એ બધું હવે લગભગ વાસ્તવિક સ્વરૂપે આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે. વાસ્તવિકતામાં જે શક્ય નથી એ સાકાર કરી બતાવવાની મથામણે હવે અનેક લોકો માટે નવી કારકિર્દીનું સ્વરૂપ લઈ લીધું છે.
ગયા વર્ષથી શરૂ થયેલા કોરોનાના કહેરમાં જે લોકોનું કામકાજ કે ભણવાનું ઘટ્યું એ બધા લોકો મોબાઇલ પર બીઝી થઈ ગયા. મોબાઇલ પર ઓટીટી પ્લેટફોર્મ કે યુટ્યૂબ પર વીડિયો જોવાનું પ્રમાણ બેહદ વધ્યું. એની સાથોસાથ ફોનમાં ગેમ્સ ડાઉનલોડ કરીને એમાં પરોવાઈ રહેવાનું પ્રમાણ પણ બેહદ વધ્યું.
આ બધામાં જે સ્ટુડન્ટ્સ બીજા કરતાં વધુ સ્માર્ટ હશે તેમને ચોક્કસપણે સમજાયું હશે કે દુનિયા કઈ તરફ જઈ રહી છે. મોબાઇલમાં ગેમ રમવી એ એક વાત છે અને ગેમ કે મૂવીને કારણે નવી કરિયરની સપનાં જોતા થવું એ બીજી વાત છે. આ અંકમાં આવાં નવા પ્રકારનાં કરિયર ફીલ્ડમાં કેવી રીતે ઝંપલાવવું તેની વિગતવાર વાત કરી છે.
એ સિવાય, ગૂગલના આઇ/આઇમાં આવનારા નજીકના ભવિષ્યની જે વાત કરી છે એ પણ ખાસ વાંચવા ભણામણ. પેન-પેપર આજે જ ભુલાવા લાગ્યાં છે. આજ અને આવતી કાલનાં ટૂલ્સ બરાબર સમજી લેશો તો કામ લાગશે!
– હિમાંશુ
‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.