આપણી ઓનલાઇન સિસ્ટમ્સમાં ગમે ત્યારે હેકર્સ ઘૂસી શકે છે અને બચાવનું કોઈ સાધન અત્યારે આપણા હાથમાં નથી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) એ આખા જગતમાં મોટી ચર્ચા, જિજ્ઞાસા ને ગભરાટ એક સાથે ફેલાવ્યાં છે. આ બધું મોટા ભાગે, આપણા સૌની જોબ સિક્યોરિટી સાથે સંકળાયેલ છે. પરંતુ હમણાં આવેલા એક નવા એઆઇ મોડેલે સમગ્ર વિશ્વસમાં ફફડાટ ફેલાવ્યો છે.
અમેરિકાની એન્થ્રોપિક એઆઇ કંપનીએ વિક્સાવેલા ‘માયથોસ-ક્લાસ’ નામના આ એઆઇ મોડેલથી ફક્ત લોકોની નોકરી જવાનો ડર નથી. આ મોડેલનો દુરુપયોગ થાય તો આખા જગતમા અંધાધૂંધી ફેલાવાનો ડર છે!
એટલે જ અમેરિકાને ‘રાષ્ટ્રની સલામતી સામે ખતરો’ ગણાવીને મૂળભૂત અમેરિકાની નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ માટે આ મોડેલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે!
એન્થ્રોપિક કંપનીએ વિવિધ સોફ્ટવેરમાં વર્ષોથી ધરબાયેલી ખામી ફટાફટ શોધી શકતું એઆઇ મોડેલ વિક્સાવ્યું છે. જો હેકર્સના હાથમાં આ ટેક્નોલોજી પહોંચી જાય તો તેઓ અજાણી ખામીનો ગમે ત્યારે ગેરલાભ લઈ શકે છે. વિવિધ દેશોની સરકારો આ ખતરાને બહુ ગંભીરતાથી લઈ રહી છે – ભારત માટે આ વાત જુદી રીતે જોખમ ઊભું કરી રહી છે.
જોખમ આખી દુનિયા સામે છે, પણ ફક્ત ભારતની વાત કરીએ તો આ નવા એઆઇ મોડેલને કારણે એવી સ્થિતિ આવી પહોંચી છે કે આપણે અત્યાર સુધી જે બધી મોબાઇલ કંપની, બેન્ક્સ, યુપીઆઇ એપ્સ, સ્ટોક-માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ, ઓનલાઇન શોપિંગ સ્ટોર્સ વગેરે બધા પ્રકારની ઓનલાઇન સિસ્ટમ્સ સલામત હોવાનું માનતા હતા, એ બધી અચાનક, ગમે ત્યારે હેકર્સના નિશાન પર આવી જાય એવી શક્યતા ઊભી થઈ છે! ફાઇનાન્સ ઉપરાંત, ઇન્ટરનેટ પર આધારિત તમામ સિસ્ટમ્સ જોખમમાં છે.
એવું કેમ થયું? કારણ સમજવા જેવું છે.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ સાંકળ તેની સૌથી નબળી કડી જેટલી જ મજબૂત હોય છે. સાંકળ મજબૂત રાખવાની જેની જવાબદારી છે એ લોકોએ સૌથી નબળી કડી સતત શોધવા રહેવું પડે. સામે પક્ષે, સાંકળ તોડવા મથતા લોકો પણ એ જ નબળી કડી શોધતા હોય.
જે પહેલાં શોધી શકે તે જીતે! માયથોસ એઆઇ કોઈ પણ ઓનલાઇન સિસ્ટમ કે સોફ્ટવેરમાંની નબળી કડી ગજબની તેજ ગતિએ શોધી શકે છે. ભારતના સંદર્ભમાં તકલીફ એ છે કે એ નબળી કડી શોધવા માટે, જાદુઈ છડી જેવા માયથોસ મોડેલની એક્સેસ, અમેરિકાના પ્રતિબંધને કારણે ભારતીય કંપનીઓને મળી શકે તેમ નથી. જો હેકર્સ તેના સુધી પહોંચી જાય તો પરિણામ? અફરાતફરી!
બધી ઓનલાઇન સિસ્ટમને સલામત રાખવી હવે મુશ્કેલ બની જશે
(1) ‘સલામત’ લાગતી બધી વેબ સિસ્ટમમાં કંઈક ખામી હોઈ શકે

નીચેના મુદ્દાઓ શાંતિથી વાંચો અને તેના પર એથી પણ વધુ શાંતિથી વિચાર કરો.
- આપણે પોતાના સ્માર્ટફોનમાં જુદી જુદી યુપીઆઇ એપ્સ કે બેન્ક એપનો ઉપયોગ કરીએ છીએ.
- આ બધી એપમાં આપણે માટે બહુ મહત્ત્વની માહિતી સમાયેલી હોય છે. તેમાં આપણા એકાઉન્ટની વિગતો તથા તેને માટે આપણે નક્કી કરેલા યૂઝરનેમ, પિન, પાસવર્ડ વગેરે પણ હોઈ શકે છે.
- સામાન્ય રીતે આ બધી સંવેદનશીલ માહિતી જે તે એપ, વેબસાઇટ કે નેટવર્ક પર યોગ્ય અને સલામત રીતે સચવાયેલી રહે છે.
- પરંતુ આ સલામતી કાયમી હોતી નથી. જેવું ફાઇનાન્સ એપ્સનું, એવું જ અન્ય તમામ વેબ સિસ્ટમ્સનું – ડીફેન્સ, એરલાઇન્સ, સ્ટોક માર્કેટ, પાવર ગ્રિડ્સ, ગેસ પાઇપ લાઇન્સ… વગેરે બધું ઓનલાઇન સિસ્ટમ્સ આધારિત છે.
- આખરે તો બધી જ એપ, વેબસર્વિસ વગેરે કોઈને કોઈ સોફ્ટવેર પર ચાલે છે. આથી તેમાં કંઈ ને કંઈ ખામી હોઈ શકે છે.
- આવી ખામી નવી ઊભી થઈ શકે અથવા એવી ખામી પણ હોઈ શકે જે સિસ્ટમમાં વર્ષોથી હોય પરંતુ હજી સુધી કોઈના ધ્યાનમાં આવી ન હોય!
- આ જ કારણે ઇન્ટરનેટ પર સતત ચોર-પોલીસની રમત ચાલતી રહે છે. હેકર્સ જુદી જુદી સિસ્ટમ કે સોફ્ટવેરમાં રહેલી ખામી શોધીને, તેમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. તેની સામે સિસ્ટમના રક્ષકો સિસ્ટમમાં રહેલી ખામી શોધીને તેને સુધારી લેવાનો પ્રયાસ કરતા રહે છે.
- જો હેકર્સ પહેલાં ખામી શોધી લે તો એ ફાવી જાય અને આપણી સંવેદનશીલ માહિતી કે સીધેસીધા રૂપિયા સેરવી જવામાં સફળ થાય અથવા દેશ માટે ચાવીરૂપ સિસ્ટમ્સ સાવ ખોરવી શકે.
- સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધવાનું કામ અત્યાર સુધી બહુ મુશ્કેલ રહ્યું છે. એ માટે ખાસ પ્રકારની હ્યુમન એક્સપર્ટાઇઝ જોઇએ. હેકર્સ અને સિસ્ટમના રક્ષકો બંને મહિનાઓ સુધી મથે તો પણ ભાગ્યે જ તેમને ખામી શોધવામાં સફળતા મળે છે.
- આ જ કારણે આપણી સંવેદનશીલ માહિતી ધરાવતી સિસ્ટમ ‘સલામત’ હોવાનું આપણે ભલે માનીએ, પરંતુ એ આપણો ભ્રમ છે.
- આ બધું ત્યાં સુધી જ સલામત છે, જ્યાં સુધી, તેમાં વર્ષોથી ધરબાયેલી રહેલી ખામીઓ હેકર્સના ધ્યાનમાં આવી જતી નથી!
(2) આવી ખામી શોધવાનું કામ હવે ગજબનું સહેલું બની રહ્યું છે

હવે આખી વાત સાવ બદલાઈ રહી છે. શું થઈ રહ્યું છે એ તપાસીએ.
- અમેરિકાની એન્થ્રોપિક નામની કંપનીએ ‘ક્લોડ-માયથોસ’ નામે એક નવું એઆઇ મોડેલ વિકસાવ્યું છે.
- આ એઆઇ મોડેલ સોફ્ટવેરના કોડ વાંચી શકે છે, તેમાં રહેલી ખામીઓ શોધી શકે છે અને તેને કેવી રીતે એક્સપ્લોઇટ કરી શકાય એટલે કે તેનો કેવી રીતે ગેરલાભ ઉઠાવી શકાય તેના રસ્તા જાણી શકે છે.
- આ એઆઇ મોડેલ સાયબર સેફ્ટી પર જ ફોકસ્ડ છે.
- આ એઆઇ મોડેલ એટલું પાવરફુલ છે કે તે એક સાથે હજારો પ્રોગ્રામ તપાસી શકે છે અને અત્યંત ઝડપથી, અત્યંત સચોટ રીતે તેમાં રહેલી વિવિધ ખામીઓ શોધી શકે છે.
- આ મોડેલ આખરે તો એઆઇ મોડેલ છે એટલે તે પોતાનું કામ કરવામાં ક્યારેય કંટાળતું નથી. એથી વધુ ગંભીર વાત એ છે કે આ એઆઇ મોડેલ પોતાની રીતે પોતાનું કામ વધુ ને વધુ સારી રીતે સમજી શકે છે અને નવી વાતો શીખતું રહે છે. તેને વર્ષો સુધી સિક્યોરિટી સંબધિત ટ્રેનિંગ આપવાની પણ જરૂર નથી.
- એમ કહી શકાય કે જે કોઈ વ્યક્તિ કે સંસ્થાને માયથોસની એક્સેસ મળી જાય એટલે કે તેનો ઉપયોગ કરી શકે તેને એક સાથે એકદમ કાબેલ હેકર્સની બહુ મોટી ટીમ હાથ લાગી ગઈ એમ કહી શકાય.
- એ પછી ગણતરીની ક્લિકમાં ક્લોડ માયથોસને કામે લગાડીને જે તે સિસ્ટમમાં રહેલી ખામી શોધી શકાય છે.
ખુદ એન્થ્રોપિક કંપનીના બ્લોગમાં ક્લોડ માયથોસ કેટલું પાવરફુલ છે તેનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે.
જેમ કે…
(૧) ‘FreeBSD’ નામની એક સિસ્ટમમાં રહેલી ૧૭ વર્ષ જૂની ખામી ક્લોડ માયથોસે ગણતરીના સમયમાં શોધી કાઢી. તેને કારણે ફક્ત એક સાદો પ્રોમ્પ્ટ આપીને ઇન્ટરનેટ પર ગમે ત્યાંથી કોઈ સર્વરનો પૂરેપૂરો કંટ્રોલ મેળવી શકાય.
(૨) ‘OpenBSD’ નામની એક ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલી ૨૭ વર્ષ જૂની ખામી પણ ક્લોડ માયથોસે શોધી કાઢી. સિક્યોરિટી એક્સપર્ટ્સ માને છે કે આ ખામી એટલી અટપટી હતી કે તેને શોધવી માનવ માટે લગભગ અશક્ય કામ હતું.
(૩) ‘FFmpeg’ નામનું એક સોફ્ટવેર દુનિયાભરનાં અબજો ડિવાઇસ પર વીડિયો પ્લેબેક હેન્ડલ કરે છે. તેમાં રહેલી ૧૬ વર્ષ જૂની ખામી ક્લોડ માયથોસે શોધી કાઢી!
આનો અર્થ એ થયો કે આ બધા સોફ્ટવેર કે સિસ્ટમમાં ૧૬, ૧૭ કે ૨૭ વર્ષથી ખામી તો હતી પરંતુ તે બહાર આવી નહોતી. આથી કોઈ તેનો ગેરલાભ લઈ શકતું નહોતું. હવે ક્લોડ માયથોસે તે શોધી કાઢી. જો આ ખામી ખોટા હાથોમાં આવી હોત તો તેનો મોટા પાયે ગેરલાભ લેવામાં આવ્યો હોત! અમેરિકાએ એટલે જ આ એઆઇ મોડેલનો ઉપયોગ અત્યંત મર્યાદિત કરી દીધો છે.
(3) સિસ્ટમના રક્ષકો પહેલાં હેકર્સ એ ખામી શોધી ન લે એ માટે…

આ વાત કેટલી જોખમી છે એ એન્થ્રોપિક કંપની પોતે અને અન્ય દેશોની સરકારો બરાબર સમજી ચૂકી છે, એટલે જ સૌ કોઈ હાંફળાફાંફળા થયા છે.
સાયબર સિસ્ટમમ્સમાં રહેલી ખામીઓ શોધવાની ક્લોડ માયથોસની આવી અપાર અને ઘણે અંશે જોખમી કહી શકાય તેવી ક્ષમતા ધ્યાનમાં રાખીને કંપનીએ અને હવે અમેરિકન સરકારે તે ખોટા હાથોમાં ન જાય તે માટે તેનો ઉપયોગ અત્યંત મર્યાદિત કરી દીધો છે.
કંપનીએ આ એઆઇ મોડેલ પબ્લિકમાં પૂરેપૂરું રીલિઝ કરવાને બદલે તેના માટે ‘ક્લોડ માયથોસ પ્રીવ્યૂ’ લોન્ચ કરેલ છે. ખાસ કરીને અમેરિકાની, કેટલીક બહુ મોટી ટેક કંપનીઓને જ તેની એક્સેસ આપવામાં આવી છે. આ કંપનીઓમાં એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એનવીડિયા, એમેઝોન વેબસર્વિસિસ, સિસ્કો, જેપી મોર્ગન ચેઝ જેવી ગણીગાંઠી કંપનીઓનો સમાવેશ થાય છે.
તમારું કદાચ ધ્યાન ગયું હશે આ બધી કંપનીઓમાં ભારતની કોઈ કંપનીનો સમાવેશ થતો નથી. આગળ જતાં ભારતની ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી કંપનીને તેની એક્સેસ મળી, પરંતુ અમેરિકન સરકારના પ્રતિબંધને કારણે તે ગણતરીના દિવસોમાં પાછી ખેંચાઈ ગઈ.
ભારતમાં આપણે જે કોઈ વેબ સર્વિસિસનો ઉપયોગ કરીએ છીએ તે આખરે તો કોઈને કોઈ વિદેશી કંપનીઓએ ડેવલપ કરેલી સિસ્ટમ્સ પર કામ કરે છે. સાવ સાદી રીતે જોઇએ તો આપણા હાથમાં રહેલા સ્માર્ટફોન અને તેમાંનાં સિમ કાર્ડ તથા તેમાંની જુદી જુદી સર્વિસ આપણા કોલ રેકોર્ડ્સ, લોકેશન ડેટા અને જુદી જુદી પેમેન્ટ સર્વિસિસનો પાર વગરનો ડેટા ધરાવે છે. આ બધું વિદેશી કંપનીઓએ બનાવેલા સોફ્ટવેર પર આધારિત છે.
આપણા દેશની ઘણી ખરી ઓનલાઇન સર્વિસિસ આખરે વિદેશી સોફ્ટવેર આધારિત છે.
આ સોફ્ટવેરમાં કોઈ ખામી જણાય તો તેને આપણી કંપનીઓ પોતે કોઈ રીતે સુધારી શકતી નથી. ખરેખર જુઓ તો આપણી કંપની જેના પર આધારિત છે તે કંપનીઓ પોતે પણ આ ખામી તાત્કાલિક સુધારી શકતી નથી!
હવે એ વિચાર કરો કે આપણી બધી જ બેન્ક, સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ વગેરે ફાઇનાન્શિયલ સર્વિસ તથા અન્ય લગભગ તમામ પ્રકારની સર્વિસિસ વગેરે જે વિવિધ ઓનલાઇન સોફ્ટવેરના આધારે ચાલે છે, તે બધું તેમના પોતાના પૂરા કંટ્રોલમાં નથી. એવું પણ બને કે આપણી કંપનીઓને તેની સિસ્ટમ્સમાં કોઈ ખામી છે એવી ખબર પડે એ પહેલાં જ તેનો દુરુપયોગ થઈ ચૂક્યો હોય!
જો આવી કંપનીઓની સિસ્ટમમાં કોઈ પણ ખામીઓ ધ્યાનમાં આવે તો પણ હવે તેને ગણતરીના અઠવાડિયાઓમાં નહીં પણ ગણતરીના કલાકોમાં સુધારવી અત્યંત જરૂરી બની છે કેમ કે જો ક્લોડ માયથોસની મદદથી કોઈ હેકર નેટવર્ક આ ખામીઓ શોધી કાઢે તો તે આપણી કંપની તેને સુધારી શકે તે પહેલાં ઘણી બધી રીતે તેનો ગેરલાભ લઈ શકે છે.
અમેરિકાથી ભારત સુધી, બધે જ ફફડાટ ફેલાયો છે
એન્થ્રોપિક કંપનીએ એપ્રિલ ૭, ૨૦૨૬ના દિવસે ‘ક્લોડ માયથોસ પ્રીવ્યૂ’ લોન્ચ કર્યો. આ પબ્લિક લોન્ચ નહોતો, માત્ર બહુ મર્યાદિત પ્રમાણમાં તેને લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના એક જ અઠવાડિયામાં અમેરિકન વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓએ એન્થ્રોપિક કંપનીના સીઇઓ સાથે એક મીટિંગ કરી. જેમાં બંને પક્ષોએ ‘એકબીજા સાથે મળીને કેવી રીતે કામ કરવું અને આ ટેકનોલોજીને વ્યાપક રીતે વિસ્તારવામાં રહેલા પડકારો કેવી રીતે હેન્ડલ કરવા’ તે વિશે ચર્ચા કરી.

તેના એકાદ અઠવાડિયા પછી ભારતમાં પણ આ જ મુદ્દે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ. ફેર એટલો હતો કે એ મીટિંગમાં એન્થ્રોપિક કંપની તરફથી કોઈ હાજર નહોતું. ભારત માટે ખરેખર આ જ ચિંતાનો વિષય છે – એન્થ્રોપિક કંપની સાથે સરકારનો કે ભારતીય એજન્સીઝ કે સિસ્ટમનો કોઈ સીધો સંપર્ક નથી.
એ બેઠકમાં ભારતનાં નાણા મંત્રી નિર્મલા સિતારામન તથા આઇટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. મીટિંગમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, યુપીઆઇનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઇટી મિનિસ્ટ્રી, વિવિધ ફાયનાન્સિયલ સર્વિસિસ તથા ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા.
ભારતનાં નાણામંત્રીએ ભારત માટે ક્લોડ માયથોસનો પડકાર અભૂતપૂર્વ ગણાવ્યો છે.
નિર્મલા સિતારામને ભારત માટે ક્લોડ માયથોસનો પડકાર અભૂતપૂર્વ ગણાવ્યો.
આ બેઠકના અંતે ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશનને તાબડતોબ એક કોઓર્ડિનેટેડ સાયબર રિસ્પોન્સ મિકેનિઝમ ઊભું કરવા જણાવવામાં આવ્યું. હવે પછી બેન્ક્સને તેમની સિસ્ટમ્સમાં કંઈ પણ ગરબડ કે શંકાસ્પદ જણાય તો તરત જ, ભારતમાં સાયબર જોખમો સામે કામ કરતી ઇન્ડિયન કમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન)ને જાણ કરવા કહેવામાં આવ્યું. એ સાથે નેશનલ ક્રિટિકલ ઇન્ફર્મેશન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોટેકશન સેન્ટરને દેશની પાવર ગ્રિડ્સ, ટેલિકોમ નેટવર્ક્સ તથા બેન્કિંગ સિસ્ટમની સલામતી વ્યવસ્થા વધુ મજબૂત કરવા કહેવામાં આવ્યું. બીજી તરફ આરબીઆઇ દ્વારા યુએસ અને યુકેનો સંપર્ક કરીને આ પડકાર વિશે તેમનું માર્ગદર્શન લેવામાં આવ્યું
આ બધું બતાવે છે કે ભારત સરકાર ક્લોડ માયથોસના પડકારને કેટલો ગંભીરતાથી લઈ રહી છે. અત્યારે ભારત માટે વધુ મુશ્કેલી એ વાતે છે કે એન્થ્રોપિક કંપનીએ ક્લોડ માયથોસ પ્રીવ્યૂ પ્રોગ્રામમાં બહુ મર્યાદિત કંપનીઓને સામેલ કરી છે. ભારતની કંપનીઓ તેમાં સામેલ થઈ શકી, પરંતુ પછી અમેરિક સરકારના પ્રતિબંધને કારણે એ એક્સેસ પરત ખેંચાઈ. એવી એક્સેસ મળે તો પણ, ભારતના નિયમો અનુસાર પેમેન્ટ સિસ્ટમ તથા અન્ય સંવેદનશીલ સિસ્ટમ્સના યૂઝર્સનો બધો ડેટા ભારતના સર્વર્સમાં જ સ્ટોર કરવો અનિવાર્ય છે. જ્યારે માયથોસનો બધો ડેટા બહુ કડક રીતે અંકુશ ધરાવતા યુએસના સર્વર્સમાં સ્ટોર થયેલો છે. કોઈ વાતે તાલમેલ બેસે તેમ નથી.
હેકિંગ માટે કુખ્યાત ચીન માયથોસ લેવલનું તેનું પોતાનું મોડેલ વિક્સાવવાની તૈયારીમાં છે.
અત્યારે એવી સ્થિતિ છે કે આ મડાગાંઠનો ઉકેલ નહીં આવે અને ક્લોડ માયથોસ જો ખોટા હાથમાં પહોંચે તો ભારત સહિત અનેક દેશોની અનેક પ્રકારની ઓનલાઇન સિસ્ટમ્સમાંની ખામીઓનો લાભ લઈને હેકર્સ તેમાં ગમે ત્યારે ઘૂસી શકશે અને બધું ખેદાનમેદાન કરી શકે છે. બે વર્ષ પહેલાં માઇક્રોસોફ્ટનાં કમ્પ્યૂટર્સમાં ખામી સર્જાતાં સમગ્ર વિશ્વની એરલાઇન ઇન્ડસ્ટ્રી, હોસ્પિટલ્સ, બેન્ક્સ, પેમેન્ટ સિસ્ટમ્સ તથા અન્ય ઇમર્જન્સી સર્વિસિસ બહુ મોટા પાયે ખોરવાઈ ગઈ હતી, એ યાદ છે? એ ફક્ત ટ્રેલર હતું!
આખી ફિલ્મ હવે આવી શકે છે. અને હા, આ વર્ષના અંત સુધીમાં ચીન તેનું પોતાનું ‘માયથોસ’ લેવલનું મોડેલ વિક્સાવી લે તેવી શક્યતા છે!
એન્થ્રોપિકનો આખેઆખો કોડ લીક થયો હતોઆખી દુનિયાને ચિંતા એક જ વાતની છે – એન્થ્રોપિક કંપની તેના એઆઇ મોડેલને લીક થતાં અટકાવી શકશે ખરી? ચિંતાનું એક મજબૂત કારણ છે – હજી થોડા મહિના પહેલાં જ એન્થ્રોપિકનો આખેઆખો સોર્સ કોડ લીક થઈ ગયો હતો – કંપનીની પોતાની ભૂલથી! માર્ચ મહિનાના છેલ્લા દિવસે, કંપનીએ તેના ‘ક્લોડ કોડ’નું એક નવું વર્ઝન, તેના કાયમી પ્લેટફોર્મ પર અપલોડ કરવાની કોશિશ કરી. સામાન્ય રીતે, આવા પેકેજમાં, કોડમાં જે ફેરફારો થયા હોય એટલો જ ભાગ સામેલ હોય, પણ કંઈક ભૂલ થઈ અને તેમાં સોફ્ટવેરનો આખેઆખો કોડ સામેલ થઈ ગયો.
આ વાત ક્લોડનો અપેડટ તપાસતા એક ડેવલપરના ધ્યાનમાં આવી. તેણે પાંચેક લાખ લાઇનનો આખો કોડ ડાઉનલોડ કર્યો અને તેની લિંક એક્સ પ્લેટફોર્મ પર શેર કરી દીધી! ગણતરીની મિનિટોમાં આ કોડ હજારો વાર ડાઉનલોડ થયો. લોકો તેના પરથી નવાં વર્ઝન બનાવવા લાગ્યા. એક કોરિયન ડેવલપરે પણ કોડ કોપી કર્યો, તેને લાગ્યું કે તેના સર્વર કે કમ્પ્યૂટરમાં ક્લોડનો ઓફિશયલ કોડ દેખાશે તો લીગલ મુશ્કેલી થશે એટલે તેણે ફક્ત આઠ કલાકની મહેનત પછી, આખેઆખો કોડ નવી બે લેંગ્વેજમાં લખી નાખ્યો! આખો કોડ ઇન્ટરનેટ પર ફરતો થઈ ગયો – કંપનીના કોઈ કંટ્રોલ વિના. કંપનીએ તેનું કોમ્પ્રોમાઇઝ્ડ પેકેજ તો ડિલીટ કર્યું અને લગભગ ૮૦૦૦ જગ્યાએથી તેની કોપી દૂર કરવાની રીક્વેસ્ટ મોકલી, પણ ઇન્ટરનેટ પરથી કોઈ પણ બાબત પૂરેપૂરી ભૂંસી શકાતી નથી! આવું જ કંઈક ક્લોડ માયથોસ સાથે પણ થઈ શકે છે! |

