fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં બેન્કિંગ! શા માટે, કઈ રીતે, સલામત છે?

બેન્કની સેવાઓ ઘણે અંશે ઓનલાઇન થઈ ગઈ છે અને હવે તેને વધુ ને વધુ સરળ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આપણે તેનો કેવી રીતે લાભ લઈ શકીએ અને સલામતી માટે શું ધ્યાન રાખવું તે વિગતવાર જાણીએ.

આ લેખ સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૩ સુધી લોગ-ઇન વિના વાંચી શકાશે.

એક સમય એવો હતો જ્યારે આપણે સૌએ બેન્કનાં નાનાં મોટાં કામ કરવા માટે બેન્કની બ્રાન્ચમાં રૂબરૂ જવું પડતું હતું!

એ સમયે સવારના નવથી સાંજના છ સુધી નોકરીએ જતા લોકોને બેન્કના કામકાજ પતાવવામાં બહુ અગવડ પડતી. બીજી તરફ સિનિયર સિટિઝનને સમયની કોઈ તકલીફ ન હોય, પરંતુ તેમને બેન્કમાં રૂબરૂ જવું એ જ મોટી તકલીફ બને!

હવે સમય બદલાઈ ગયો છે.

હવે બધી જ બેન્ક ઇચ્છે છે કે તેના ખાતાધારકો કોઈ કામ માટે બેન્કની શાખા પર ન આવે – બેન્કનો ઘણો ખર્ચ તેમાં બચે છે!

આ માટે નેટ અને મોબાઇલ બેન્કિંગની સેવાઓ વિસ્તારવામાં આવી છે, પરંતુ તેને સલામત રાખવા જતાં ઝંઝટ વધે છે.

તેના ઉપાય તરીકે, નાણાકીય વ્યવહાર સિવાયની સેવાઓ વોટ્સએપ પર અત્યંત સરળ રીતે આપવાનું ચલણ વધી રહ્યું છે.

વોટ્સએપ પર બેન્કિંગ કેમ પ્રચલિત બની રહ્યું છે – પહેલાં એ વાત કરીએ.

વર્ષોથી આપણને એટીએમમાંથી ૨૪ કલાક રૂપિયા ઉપાડવાની સગવડ મળી ગઈ છે.

એ જ રીતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને કારણે એક બેન્ક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયાની લેવડદેવડ પણ સાવ સરળ બની ગઈ.

નેટબેન્કિંગ અને વિવિધ બેન્કની મોબાઇલ એપ્સ દ્વારા ગમે ત્યાંથી બેન્કિંગ શક્ય બન્યું છે. પરંતુ પહેલાં આપણી વિવિધ બેન્ક્સની એપમાં કે વેબસાઇટ પર લોગ-ઇન સમયે ટુ-સ્ટેપ-વેરિફિકેશન જેવી સલામતી વ્યવસ્થા પણ નહોતી. એમાંથી હવે સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.

હવે મોટા ભાગની જાણીતી બેન્ક ઘણી સારી સલામતી વ્યવસ્થા આપી રહી છે. પરંતુ એ જ કારણે, બેન્કની સાઇટ કે એપમાં લોગ-ઇન થવું વધુ ને વધુ ઝંઝટભર્યું બની રહ્યું છે.

આ બધી ઝંઝટ ટાળવા માટે, હવે બેન્કો સામાન્ય સેવાઓ વોટ્સએપ પર  ચેટબોટની મદદથી ઓફર કરવા લાગી છે. એ જોવું ખરેખર રસપ્રદ છે કે ભારતમાં વોટ્સએપનો ઉપયોગ સામાન્ય ફેમિલી ચેટિંગથી હવે ઘણો વધુ વિસ્તરી રહ્યો છે. થોડા સમય પહેલાં જિઓ કંપનીએ તેની આખેઆખી શોપિંગ સાઇટ વોટ્સએપ પર લોન્ચ કરી અને હવે વિવિધ બેન્ક્સ પણ તેના પર ઘણી સગવડ આપવા લાગી છે.

વોટ્સએપ પર ચેટબોટથી બેન્કિંગ સેવાઓ વધુ સહેલી અને ઝડપી બની રહી છે – નેટ બેન્કિંગ કરતાં એ સહેલી છે!

આપણે આ નવી સગવડનાં બધાં પાસાં જાણીએ.

સાદાં કારણ બે જ – બેન્કિંગ વ્યવસ્થા પરનો ભાર ઘટાડવો અને ઓછી ઝંઝટે, ઝડપી સુવિધાઓ આપવી.

તમારો પણ આ અનુભવ હશે જ કે આપણી બેન્કની વેબસાઇટ કે મોબાઇલ એપમાં લોગ-ઇન થતી વખતે આપણે સલામતી વ્યવસ્થાના ઘણા કોઠા ભેદવા પડે છે –

  • પાસવર્ડ એકદમ મજબૂત રાખવાનો,
  • એ પાસવર્ડ પાછો યાદ રાખવાનો,
  • કેપ્ચા કોયડો ઉકેલવાનો,
  • બીજા બ્રાઉઝરમાંથી લોગ-ઇન કરવા જાઓ તો સિક્યોરિટી ક્વેશ્ચન્સના જવાબ આપવાના,
  • આ બધામાં કંઈ ભૂલ થાય તો નેટ બેન્કિંગ ૨૪ કલાક માટે બ્લોક થઈ જાય!

વાત આપણાં જ નાણાંની સલામતી માટે છે, પણ આખી પ્રક્રિયા ઝંઝટભરી બને છે.

બેન્કમાંથી રકમ ટ્રાન્સફર કરવી હોય કે આખા વર્ષનું સ્ટેટમેન્ટ મેળવવું હોય કે નવી એફડી ખોલાવવી હોય વગેરે કામ માટે આ ઝંઝટ આપણે સહન કરી લઇએ.

પરંતુ જ્યારે ફક્ત ખાતાનું લેટેસ્ટ બેલેન્સ જાણવું હોય કે પાછલા પાંચેક ટ્રાન્ઝેકશનની વિગતો જાણવી હોય તો એ માટે લોગ-ઇનની આટલી બધી ઝંઝટ આપણને આકરી લાગે. 

વિવિધ બેન્ક્સ એનો ઉપાય આપવા લાગી છે.

ઇ-પાસબુક એપ્સ

હવે ઘણી બેન્ક્સ ‘ઇ-પાસબુક’ એપ ઓફર કરવા લાગી છે. આવી એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં આપણો કસ્ટરમર આઇડી આપી, પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મેળવીને રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ.

પછી એટીએમના પિનકોડ જેવો એમપિન જનરેટ કરી, ફક્ત એ એક એમપિનની મદદથી આપણે ઇચ્છીએ ત્યારે પોતાના બેન્ક ખાતાની વિગતો પલકવારમાં મેળવી શકીએ છીએ.

આવી માત્ર પાસબુકની સગવડ આપતી એપ્સમાં અન્ય કોઈ પણ પ્રકારનું બેન્કિંગ કામકાજ થઈ શકતું નથી. એટલે સામાન્ય ઉપયોગ માટે એ વધુ સલામત પણ રહે છે.

વોટ્સએપ પર બેન્કની સર્વિસ

હવે વિવિધ બેન્ક્સ હજી એક ડગલું આગળ વધી રહી છે અને લોકોમાં અત્યંત પોપ્યુલર વોટ્સએપ મેસેજિંગ પ્લેટફોર્મ પર આ જ પ્રકારની સર્વિસ આપવા લાગી છે. આથી આપણે પાસબુક એપ પણ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેતી નથી.

‘સાયબરસફર’  આપણે અવારનવાર ચેટબોટની વાત કરી છે. જુદી જુદી બેન્ક્સ પોતાની સર્વિસ વોટ્સએપ પર આપવા માટે આવા જ ચેટબોટ્સનો ઉપયોગ કરી રહી છે.

ગૂગલને હરાવી, વોટ્સએપે બાજી મારી

આપણા બેન્ક સંબંધિત તમામ ટ્રાન્ઝેક્શનની વિગતો આપણને હજી પણ એસએમએસ દ્વારા જ આપવામાં આવે છે. જૂની એસએમએસ પદ્ધતિમાં માત્ર ટેક્સ્ટ મેસેજ મળતા, ગૂગલે તેમાં રિચ કમ્યુનિકેશન સર્વિસ (આરસીએસ) નામે વોટ્સએપ જેવાં જ ફીચર ઉમેરવાની કોશિશ કરી. પરંતુ આ આખી વાત હજી ખાસ પોપ્યુલર થઈ શકી નથી.

બીજી તરફ મેટા કંપનીએ વોટ્સએપમાં ચેટબોટની મદદથી વિવિધ પ્રકારના બિઝનેસ માટે પોતાના યૂઝર સાથેનું કમ્યુનિકેશન એકદમ સહેલું બનાવી દીધું છે. ભારતમાં વોટ્સએપ અત્યંત પોપ્યુલર હોવાથી વિવિધ બિઝનેસ પણ તેના તરફ વળી રહ્યા છે!

દરેક બેન્ક વોટ્સએપમાં ચેટબોટની મદદથી આ સુવિધા આપે છે, એટલે દરેકમાં રજિસ્ટ્રેશનની વિવિધ લગભગ એક સરખી છે.

આપણે પોતાની બેન્કની વેબસાઇટ પરથી આ માટેનો નંબર જાણવાનો રહે છે (બેન્ક સામાન્ય રીતે ટ્વીટર પર પણ તેની જાણ કરે છે અને ખાતાધારકને મેસેજ પણ મોકલે છે). આપણે બેન્કમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી, એ નંબર પર ‘Hi’ મેસેજ મોકલવાનો રહે છે.

એ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને અનુસરી રજિસ્ટ્રેશન પૂરું કરવાનું રહે છે.

અમુક બેન્ક આ માટે કોઈ ચોક્કસ નંબર પર મિસ્ડ કોલ આપવાનું કહે છે અથવા રજિસ્ટ્રેશનનો નિશ્ચિત મેસેજ એસએમએસ કરવાનું કહે છે.

આમાંથી કોઈ પણ રીતે રજિસ્ટ્રેશન પૂરું કરી, બેન્કનો વોટ્સએપ નંબર આપણે સેવ કરી રાખવાનો રહે છે. પછી ગમે ત્યારે એ નંબર પર ચેટ શરૂ કરતાં, વિવિધ વિકલ્પોનું મેનૂ મળે છે. તેમાંથી જોઇતો વિકલ્પ પસંદ કરી, એ મુજબની માહિતી મેળવી શકાય છે.

વિવિધ બેન્ક્સ જુદા જુદા પ્રમાણમાં વોટ્સએપ પર બેન્કિંગ સર્વિસ પૂરી પાડે છે.

જેમ કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હજી હાલમાં જ વોટ્સએપ પર પોતાની સર્વિસ શરૂ કરી છે અને તેમાં હાલમાં માત્ર બેલેન્સ ઇન્ક્વાયરી અને મિનિ સ્ટેટમેન્ટ મેળવી શકાય છે.

બીજી તરફ એચડીએફસી જેવી બેન્ક વોટ્સએપ પર ૯૦થી વધુ સર્વિસ આપવા લાગી છે!

વિવિધ બેન્ક વોટ્સએપ પર નીચેની સુવિધાઓ આપવા લાગી છેઃ

  • એકાઉન્ટનું બેલેન્સ, મિનિ સ્ટેટમેન્ટ, ચેકનું સ્ટેટસ જાણવું,
  • ડેબિટ કાર્ડ બ્લોક કરવું,
  • ચેકબુક કે એકાઉન્ટ સ્ટેટમેન્ટ મંગાવવાં,
  • રજિસ્ટર્ડ ઈ-મેઇલ એડ્રેસ જાણવું,
  • યુપીઆઇ સર્વિસ ડિસેબલ કરવી,
  • ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ઉપયોગ માટે કાર્ડ બ્લોક કે ઇનેબલ કરવું,
  • ફાસ્ટેગ બેલેન્સ જાણવું,
  • નવા ફાસ્ટેગ માટે એપ્લાય કરવું, વગેરે.

આઇસીઆઇસીઆઇ જેવી કેટલીક બેન્ક હિન્દીમાં પણ વોટ્સએપ સર્વિસ આપે છે.

વોટ્સએપ પર બેન્કિંગ ખરેખર સગવડભર્યું છે અને લગભગ કોઈ જ ઝંઝટ વિના આપણે પોતાના ખાતા સંબંધિત જુદી જુદી ઘણી માહિતી જાણી શકીએ છીએ, સલામતી સાથે.

આ પદ્ધતિમાં સલામતી બે રીતે છે – એક તો, વોટ્સએપના બધા જ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે એટલે વચ્ચે કોઈ તેને વાંચી શકતું નથી. બીજું, આ પદ્ધતિમાં રૂપિયાની કોઈ લેવડદેવડ સંકળાયેલી નથી, આ રીતે માત્ર ખાતાની વિિવધ માહિતી જાણી શકાય છે અને નાણાં સિવાયનાં વિવિધ એક્શન લઈ શકાય છે.

તેમ છતાં, તમારે નિયમિત રીતે બેન્ક બેલેન્સ જાણવા સિવાય બેન્કનું ખાસ કંઈ કામ રહેતું ન હોય અને તમારી બેન્ક ઇ-પાસબુક એપ ઓફર કરતી હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય.

વોટ્સએપમાં બેન્કિંગ સર્વિસનો લાભ લેતી વખતે સલામતી માટે કઈ બાબતોની કાળજી લેવી તેની આગળ વધુ વિગતવાર વાત કરી છે.

વોટ્સએપ પર બેન્કિંગ સર્વિસનો લાભ લેવાનું સગવડભર્યું છે અને સલામત પણ છે, પરંતુ ત્યારે જ જ્યારે આપણે ખરેખર આપણી બેન્ક સાથે જ ચેટ કરી રહ્યા હોઈએ!

સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સમયે બેન્કની ઓફિશિયલ વેબસાઇટ કે ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પરથી મળેલા નંબરને જ સેવ કરો અને તેમાં રજિસ્ટ્રેશન માટે આગળ વધો.

આમ તો રજિસ્ટ્રેશનની પ્રોસેસ આપણા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી જ અને કસ્ટમર આઇડીની પ્રાથમિક વિગતો આપ્યા પછી જ થાય છે એટલે એ વાતની ખાસ ચિંતા રાખવા જેવું નથી.

એ પછી વોટ્સએપ પર બેન્કના એકાઉન્ટને વેરિફાય  કરવામાં આવ્યું છે અને તે દર્શાવતું ગ્રિન ટિક તેના નામ પછી જોવા મળે છે તેની પણ ખાતરી કરી લો.

એ પણ ખાસ યાદ રાખશો કે વોટ્સએપ દ્વારા બેન્ક ખાતાની બધી વિગતો, ડેબિટ/ક્રેડિટ કાર્ડ પિન અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ જેવી ખાનગી માહિતી ક્યારેય મોકલશો નહીં. બેન્કના જ વોટ્સએપ નંબર પર પણ નહીં.

ફોન ખોવાઈ જાય તો શું કરવું?

આ સ્થિતિનો સામનો કરવા માટે, સૌથી પહેલાં તો ફોનને હંમેશા લોક્ડ રાખો. તેને પિન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ લોકથી સિક્યોર રાખો.

વોટ્સએપ એકાઉન્ટમાં પણ હવે યુપીઆઇ પેમેન્ટ પદ્ધતિ સામેલ હોવાથી, તેને અલગથી ફિંગરપ્રિન્ટ લોક કરી શકાય છે.

એ માટે વોટ્સએપના સેટિંગ્સમાં, પ્રાઇવસીમાં છેક નીચે ફિંગરપ્રિન્ટ લોક ઇનેબલ કરવાનો ઓપ્શન મળશે.

આ બંને લોક હોય પછી આપણો ફોન કોઈ અજાણી વ્યક્તિના હાથમાં જાય તો પણ ખાસ ચિંતા જેવું રહેતું નથી.

ઉપરાંત, વોટ્સએપની બેન્કિંગ સર્વિસમાં મુખ્યત્વે બેન્ક ખાતાની માહિતી અને રૂપિયા સિવાયનાં એક્શન્સ લેવાતાં હોવાથી એ પદ્ધતિ સલામત છે.

ફોન ખોવાય તેવા સંજોગમાં વધુ સલામતી માટે, તમે support@whatsapp.com ઉપર સબ્જેક્ટમાં Lost/stolen: Please deactivate my account એવો ઇ-મેઇલ મોકલી, તમારું વોટ્સએપ એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી શકો છો (નંબર ઇન્ટરનેશનલ ફોર્મેટમાં લખવાનો રહેશે એટલે કે નંબર પહેલાં +91).

સામાન્ય તકેદારી તરીકે…

આપણો ઓટીપી પૂછતા કોઈ વોટ્સએપ મેસેજનો ક્યારેય જવાબ આપશો નહીં.

વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ આપણને મેસેજ મોકલી શકે છે. અજાણી વ્યક્તિ કે નંબર પરથી આવેલી ફાઇલ ડાઉનલોડ કરશો નહીં.

જૂનો સ્માર્ટફોન વેચતાં પહેલાં હંમેશાં વોટ્સએપ એપ અને અન્ય ડેટા ડિલીટ કરી, ફોન ફેક્ટરી રીસેટ કરીને જ ફોન કોઈને આપશો. એ જ રીતે,  વોટ્સએપમાં મીડિયા ઓટોમેટિક ડાઉનલોડ થાય તેને બદલે તમે ઇચ્છો તે જ બાબત ડાઉનલોડ કરવાનું સેટિંગ રાખી શકાય.

ઓપન/પબ્લિક વાઇ-ફાઇ નેટવર્ક પર વોટ્સએપનો ઉપયોગ કરશો નહીં.

વોટ્સએપ પર ચેટબોક્સનો ઉપયોગ વિસ્તરતો જાય છે તેમ તેમ આપણને વધુ ને વધુ અલગ પ્રકારની સગવડ વોટ્સએપ પર મળે છે.

અગાઉ આપણે ‘સાયબરસફર’માં વાત કરી ગયા છીએ તેમ કોરોના વેક્સિનેશનના સર્ટિફિકેટ વોટ્સએપ પર મેળવી શકાય છે, ડિજિ લોકરમાંના ડોક્યુમેન્ટ્સ પણ હવે વોટ્સએપ પર મેળવી શકાય છે.

વિવિધ બેંક વોટ્સએપ પર એક્ટિવ થવા લાગી છે તેમ વોટ્સએપના ચેટબોટ્સ ભારતીય રેલવેના પ્રવાસીઓની સેવામાં પણ લાગી ગયા છે. તમે રેલવે ટિકિટ બુક કરાવી કે પછી તેનું પીએનઆર સ્ટેટસ વોટ્સએપ પર જાણી શકો છો તથા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો ત્યારે લાઇવ ટ્રેન સ્ટેટસ અગાઉના અને આવી રહેલા સ્ટેશન્સની વિગત પણ વોટ્સએપ પર મેળવી શકો છો.

એ માટે આપણે રેલવેના વોટ્સએપ ચેટબોટ નંબર +91-9881193322 ને આપણા ફોનમાં સેવ કરવો પડશે. એ પછી અન્ય ચેટબોટની જેમ આ નંબર પર પોતાનો પીએનઆર નંબર મોકલવાથી ચેટબોટ મહત્ત્વના તમામ એલર્ટ્સ અને ટ્રેન વિશેના રિઅલ ટાઇમ અપડેટ્સ મોકલવાનું શરૂ કરશે.

આ ઉપરાંત +91 7042062070 નંબર સેવ કરીને તેના ચેટબોટની મદદથી રેલવે મુસાફરી દરમિયાન ફૂડ પણ ઓર્ડર કરી શકાય છે.  ઝૂપ નામની એક ફૂડ ડિલિવરી સર્વિસની મદદથી આ સગવડ મળે છે.

આ માટે પણ આપણે આ કંપનીના વોટ્સએપ ચેટબોટને આપણી ટિકિટનો પીએનઆર નંબર મોકલવાનો રહે છે.


અન્ય લેખો વાંચવા માટે લોગ-ઇન કરો

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.