મોબાઇલ વોલેટ પેટીએમની ઉપયોગિતા અને લોકપ્રિયતા બંને વધી રહ્યાં છે તેમ તેમ તેને સંબંધિત ફ્રોડ પણ વધી રહ્યા છે.
તમે જાણતા હશો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ મોબાઇલ વોલેટના યૂઝર્સ માટે ‘નો યોર કસ્ટમર્સ (કેવાયસી)’ પ્રક્રિયા ફરજિયાત કરી છે અને તેના વિના મોબાઇલ વોલેટથી લેવડ-દેવડ અટકી જાય છે. પેટીએમ સહિત તમામ વોલેટ્સ યૂઝર્સને કેવાયસી પ્રક્રિયા પૂરી કરવા માટે સમજાવી રહ્યાં છે.
આનો લાભ લેભાગુ લોકો પણ લેવા લાગ્યા છે. અત્યાર સુધી આવા લોકો ફોન પર આવેલો ઓટીપી મેળવવાનો પ્રયાસ કરતા હતા, પણ હવે તેમણે એક નવો રસ્તો શોધ્યો લાગે છે.
જયપુરના શોભિત નામના એક સોફ્ટવેર ડેવલપરે ટવીટર પર લખ્યા મુજબ, એક વ્યક્તિ તેમના ઘરે આવી. શોભિતનાં દાદીએ દરવાજો ખોલ્યો. આવનારી વ્યક્તિએ પોતે પેટીએમનો કર્મચારી હોવાનું જણાવ્યું, તેના ગળામાં પેટીએમનું આઇકાર્ડ પણ હતું. તેણે ઘરમાં કોઈને પેટીએમનું કેવાયસી કરાવવાનું હોય તો પોતે કરી આપશે એમ જણાવ્યું.
શોભિતનાં દાદી પેટીએમનો ઉપયોગ કરતાં હતાં! તેમણે હા કહી અને પોતાનું આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો આપ્યા. પેલાએ તેમાંથી પોતાના કાગળમાં કંઈ લખ્યું અને પોતાના મોબાઇલમાં પેટીએમ જેવી લાગતી એપમાં લોગ-ઇન થવા કહ્યું (ધ્યાન આપજો – પોતાના મોબાઇલમાં, દાદીના મોબાઇલમાં નહીં!).
દરમિયાન દાદીએ, ઘરમાં હાજર શોભિતને પણ કેવાયસી કરાવવું હોય તો કરાવી લેવા તેને બોલાવ્યો. શોભિતને પેલાના મોબાઇલમાં લોગ-ઇન થવાની વાત શંકાસ્પદ લાગી. તેને એ એપ પણ બનાવટી હોય તેવું લાગ્યું. તેણે એ વ્યક્તિનું નામ પૂછ્યું અને આઇકાર્ડ જોવા માગ્યું – એ સાથે પેલો ભાઈ ત્યાં ભાગી છૂટ્યો!
આપણે શું ધ્યાન રાખવું?
પેટીએમ જેવા મોબાઇલ વોલેટમાં કેવાયસી પ્રક્રિયા જરૂરી છે, પણ એ માટે ગમે તે વ્યક્તિના તમારા દસ્તાવેજ આપશો નહીં કે બીજી વ્યક્તિના મોબાઇલમાં, અસલી પેટીએમ એપ હોય તો પણ તમારા પાસવર્ડથી લોગ-ઇન થશો નહીં.
આ વાત આપના પરિવારના અન્ય સભ્યોને પણ જણાવશો.
કેવાયસી કરવા માટે, પેટીએમ દ્વારા અનેક રીટેઇલ દુકાનદારોને એજન્ટ તરીકે નીમવામાં આવ્યા છે. તેનો લાભ લેવા, પેટીએમ એપમાં તમારા નજીકના અને જાણીતા એજન્ટનું નામ શોધો. તેને રૂબરૂ મળો. તેમને આધાર નંબર આપશો એટલે તે આપણી ફિંગરપ્રિન્ટથી આધારનું વેરિફિકેશન કરશે, આપણા મોબાઇલમાં એક ઓટીપી આવશે અને એ રીતે આપણી કેવાયસીની પ્રક્રિયા પૂરી થશે.
બેન્કિંગ વ્યવસ્થા સ્માર્ટ બની રહી છે, આપણે પણ તેના સ્માર્ટ યૂઝર બનવું પડશે!
[alert-note]આ સાઇટ પર બેન્કિંગ સંબંધિત લેખો એક સાથે જુઓ અહીંઃ https://cybersafar.com/category/smart-life/banking/[/alert-note]