આવું કોઈની પણ સાથે થઈ શકે છે – આપણે પોતાના ફોનમાંની યુપીઆઇ એપમાંથી કોઈને રકમ ટ્રાન્સફર કરીએ અને એ રકમ સામેની પાર્ટી સુધી પહોંચે નહીં!
યુપીઆઇ એપમાં આપણને ટ્રાન્ઝેકશન નિષ્ફળ ગયાનો મેસેજ પણ મળે. બીજી તરફ આપણા બેંકના ખાતામાંથી એ રકમ ડેબિટ થઈ જાય.
આનો અર્થ એ થયો કે રકમ આપણા ખાતામાંથી ઉપડી ગઈ, પરંતુ જેને પહોંચવી જોઇએ તેના ખાતામાં પહોંચી નહીં.
આવું આપણી સાથે થાય ત્યારે શું કરવું?
અત્યાર સુધી આવી સ્થિતિમાં દેખીતી રીતે આપણો શ્વાસ અધ્ધર થઈ જાય, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી.
સામાન્ય સંજોગમાં, ફરી વાંચો, સામાન્ય સંજોગમાં સાત-આઠ દિવસ સુધીમાં કે એ પહેલાં, એ રકમ આપણા ખાતામાં ફરી જમા થઈ જવી જોઇએ. એ માટે આપણે કોઈ પગલાં લેવાની જરૂર હોતી નથી. યુપીઆઇ વ્યવસ્થા એ રીતે ગોઠવાયેલી છે કે રકમ એક ખાતામાંથી ડેબિટ થાય પરંતુ સામેના ખાતામાં ક્રેડિટ ન થાય તો એ રકમ ફરી મૂળ ખાતામાં ક્રેડિટ થાય છે.
હવે માની લો કે બે-ત્રણ દિવસ રાહ જોયા પછી પણ રકમ આપણા ખાતામાં જમા ન થાય તો?
તો વાત સામાન્ય સંજોગની રહેતી નથી.
આવી સ્થિતિમાં આપણે પોતાની બેંકનો સંપર્ક કરવાનો રહે કેમ કે રકમ ત્યાંથી ગઈ છે.
જો આપણી પાસે ટ્રાન્ઝેકશન ફેલ થયું હોવાનો મેસેજ આવ્યો હોય તો તેનો સ્ક્રીનશોટ અચૂકપણે લઈ લેવો જોઇએ. એ જ રીતે સામેની પાર્ટીને જેને રકમ મળવી જોઇતી હતી તે પાર્ટી તરફથી પણ આપણે લેખિતમાં લેવું જોઇએ કે આપણે જે તારીખે ટ્રાન્ઝેકશન કર્યું હતું તે તારીખે આપણા તરફથી તેના ખાતામાં કોઈ રકમ જમા થઈ નથી.
આમ આપણી પાસે બે પુરાવા ઊભા થાય છે.
- યુપીઆઇ એપ તરફથી રકમ ટ્રાન્ઝેકશન નિષ્ફળ ગયું હોવાના મેસેજનો સ્ક્રીનશોટ
- સામેની પાર્ટીને રકમ ન પહોંચી હોવાનો લેખિત પુરાવો.
આ પછી આપણે પોતાની બેંકને બંને પુરાવાની નકલ સાથે લેખિતમાં ફરિયાદ સાથે, આપણે ગુમાવેલી રકમ પરત જમા કરવા જણાવી શકીએ છીએ. આ પછી બેંકે અચૂકપણે પગલાં લેવાં પડે. જો તે ન લે તો આપણે બેંકના લોકપાલ સુધી આપણી ફરિયાદ પહોંચાડીને ગુમાવેલી રકમ પરત મેળવી શકીએ.
(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)