‘સાયબરસફર’માં મારા વિચારો જરુર હોય છે, પરંતુ અંગત વાતો હોતી નથી. આજે એ ધારો તોડવો પડે તેમ છે.
‘સાયબરસફર’નાં મૂળ સમાન અને મારા કાર્ય-ઘડતરમાં જેમનો બહુ મોટો ફાળો છે એવી બે વ્યક્તિએ હમણાં વારાફરતી અણધારી વિદાય લીધી.
પહેલાં નીલેશભાઈ રૂપાપરા (અમારે માટે ‘એનઆર’) અને પછી દિલીપભાઈ ગોહિલ (અમારે માટે ’ડીજી’!).

નીલેશભાઈ રૂપાપરા અને દિલીપભાઈ ગોહિલ
બંને મારે માટે ગુરુ, પણ એ બંને માટે હું – અને મારા જેવા બીજા ઘણા – હંમેશાં મિત્રો. એમના વર્તનમાં ગુરુપદનો ક્યારેય કોઈ ભાર નહીં.
બંનેને હું પહેલી વાર ૧૯૯૩માં મળ્યો. એ સમયે હું દિલ્હીમાં ઇન્ડિયા ટુડે મેગેઝિનની ગુજરાતી આવૃત્તિમાં ‘ટ્રેઇની જર્નાલિસ્ટ’ તરીકે જોડાયો હતો. ટીમ નાની, પણ નીલેશભાઈ અને દિલીપભાઈ બંને મારાથી બધી રીતે ઘણા સિનિયર. હું ખરેખર સદભાગી કે કરિયરની સાવ શરૂઆતમાં જ ઇન્ડિયા ટુડે (ગુજરાતી)ની ટીમ જેવા ગુરુઓ અને મિત્રો મળ્યા.
એ ચાર-પાંચ વર્ષની અસર આજ સુધી અનુભવી છે. પછીનાં વર્ષોમાં મારું શીખવાનું તો ચાલુ રહ્યું, પણ સૌથી વધુ મળ્યું એ પહેલાં ચાર-પાંચ વર્ષમાં.
હું રાજકોટના ‘જનસત્તા’ દૈનિકમાં કાગળ-પેનથી લખાયેલા, અન્ય કોઈએ ટાઇપ કરેલા અને પછી બ્રોમાઇડ મટિરિયલ પર પ્રિન્ટ થયેલા લખાણની પટ્ટીઓ કાપી-કાપી, એ બધાને ન્યૂઝપેપર સાઇઝના ચાર્ટ પેપર પર ચોંડાટીને તૈયાર થતા અખબારની દુનિયા જોઈને દિલ્હી આવ્યો હતો.
ત્યાં પહેલી વાર સીધું કમ્પ્યૂટર પર કામ થતું જોયું. દિલીપભાઈએ આગ્રહ કરીને કમ્પ્યૂટર પર ટાઇપ કરતાં અને પછી એના પર, લેઆઉટમાં જ આર્ટિકલ્સ એડિટ કરતાં શીખવ્યું.
એ તબક્કો આવે તે પહેલાં આખો લેખ મેં કે બીજા કોઈએ લખ્યો હોય કે ટ્રાન્સલેટ કર્યો હોય. એક-બે વ્યક્તિએ તેને વાંચીને સુધાર્યો હોય. તેનું બે-ત્રણ વાર પ્રૂફરીડિંગ થયું હોય (એવો પણ એક જમાનો હતો), પછી આર્ટિસ્ટે લેઆઉટ તૈયાર કર્યો હોય, એમાં એ ટેક્સ્ટ પાથરવામાં આવે… ઘણા લોકોની ઘણી મહેનત હોય. એના પર મારા જેવો નવો નિશાળિયો કામ કરવા બેસે તો મારી સાથે બીજા કેટલાયના જીવ ઊંચા થાય. મનમાં ફડકો રહે – ફાઇલ ‘ઊડી’ જશે તો?!
પણ દિલીપભાઈ હંમેશાં એટલું જ કહે, ‘‘તું ચિંતા નહીં કર, હું બેઠો છુંને!’ દિલીપભાઈ ન હોત તો કમ્પ્યૂટર પર કામ કરતાં હું બહુ મોડું શીખ્યો હોત.
આ ‘હું બેઠો છુંને’ વાળું વચન એ ઘણી વાર બોલ્યા વગર પણ નિભાવતા. અમારાં એડિટર શીલાબહેન ભટ્ટ અન્યથા જેટલાં પ્રેમાળ એટલાં જ કામની બાબતે ઉગ્ર. ઘણી વાર એમની ચેમ્બરમાંથી બહાર નીકળવાનું થાય ત્યારે આંખમાં ઝળહળિયાં હોય (અત્યારે બરાબર સમજાય છે કે એ પણ બહુ જરૂરી હતું). એ ચેમ્બર અને અમારી વચ્ચે દિલીપભાઈ બફર બને.
અમને એક વાતની કાયમ ધરપત હોય – દિલીપભાઈ છેને! ‘‘જે કંઈ લખો કે એડિટ કરો એ તમારા પછી કોઈ જોવાનું, ચેક કરવાનું નથી, સીધું પ્રિન્ટમાં જવાનું છે એમ સમજીને જ લખો’’ આવું સમજાવનારા પણ દિલીપભાઈ.
એમની સાથે ચાર-પાંચ વર્ષ સુધી, ખરા અર્થમાં, રાતદિવસ કામ કરવાનું થયું.
ઇન્ડિયા ટુડેમાં અંક પૂરો થવામાં હોય ત્યારે, સવારે નવ-દસ વાગ્યે શરૂ થયેલી ઓફિસમાંથી બીજા દિવસની સવારે ચાર-પાંચ વાગ્યે પણ છૂટકારો ન થાય એ સામાન્ય હતું. પણ અમને જુનિયર્સને કામ કરતા મૂકીને દિલીપભાઈ વહેલા ઘરે ગયા હોય એવું ક્યારેય બન્યું નહીં.
જવાબદારી લેવામાં એ હંમેશાં આગળ ને બીજાને જશ આપવામાં પણ આગળ.
દિલીપભાઈ ફક્ત પત્રકાર નહોતા, કોઈ પણ મીડિયા હાઉસ માટે એ ઇન્ડિસ્પેન્સિબલ બને એવું, પૂરેપૂરું પેકેજ હતા.
ગુજરાતી-ઇંગ્લિશ બંને પર પકડ જબરજસ્ત. એવું જ ચૂસ્ત એડિટિંગ. એમનું એડિટિંગ બોલવામાં ને હસવા સુધી પણ લંબાય. ઓછું બોલે, ઝડપથી બોલે, ક્યારેય વધારે ન બોલે ને હસે પણ હળવું હળવું, તૂટક તૂટક!
ટીમ બિલ્ડિંગ અને ટીમવર્ક બંનેમાં એમની માસ્ટરી હતી. લેખના વિષય કેવા પસંદ કરવા, કેવી રીતે રજૂઆત કરવી, કેટલો લાંબો કરવો, એ બધું તો એ જાણે જ, એના લેઆઉટમાં પણ ઊંડા ઊતરે. મણીલાલ જેવા એ આર્ટિસ્ટને પણ કંઈક નવું શીખવી શકે.
કમ્પ્યૂટરનું હાર્ડવેર-સોફટવેર બધું જાણે, ને ન જાણે તોય પ્રોબ્લેમ સોલ્વ કરવામાં એ ક્યારેય પાછા ન પડે. ઇન્ડિયા ટુડેની ગુજરાતી આવૃત્તિ બંધ થયા પછી દિલીપભાઈ વેબ પબ્લિશિંગ અને પછી ટીવી જર્નાલિઝમમાં, ડિબેટિંગમાં પ્રવૃત્ત થયા, એ પછી ખબર પડી એ જે ફીલ્ડમાં જાય ત્યાં ‘પૂરું પેકેજ’ બનીને જ જંપે છે.
જોકે અજંપો, અકળામણ, રેસ્ટલેસનેસ એમનાં કાયમી સાથીદાર હતાં. અમારી સાથેના વર્તનમાં વર્તાવા ન દે, પણ, વર્ષોના સાથ પછી એટલું તો સમજાયું કે ક્યાંય સ્થિર થવાનું એમને માટે શક્ય નહોતું. કશુંય મીડિયોકર એ ચલાવી લઈ શકતા નહોતા. ક્યારેક એ અમારી પાસે અકળામણ ઠાલવી દેતા, પણ ક્યારેય હાર્શ બનીને નહીં. એવે સમયે ઉભરો ઠાલવ્યા પછી ફરી, એમનું કાયમી, રીતસર બાળક જેવું હસીને કહેતા, ‘‘છોડને હવે!’’ ફરી પાછા એમના હળવા, તૂટક તૂટક હાસ્ય સાથે એ વાત ત્યાં જ પૂરી થતી.
પાછલાં વર્ષોમાં રાજકીય વિશ્લેષક તરીકે ટીવી ડિબેટ્સમાં લોકો એમને રસથી સાંભળતા એનું એક કારણ હતું. ટીવી ડિબેટ્સમાં દિલીપભાઈની વાતોમાં જે ઊંડાણ હતું, એનાં મૂળ બહુ જૂનાં હતાં.
અત્યારે ચૂંટણી સમયે ટીવીના સ્ક્રીન પર ધડાધડ ડેટા ઠલવાતો જોવાનું સામાન્ય છે, પણ, દિલીપભાઈએ નેવુંના દાયકામાં, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે દરેકે દરેક બેઠકની અનેક પ્રકારની વિગતો એકઠી કરી, દરેક મતવિસ્તારના ઉમેદવારો, અન્ય નેતા, કાર્યકરોથી માંડીને સામાન્ય લોકો સાથે વાતચીત કરી-કરાવીને એક બુકલેટ તૈયાર કરી હતી. હું ભૂલતો ન હોઉં તો એ બુકલેટનું ‘ચૂંટણી ચોપાટ’ જેવું કંઈક નામ હતું. તમામ ૧૮૨ બેઠકોનું આટલું વિસ્તૃત વિશ્લેષણ એ પહેલાં ક્યારેય થયું હોવાનું ધ્યાનમાં નથી.
એ સમયમાં દિલીપભાઈની સૌથી નજીક નીલેશ રૂપાપરા અને દીપક સોલિયા. એ ત્રણેની મૈત્રી ઇન્ડિયા ટુડેના સમયથી પણ જૂની.
નીલેશભાઈની વાત કરું તો, એ દિલીપભાઈની બહુ નજીક, છતાં પ્રકૃત્તિથી બહુ જુદા. એમની પણ ભાષાપકડ જબરી. વૈચારિક ઊંડાણ પણ જબરું. છતાં એ ‘ડિરેક્ટર્સ એક્ટર’ની જેમ, આખી ટીમમાં પોતાની ભૂમિકા પોતાના કામ પૂરતી જ સીમિત રાખી શકતા.
ઇંગ્લિશ ઇન્ડિયા ટુડેમાં તરુણ તેજપાલ જેવા લોકો આર્ટિકલ નહીં, એસે લખે ત્યારે એમને માટે કહેવાતું કે એ કમ્પ્યૂટર પર કોઈ પણ ઇંગ્લિશ શબ્દ લખી, કંટ્રોલ+એફસેવન કી પ્રેસ કરી, થિસોરસ ઓપન કરતા હશે અને પછી, પોતે લખેલા શબ્દને, તેનો જે સૌથી અઘરો, ક્યારેય વાંચ્યો-સાંભળ્યો ન હોય એવો સમાનાર્થી દેખાય તેનાથી રિપ્લેસ કરતા હશે! એમના એસે ટ્રાન્સલેટ કરવાના આવે ત્યારે અમે હળવેકથી એ નીલેશભાઈ સામે ધરી દેતા અને એ એટલી જ હળવાશથી સ્વીકારી પણ લેતા!
નીલેશભાઈ પોતાનું કામ કરી લે, એ પછી અમે અચૂક એ જોવાનો આગ્રહ રાખતા – શીખવા માટે, સમજવા માટે.
ખરા મિત્રોની હાજરીમાં દિલીપભાઈ બિલકુલ બાળક જેવા. એ નાની નાની વાતમાં, ભલે હળવું હળવું પણ હસી લેતા. નીલેશભાઈ મોટા ભાગે હળવા સ્મિતથી કામ ચલાવી લે. પણ એમના ગાંભીર્યમાં, ‘તમે મારા લેવલના નહીં’ એવો ભાવ ક્યારેય નહીં. સ્વભાવગત, ગજબના ઋજુ અને શાલીન.
મનમાં સતત અકળામણ હોય તો પણ માણસ આજુબાજુના લોકોનું કેટલું ધ્યાન રાખી શકે એ દિલીપભાઈમાં જોયું. એમ, માણસ જેમ વધુ જાણે, એમ કેટલો નમ્ર બની શકે એ નીલેશભાઈમાં જોયું.
અત્યાર સુધી બંને સામે કોઈ ફરિયાદ નહોતી. એવો ક્યારેય મોકો જ ન આપ્યો બંનેએ.
હવે છે – આટલા વહેલા કેમ ગયા?
હિમાંશુ