અજાણી ભાષામાં બોલતાં શીખવશે ગૂગલ ટ્રાન્સલેટ એપ

By Himanshu Kikani

3

આ એપ વિવિધ રીતે અનુવાદ કરવામાં આપણી ઘણી મદદ કરે છે, હવે તેનો સ્કોપ હજી વિસ્તરી રહ્યો છે.

આપણે માટે સાવ અજાણી ભાષામાં લખાયેલું કે કહેવાયેલું કોઈ પણ કન્ટેન્ટ પોતાની ભાષામાં સમજવું હોય તો એ માટે હવે ઇન્ટરનેટ પર અનેક રિસોર્સ ઉપલબ્ધ છે. તેમાં સૌથી આગળ પડતું નામ છે ગૂગલ ટ્રાન્સલેટ સર્વિસ.

આ સર્વિસમાં આપણે કોઈ પણ ટેકસ્ટ કોપી-પેસ્ટ કરીને તેનો  બીજી ભાષામાં અનુવાદ મેળવી શકીએ છીએ. ગૂગલ ટ્રાન્સલેટમાં અત્યારે વિશ્વની ૨૪૩ જેટલી ભાષા સપોર્ટ કરવામાં આવે છે.

આ પ્લેટફોર્મ પર આપણે કોઈ પણ ઇમેજ અપલોડ કરીને તેનો એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ મેળવી શકીએ છીએ. આ સર્વિસની એપ રિઅલ-ટાઇમ, લાઇવ ટ્રાન્સલેશન માટે પણ જાણીતી છે. આથી આપણે પેરિસની ટૂર પર ગયા હોઇએ અને ત્યાંના કોઈ રેસ્ટોરાંમાં પહોંચ્યા પછી ફ્રેન્ચ ભાષામાં ડિઝાઇન થયેલું  મેનૂ ગૂંચવતું હોય તો આપણે ગૂગલ ટ્રાન્સલેટ એપની મદદ લઇ શકીએ. બસ, એપ ઓપન કરવાની લાઇવ મોડમાં જવાનું, ફોનનો કેમેરા મેનૂ પર પોઈન્ટ કરવાનો. ફોનના સ્ક્રીન પર ફ્રેન્ચ ભાષામાં લખાયેલું મેનૂ દેખાય પરંતુ તરત ને તરત આપણે પસંદ કરેલી ભાષામાં દરેક આઇટેમનો અનુવાદ જોવા મળે – એ પણ મેનૂની ડિઝાઇન યથાવત રાખીને!

આ રીતે યુરોપનાં કે દક્ષિણ ભારતનાં વિવિધ શહેરો કે રેલવે સ્ટેશન પરના સાઇનબોર્ડ આપણને ગૂંચવે ત્યારે ગૂગલ ટ્રાન્સલેટ એપનું રિઅલ-ટાઇમ, લાઇવ ટ્રાન્સલેશન આપણી મદદ કરે. બોર્ડ પરના એરો યથાવત જાળવીને તેની બાજુમાં બીજી લેંગ્વેજમાં લખાયેલી ટેકસ્ટ આપણે ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતીમાં પણ વાંચી શકીએ!

ગૂગલ ટ્રાન્સલેટને આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ કે વેબસાઇટનું યુઆરએલ આપીને તેનો પણ એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરી શકીએ.

હવે શું બદલાઈ રહ્યું છે?

અત્યાર સુધી ગૂગલ ટ્રાન્સલેટની આ બધી ખૂબીઓ એકતરફી હતી એટલે કે આપણને જે ન સમજાય તે આ સર્વિસને પૂછીએ અને તે આપણને સમજાય તેવી ભાષામાં અનુવાદ કરી આપે. પરંતુ જુદી જુદી ભાષામાં બોલવાની વાત હોય તો આ એપ બહુ મદદ ન કરે.

ગૂગલ ટ્રાન્સલેટ અનુવાદ તો કરી આપે કે સિસ્ટમ જનરેટેડ વોઇસમાં તે બોલી પણ આપે, પરંતુ બીજી ભાષામાં શબ્દો આપણે પોતે બોલવા હોય ત્યારે બધી જવાબદારી આપણી માથે.

અજાણી ભાષામાં કોઈ પણ બોલતી વખતી આપણે ઉચ્ચારોમાં ગોટાળા કરી શકીએ.

ગૂગલ ટ્રાન્સલેટ એપ જુદી જુદી ભાષા બોલવાની પ્રેક્ટિસ કરવામાં પણ આપણી મદદ કરશે.

હવે ગૂગલ ટ્રાન્સલેટમાં આનો પણ ઉપાય આવી રહ્યો છે. તેમાં એઆઇ પાવર્ડ પ્રેક્ટિસ મોડ ઉમેરાઈ રહ્યો છે. પરિણામે આ એપમાં ‘લેંગ્વેજ પ્રેક્ટિસ’નું એક નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે. તેની મદદથી આપણે વિવિધ ભાષી લોકો પોતાની ભાષામાં કેવા ઉચ્ચારો કરે છે તેના નમૂના જાણી શકીએ છીએ. તેના આધારે આપણે એ જ શબ્દનો પોતાની રીતે સાચો ઉચ્ચાર કરવાની કોશિશ કરવાની. આપણે કેટલા સફળ રહ્યા તેનો ફીડબેક પણ જાણવા મળે.

આપણે ઇચ્છીએ તો અજાણી ભાષામાં બોલવાની પ્રેક્ટિસ કરવા માટે આપણને પોતાને અનુકૂળ આવે તેવા સિનારિયો પણ જનરેટ કરી શકીએ છીએ.

હાલમાં આ ફીચરના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે પણ એવું લાગે છે કે થોડા સમયમાં આપણે પોતાને માટે અજાણી ભાષામાં લખાયેલી કે કહેવાયેલી વાતો ફક્ત સમજવાથી આગળ વધીને એ ભાષામાં, બોલતાં પણ શીખવું હોય તો એ માટે પણ ગૂગલ ટ્રાન્સલેટ એપ મદદ કરશે.

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop