કવિ-સાહિત્યકાર હરીન્દ્ર દવેના પુસ્તક ‘માધવ ક્યાંય નથી’માં, કૃષ્ણની શોધમાં આખું ભારતવર્ષ ભમ્યા પછી નારદને અંતે કૃષ્ણ મળે છે, પણ પ્રભાસમાં કૃષ્ણ દેહોત્સર્ગની પવિત્ર ભૂમિ પર. ત્યારે ઉદ્ધવ નારદને કહે છે કે ‘નારદ, યુગો યુગો પછી કૃષ્ણની મૂર્તિ પાસે જઈ કોઈ ભક્ત કહેશે, નારદે કૃષ્ણના દર્શન માટે જે તલસાટ અનુભવ્યો એ તલસાટ અમને આપો.’ આવો તલસાટ તો પ્રભુકૃપાએ જ મળે અને અનંત સ્વરૂપ કૃષ્ણ કોઈ મૂર્તિમાં સીમિત હોઈ જ ન શકે, એવી સજાગતા સાથે આજે જન્માષ્ટમીએ કૃષ્ણનાં મુખ્ય મંદિરોની આ વેબસાઇટ્સ જોવા જેવી છે…

શરૂઆત કૃષ્મજન્મસ્થાનથી કરીએ તો શ્રીકૃષ્ણજન્મસ્થાન સેવા સંસ્થાન દ્વારા સંચાલિત shrikrishnajanmasthan.net મથુરાના મંદિર સંબંધિત માહિતી હિન્દીમાં આપે છે, અલબત્ત, વેબસાઇટ જૂની ટેક્નોલોજી આધારિત છે.

દ્વારકા પહોંચીએ તો dwarkadhish.org અને pndwarka.org આ બંને વેબસાઇટ, ધર્મસ્થાનને કોર્પોરેટ કંપનીનો સાથ મળે તો કેવું સુંદર પરિણામ મળે એ સમજવા માટે પણ જોવા જેવી છે. શ્રદ્ધાળુ અને યાત્રાળુ બંનેને દ્વારકાધામ વિશે અહીં ઘણી માહિતી – વિવિધ સ્વરૂપે – મળી શકે છે. અલબત્ત, બંને સાઇટ માત્ર અંગ્રેજીમાં છે.

ડાકોર તરફ વળીએ તો ranchhodraiji.org પર તમે મંદિરનાં લાઇવ દર્શનનો પણ લાભ લઈ શકો છો.

હવે આપણી ઇ-કૃષ્ણયાત્રાને શ્રીનાથજી nathdwaratemple.org તરફ વાળીએ તો અહીં સુખદ આશ્ચર્ય એ મળે કે સાઇટનો ઘણો હિસ્સો ગુજરાતી અને હિન્દીમાં પણ છે! દર્શનીય સ્થળ વિભાગમાં તસવીરોથી ગીરીરાજની પરિક્રમાનો આનંદ લઈ શકાય છે.

જેમ કૃષ્ણ મૂર્તિ ઉપરાંત કણ કણમાં વસ્યા છે એમ ઇન્ટરનેટ પર જાણીતાં કૃષ્ણમંદિરો ઉપરાંત અનેક સાઇટ્સ, એપ પર કૃષ્ણ ધબકે છે. કૃષ્ણ ભજનો, ભક્તિ ગીતો (લિખિત કાવ્યો ઉપરાંત, સ્વર અને સંગીતબદ્ધ ગીતો પણ ખરાં), ગીતાના તમામ અધ્યાયો અને તેના અનુવાદો, કૃષ્ણ વિશેના વિવિધ લેખો, પ્રવચનો, કૃષ્ણમિમાંસા… તમે ફક્ત અંગ્રેજી, હિન્દી કે ગુજરાતીમાં કૃષ્ણ, શ્રીકૃષ્ણ જેવું કંઈ પણ સર્ચ કરો અને કૃષ્ણ અનેક સ્વરૂપે પ્રકટ થઈ જશે!

બસ, કૃષ્ણને પામવા માટે નારદ જેવો તલસાટ જોઈશે, કેમ કે ખરા કૃષ્ણ સહેલાઈથી હાથ આવતા નથી, ઇન્ટરનેટ પર પણ નહીં.

SHARE
Previous articletp-2
Editor
‘સાયબરસફર’ના સ્થાપક, સંપાદક, લેખક અને પ્રકાશક. જર્નલિઝમ, એડવર્ટાઇઝિંગ, ડેવલપમેન્ટ કમ્યુનિકેશન, કન્સલ્ટિંગ અને પબ્લિશિગ જેવાં વિવિધ ક્ષેત્રે સક્રિય. હિમાંશુનો આપ 092272 51513 પર વોટ્સએપથી સંપર્ક કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here