મજાની યાદો તાજી કરે તેવા ફોટા આપોઆપ તારવીને આપણને બતાવવા
મોબાઇલમાં આપણે ગૂગલ ફોટોઝની એપ ડાઉનલોડ કરી શકીએ છીએ.
હવે મોટા ભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફોટો ગેલેરી તરીકે આ એપ પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોય છે.
મોબાઇલમાં આપણે જેટલાં ગૂગલ એકાઉન્ટ ઉમેર્યાં હોય, એ દરેક માટે આ સર્વિસમાં અલગ અલગ ફોટોઝ સ્ટોર કરી શકાય છે.
સ્માર્ટફોનના કેમેરાથી લીધેલા તમામ ફોટોઝ, આ સર્વિસમાં અપલોડ કરવા માટે આપણે કોઈ એક ગૂગલ એકાઉન્ટ નક્કી કરી શકીએ છીએ. આ એકાઉન્ટમાં આપણા ફોટોઝ-વીડિયોનો આપોઆપ બેકઅપ લેવાતો જશે.
પીસી કે લેપટોપમાં, કોઈ પણ બ્રાઉઝરમાં http://photos.google.com/ સાઇટ પર જઈ તેનો લાભ લઈ શકાય.આપણે તેમાં પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થવાનું રહેશે.
આપણે મરજી પડે ત્યારે, ગમે તે સાધનમાં ફોટોઝની એપ કે વેબસાઇટ પર જઈને આપણા ફોટો-વીડિયો જોઈ શકીએ છીએ.
તમને તમારા અને પરિવારના ફોટો-વીડિયો અવારનવાર જોવા ગમે છે? તો આ સર્વિસ તમારે માટે કામની છે!
આપણે આજની મજાની ક્ષણોને ભવિષ્યમાં ફરી ફરી માણવા માટે ફોટોગ્રાફ કે વીડિયો લઇએ છીએ. એ જ કારણે ફોટો-વીડિયોનો ફક્ત બેકઅપ રાખી શકીએ એ પૂરતું નથી. જ્યારે મન થાય ત્યારે આપણે ગમતા ફોટો-વીડિયો ફટાફટ ફરી જોઇ શકીએ તો જ ફોટો-વીડિયો લીધાનો અર્થ સરે.
સ્માર્ટફોનને કારણે બધા લોકો હવે સહેલાઇથી ધડાધડ ફોટોગ્રાફ લઈ શકે છે. પરંતુ તેને લાંબા સમય માટે યોગ્ય રીતે સ્ટોર કરી રાખવાનું મુશ્કેલ છે.
આપણે પોતાની રીતે સ્માર્ટફોનમાં બધા ફોટો સાચવી શકતા નથી. કેમ કે તેમાં અપૂરતી સ્પેસ હોય છે!
કમ્પ્યૂટરમાં કે અલગ હાર્ડડિસ્કમાં ફોટા- વીડિયો સાચવી શકાય, પરંતુ તેમાં ફક્ત સાચવણી છે, મન થાય ત્યારે જોઇતો ફોટો ફટાક દઇને શોધવાની સગવડ નથી.
આપણે લીધેલા દરેક ફોટોને વ્યક્તિ, પ્રસંગ, તારીખ, સ્થળ વગેરે જુદી જુદી અનેક રીતે ફોલ્ડરમાં સાચવવાનું કામ પોતાની રીતે લગભગ અશક્ય છે.
ગૂગલ ફોટોઝમાં આ બધું કામ બિલકુલ આપોઆપ થાય છે – આપણે પોતે કશું જ કરવું પડતું નથી.
ના, અગાઉ તે પૂરેપૂરી ફ્રી હતી. હવે તે પેઇડ થઈ છે, પણ હજી પણ મફત વર્ઝન ઉપલબ્ધ છે.
આ સર્વિસ વર્ષ ૨૦૧૫માં લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધી ગૂગલે તેમાં આપણા ફોટો-વીડિયો હાઇ રિઝોલ્યુશનમાં સાચવવા માટે અનલિમિટેડ સ્ટોરેજની સગવડ આપી હતી. એટલે કે ફોટો-વીડિયોની સંખ્યાની કોઈ મર્યાદા નહોતી.
શરત માત્ર એટલી કે ફોટોઝ સર્વિસમાં આપણા ફોટો-વીડિયો સ્માર્ટફોન કે કેમેરાના મૂળ રિઝોલ્યુશનમાં નહીં, પરંતુ થોડા કમ્પ્રેસ્ડ સ્વરૂપે સાચવવામાં આવે છે. આમ છતાં તે હાઇ રિઝોલ્યુશનમાં હોય છે અને મૂળ વર્ઝન કરતાં કમ્પ્રેસ્ડ વર્ઝનનો તફાવત બહુ નજીવો છે.
આવી અનલિમિટેડ સ્ટોરેજની સગવડ જૂન ૧, ૨૦૨૧થી પૂરી થઈ છે.
આમ છતાં હજી પણ આ સર્વિસનો મફતમાં લાભ લઈ શકાય છે.
ઘણા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ડિફોલ્ટ ફોટો ગેલેરી તરીકે ગૂગલ ફોટોઝ એપ ઇન્સ્ટોલ્ડ હોય છે. આથી સ્માર્ટફોનમાં તમે લીધેલા ફોટોગ્રાફ આ સર્વિસ દ્વારા તમારા ગૂગલ એકાઉન્ટમાં જમા થતા હોય એવું બની શકે છે (અથવા હવે તમે એવું કરી શકો છો).
ગૂગલની નવી શરતો અનુસાર હવે તેના ફ્રી એકાઉન્ટમાં આપણને જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ ત્રણેયમાં મળીને કુલ ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ મળે છે.
ગૂગલની સ્પષ્ટતા મુજબ, જૂન ૧, ૨૦૨૧ પહેલાં, આપણે આ સર્વિસમાં જેટલા ફોટોઝ અપલોડ કર્યા હશે. તે ૧૫ જીબીની મર્યાદામાં સામેલ થશે નહીં. માત્ર નવા ઉમેરાતા ફોટોગ્રાફ ૧૫ જીબીની ગણતરીમાં લેવાશે.
આમ, જૂન ૧, ૨૦૨૧ પછી પણ આ સર્વિસ પૂરેપૂરી પેઇડ થઈ ગઈ નથી. આપણે તેનો મફતમાં ઉપયોગ ચાલુ રાખી શકીએ છીએ.
જો તમે તમારા બધા ડિજિટલ ફોટોઝ માટે ગૂગલ ફોટોઝ સર્વિસનો લાભ લેવા માગતા હો, તેમ જ જીમેઇલ તથા ગૂગલ ડ્રાઇવનો પણ તમે ખાસ્સો ઉપયોગ કરતા હો તો માત્ર ફોટોઝના બેકઅપ માટે એક નવું પર્સનલ જીમેઇલ એકાઉન્ટ ખોલાવી લો.
આ નવા એકાઉન્ટનો માત્ર ફોટો-વીડિયો માટે ઉપયોગ કરશો તો તમે કુલ ૧૫ જીબી સુધીના ફોટો-વીડિયો તેમાં મફતમાં સેવ કરી શકશો. આટલી સ્પેસ હજારો ફોટોગ્રાફ માટે પૂરતી છે!
આ નવું એકાઉન્ટ તમારા સ્માર્ટફોનમાં ઉમેરી, એપમાં ઓટોમેટિક બેકઅપ માટે આ નવું એકાઉન્ટ પસંદ કરવાનું ભૂલશો નહીં!
સ્માર્ટફોનમાં એપની ઉપયોગ કરતા હો તો તેમાં એવું સેટિંગ્સ કરી શકાય છે કે સ્માર્ટફોનથી તમે જે કોઈ ફોટો-વીડિયો લો તેનો આપોઆપ નિશ્ચિત તમારા ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લેવાઈ જાય.
તમારી ફોટો ગેલેરીના અન્ય ફોલ્ડરમાંના ફોટો-વીડિયોનો પણ આ સર્વિસમાં આપોઆપ બેકઅપ લેવાય તેવું સેટિંગ કરી શકાય છે. એ માટે તમારે એ બધાં ફોલ્ડર પસંદ કરવાનાં રહેશે.
સ્માર્ટફોનમાંના ફોટો-વીડિયોનો આપણા એકાઉન્ટમાં બેકઅપ લેવાય તે પછી સ્માર્ટફોનમાંના તે ફોટો-વીડિયોને આપણે સલામત રીતે ડિલીટ કરી શકીએ છીએ.
આ રીતે આપણા ફોનમાં ફોટો-વીડિયોને કારણે ઓછી જગ્યા રોકાશે.
પીસી/લેપટોપમાં ફોટોઝની વેબસાઇટ પર જઇને આપણે મેન્યુઅલી પીસી/લેપટોપમાંના લોકલ ફોલ્ડરના ફોટોગ્રાફ આ સર્વિસમાં અપલોડ કરી શકીએ છીએ.
આ રીતે ફોટો અપલોડ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણને ‘બેકઅપ એન્ડ સિન્ક’ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું સૂચવવામાં આવશે. ફોટો-વીડિયો અપલોડ કરવા માટે એ વધુ સગવડભર્યો રસ્તો છે.
હવે આગળની વાત જરા ધ્યાનથી વાંચજો!
આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને રન કરશો એટલે તેમાંથી આપણાં ગૂગલ એકાઉન્ટમાં સાઇનઇન કહેવાનું કહેવામાં આવશે.
બીજી તરફ પીસી/લેપટોપમાં ‘ફોટોઝ ટુ અપલોડ’ નામનું એક ફોલ્ડર બનાવી લો.
તમારે જે ફોટો-વીડિયો ફોટોઝ સર્વિસમાં અપલોડ કરવા હોય તે આ ફોલ્ડરમાં મૂકી દો. આ મેઇન ફોલ્ડરની અંદર બીજાં ગમે તેટલાં પેટા ફોલ્ડર રાખી શકાય છે.
હવે ‘બેકઅપ એન્ડ સિન્ક સોફ્ટવેર’ના સેટિંગમાં આપણું આ નવું ફોલ્ડર ‘ફોટોઝ ટુ અપલોડ’ સિન્ક કરવા માટે પસંદ કરી લો.
હવે આપણા પીસી/લેપટોપમાં જ્યારે નેટ કનેકશન ચાલુ હશે ત્યારે બેકઅપ એન્ડ સિન્ક સોફ્ટવેર દ્વારા ‘ફોટોઝ ટુ અપલોડ’ ફોલ્ડર માંના બધા ફોટો-વીડિયોનો આપણા ગૂગલ એકાઉન્ટમાં ઓટોમેટિક બેકઅપ લેવાતો જશે.
આ ફોલ્ડર થોડા થોડા વખતે તપાસતા રહો. જે ફોટો-વીડિયોનો બેકઅપ લેવાઈ ગયો હશે તેના પર ગ્રીન ટીક જોવા મળશે. જેનો બેકઅપ લેવાયો નહીં હોય તેના પર લાલ ચોકડી જોવા મળશે.
આ સોફ્ટવેર નિયમિત રીતે બેકઅપનો પ્રયાસ કરશે, એ કારણે અગાઉ જેના પર લાલ ચોકડી હોય એ ફોટો-વીડિયો પર પછી ગ્રીન ટીક જોવા મળે એવું બની શકે છે.
આ ‘ફોટોઝ ટુ અપલોડ’ ફોલ્ડરમાં આપણે જે નવા ફોટો-વીડિયો ઉમેરીશું તેનો ઓટોમેટિકલી ગૂગલ ફોટોઝમાં બેકઅપ લેવાતો જશે!
આપણે પીસી/લેપટોપમાં લેપટોપમાં જુદાં જુદાં નામનાં ફોલ્ડર બનાવ્યાં હોય, તેને ગૂગલ ફોટોઝ સર્વિસ ધ્યાને લેતી નથી.
તેમાં માત્ર તારીખ-મહિનો-વર્ષ મુજબ ફોટોગ્રાફ ઓટોમેટિક સોર્ટ થાય છે. સોર્ટિંગની આ પદ્ધતિ આપણે બદલી શકતા નથી.
ફોટોઝ સર્વિસમાં ફોટો-વીડિયો અપલોડ થયા પછી આપણે લગભગ કશું જ કરવાનું રહેતું નથી. તેમ છતાં આપણે ઇચ્છીએ તે રીતે જોઇતા ફોટો-વીડિયો બહુ સહેલાઇથી, જુદી જુદી રીતે શોધી શકીએ છીએ.
ના, આપણા ફોટો-વીડિયો આપણી માલિકીના જ રહે છે.
હા, ચોક્કસ. આપણે ઇચ્છીએ ત્યારે આ સર્વિસમાં અપલોડ કરેલા માત્ર અમુક અથવા બધા ફોટો-વીડિયો ગમે ત્યારે, ગમે તે સાધનમાં ડાઉનલોડ કરી શકીએ છીએ.
માત્ર અમુક ફોટો-વીડિયો ડાઉનલોડ કરવા માટે તેને અલગ અલગ સિલેક્ટ કરીને ડાઉનલોડ કરી શકાય છે. આ સર્વિસમાંના તમામ ફોટો એક સાથે ડાઉનલોડ કરવા માટે https://takeout.google.com/ પેજ પર જાઓ. તેમાં ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થઈ ગૂગલ ફોટોઝ પસંદ કરીને તમારા બધા ફોટો એકસાથે ડાઉનલોડ કરી શકશો.
મોટા ભાગના ટેક્નોલોજી નિષ્ણાતો એક વાતે સંમત છે કે ડિજિટલ ફોટો-વીડિયો મેનેજમેન્ટ માટે, આનાથી વધુ સારી બીજી કોઈ સર્વિસ નથી. હવે તેમાં ફ્રી અનલિમિટેડ સ્ટોરેજ ન હોવા છતાં!
આપણા તમામ ડિજિટલ ફોટો-વીડિયોના સ્ટોરેજ ઉપરાંત, મનગમતી યાદો ગમે ત્યારે અને અણધારી રીતે, ફરી તાજી કરવાની સગવડ એ આ સર્વિસની વિશેષતા છે.
મજાની વાત એ છે કે એ માટે આપણે તેમાં ફોટો અપલોડ કરવાથી વિશેષ લગભગ કશું જ કરવાનું હોતું નથી.
તેના સેટિગ્સમાં ‘ગ્રૂપ સિમિલર ફેસિસ’નો વિકલ્પ પસંદ કરવાથી આપણે બે-ચાર ફોટો ઓળખાવી દઇએ એ પછી દરેક વ્યક્તિના ફોટોગ્રાફ આપોઆપ ગ્રૂપ થાય છે. એપમાં સર્ચ પર ક્લિક કરતાં, વ્યક્તિ મુજબ આપોઆપ બનેલાં આલબમ જોઈ શકાય છે.
વ્યક્તિ ઉપરાંત જુદા જુદા સ્થળ મુજબ આપોઆપ આલબમ બને છે.
એ ઉપરાંત સનસેટ, પેલેસ, ટેમ્પલ્સ, માઉન્ટેઇન, વેડિંગ, બર્થ ડે, દિવાળી, વગેરેના ફોટો-વીડિયોના પણ આપોઆપ આલબમ બને છે!
આ સર્વિસમાં સેટિંગ્સમાં જઇને આપણા જૂના ફોટો આપોઆપ બતાવવામાં આવે એવું સેટિંગ કરી શકાય છે.
એ પછી જે તે તારીખે અગાઉના વર્ષોમાં એ જ અઠવાડિયા દરમિયાન લીધેલા ફોટોગ્રાફ આપોઆપ બતાવવામાં આવે છે.
તાજેતરના નવા ફોટોગ્રાફ્સ ‘રીસન્ટ હાઇલાઇટ્સ’ તરીકે બતાવવામાં આવે છે.
જુદી જુદી થીમ અનુસાર પણ ફોટોઝ તારવીને બતાવવામાં આવે છે (જેમ કે મધર્સ કે ફાધર્સ ડે નજીક હોય ત્યારે સંતાનો સાથે મમ્મી-પપ્પાના ફોટો, વેલેન્ટાઇન્સ ડે નજીક હોય ત્યારે પતિ-પત્નીના ફોટો, માત્ર બીચ પરના આપણા બધા જ ફોટોઝ વગેરે).
આ બધાં ફીચર્સને કારણે જ, ગૂગલ ફોટોઝ સર્વિસનો લાભ લેવા જેવો છે.
આ માત્ર ફોટોઝ સાચવવાની વાત નથી, જે મજા માટે આપણે ફોટો-વીડિયો લઈએ છીએ, એ મજા પૂરેપૂરી માણવામાં આ સર્વિસ અત્યંત મદદરૂપ થાય છે!
‘સાયબરસફર’ મેગેઝિન અને અન્ય ઇઝી ગાઇડ્સ વાંચવા લોગ-ઇન કરો