તમે માનશો, અત્યારે દર અઠવાડિયે દુનિયાના ૨૩ કરોડ જેટલા લોકો પોતાને માથું કે પેટ દુઃખે તો સલાહ માટે ચેટજીપીટી તરફ વળે છે (બીજી એઆઇ સર્વિસમાં પણ આવા પ્રશ્નોનો મારો થાય છે). હજી હમણાં સુધી લોકો આવી ‘સલાહ’ માટે ગૂગલનું શરણું લેતા, હવે એઆઇ તેમનો નવો આધાર બની છે. કદાચ તમે પણ એવું કરતા હશો.
એટલે જ, દેખીતી રીતે સ્વાસ્થ્ય જેવી ગંભીર બાબત એઆઇને સોંપવામાં ભલીવાર છે કે નહીં તે તપાસવાના અભ્યાસો પણ શરૂ થઈ રહ્યા છે. એક પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘નેચર મેડિસિન’માં ચેટજીપીટી હેલ્થનો સ્વતંત્ર રીતે અભ્યાસ હાથ ધરીને તેનું મૂલ્યાંકન પ્રકાશિત કરવામાં આવ્યું. અભ્યાસ કેવી રીતે થયો એ જાણવું પણ રસપ્રદ છે, આખરે વાત આપણા આરોગ્ય માટે એઆઇ પર વિશ્વાસ મૂકવાની છે!
આ અભ્યાસના મુખ્ય લેખક એક ભારતીય મૂળની વ્યક્તિ છે. તેમણે કહ્યું કે ‘‘અમે એક બિલકુલ પાયાના સવાલનો જવાબ મેળવવા ઇચ્છતા હતા – જો કોઈ વ્યક્તિને ખરેખર મેડિકલ ઇમર્જન્સી ઊભી થઈ હોય અને તે ચેટજીપીટી હેલ્થને પૂછે કે હવે શું કરું? તો એઆઇ સર્વિસ તેને સાચી રીતે, કોઈ પણ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં પહોંચી જવાની સલાહ આપે છે કે નહીં?’’

આ અભ્યાસ માટે નિષ્ણાતોએ વિવિધ મેડિકલ સ્થિતિ ધરાવતા લોકોની વાસ્તવિક સ્થિતિને આધારે કેસની વિગતો તૈયાર કરી. બધા કેસમાં સામાન્ય માંદગીથી લઇને તાત્કાલિક ડોકટરની મદદ લેવી પડે તેવી સ્થિતિઓ સામેલ હતી. આ દરેક કેસને સ્વતંત્ર ડોકટર્સની ટીમે રીવ્યૂ કર્યો અને અત્યાર સુધીના તબીબી ઇતિહાસ મુજબ જે તે કેસમાં કેવી તબીબી સંભાળની જરૂર હોઈ શકે તેનાં લેવલ પહેલેથી નક્કી કર્યાં.
આમ એક તરફ જીવતાજાગતા લોકોની મેડિકલ સ્થિતિ માટે કેવી તબીબી સંભાળ જરૂરી છે તે જીવતાજાગતા ડોક્ટર્સે નક્કી કર્યું. એક રીતે જુઓ તો આપણે અત્યારે કોઈ પણ બિમારીમાં વાસ્તવિક ડોકટરનું સલાહ સૂચન મેળવીએ એના જેવી જ આ વાત થઈ.
બીજી તરફ ડોકટર્સની આ ટીમે દરેક કેસની, પોતે દર્દી હોય એ રીતે ચેટજીપીટી હેલ્થ સાથે ચર્ચા કરી. તેમનાં લક્ષણો જણાવ્યાં. વાતચીત વખતે તેમના વિવિધ મેડિકલ ટેસ્ટના રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યા.
એ પછી દરેક કેસ માટે ચેટજીપીટી હેલ્થે જે સલાહસૂચન કર્યાં, તેને દરેક કેસ માટે અસલી ડોકટરોએ પહેલેથી કરેલા નિદાન કે સલાહસૂચન સાથે સરખાવવામાં આવ્યાં.
જે પરિણામો આવ્યાં તે ખરેખર ચોંકાવનારાં હતાં. એક તરફ સ્ટ્રોક કે કોઈ તીવ્ર એલર્જીની સ્થિતિમાં ચેટજીપીટીએ લગભગ ડોકટર જેવી સલાહ આપી પરંતુ અમુક કિસ્સાઓમાં, જ્યાં અસલી ડોકટરની સલાહ તાકિદે તબીબી મદદ મેળવવાની હતી, ત્યાં ચેટજીપીટીએ કહ્યું કે સ્થિતિ બહુ ગંભીર નથી, તાકિદે હોસ્પિટલે દોડવાની જરૂર નથી!
આ પરિણામો ચોંકાવનારાં એટલા માટે હતા કે અસલી ડોકટર્સ અને ચેટજીપીટીની સલાહમાં અડધોઅડધ કેસોમાં બહુ મોટા તફાવત હતા. મતલબ કે અડધાથી વધુ કેસમાં અસલી ડોકટરના મતે તાબડતોબ હોસ્પિટલે જવું જરૂરી હતું, ત્યાં ચેટજીપીટી હેલ્થે કહ્યું કે તમે ઘરે જ રહો, રૂટિન મેડિકલ એપોઇન્ટમેન્ટ બુક કરીને એપોઇન્ટમેન્ટ મળે ત્યારે મળવા જશો તો ચાલશે!
આને ભરોસે કેમ રહેવાય?
