કોરોનાની બીજી લહેર સાવ ઓસરી ગઈ છે અને ત્રીજી લહેર સદભાગ્યે આ લખાય છે ત્યારે તો આવી નથી! પરિણામે બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ્સ તથા કોલેજ ફરી ખૂલી ગયાં છે. જેમ ઓફિસમાં હવે હાઇબ્રિડ કલ્ચર ઘૂસી ગયું છે એમ સ્કૂલ્સમાં પણ હજી ઓનલાઇન અને ઓફલાઇનની ભેળસેળ ચાલી રહી છે. બધું સાવ નોર્મલ થશે કે નહીં એ જ સ્પષ્ટ નથી ત્યારે ક્યારે થશે એની તો વાત જ શી કરવી?
શિક્ષણ ખરેખર ચિંતાજનક હદે ખોરવાઈ ગયું છે ત્યારે એક સારી વાત એ છે કે હવેાના સમયમાં શિક્ષણની રીત જ બદલાઈ રહી છે. અત્યારે સ્કૂલિંંગ ઓનલાઇન થઈ ગયું છે, એટલા પૂરતી આ વાત નથી.
અત્યાર સુધી આપણે સૌ ક્લાસરૂમમાં ટીચર બોલે અને આપણે સાંભળીએ (અથવા એવો ડોળ કરીએ!) એ રીતે ભણ્યા છીએ. થોડાં વર્ષોથી એમાં થોડું પરિવર્તન આવ્યું અને એક્ટિવિટી તથા પ્રોજેક્ટ્સ બેઝ્ડ લર્નિંગ પર ભાર મૂકાવા લાગ્યો. છતાં શિક્ષણનું મૂળ માળખું બદલાયું નથી. વર્ષોથી આ માળખું એવું જડબેસલાક ગોઠવાયું છે કે વિદ્યાર્થી, શિક્ષક અને મા-બાપ,, આપણે સૌ એજ્યુકેશન પર નહીં, પણ માર્ક્સ પર ફોકસ્ડ રહીએ છીએ.