ટેક્નોલોજીને લગતું મેગેઝિન, એ પણ ગુજરાતી ભાષામાં! એવું મેગેઝિન પાછું ૧૫૦ અંક પૂરા કરે! પૂરી નિખાલસતાથી કહું તો આ સફર આ સીમાચિહ્ને પહોંચશે એવી, એના પ્રારંભે કલ્પના પણ કરી નહોતી.
પણ એ શક્ય બન્યું, તમારા પ્રેમ અને પ્રોત્સાહનથી. અને શક્ય બન્યું આ વિષયની સતત વધતી જરુરિયાતથી.
વર્ષ ૨૦૦૮ના જાન્યુઆરી મહિનામાં ગુજરાતી અખબારની પૂર્તિમાં, એક ખૂણામાં સાવ નાનકડી કોલમ તરીકે ‘સાયબરસફર’ની શરૂઆત થઈ. પર્સનલ ટેક્નોલોજીની દૃષ્ટિએ એ સમય કેવો હતો એની અત્યારે કલ્પના ન થાય, પણ એક નાની સરખામણી જાણી લો – ‘સાયબરસફર’ની શરૂઆત થઈ ત્યારે પહેલો આઇફોન લોન્ચ થયાને હજી માંડ છ મહિના થયા હતા અને એન્ડ્રોઇડ ફોન લોન્ચ થવાને હજી છ મહિનાની વાર હતી!
આજે સ્માર્ટફોન જેટલા પ્રચલિત છે, એટલા તો એ સમયે સાદા મોબાઇલ ફોન પણ નહોતા! પણ ત્યારે ઇન્ટરનેટનો વ્યાપ અને ઉપયોગ સતત વિસ્તરી રહ્યાં હતાં.
‘સાયબરસફર’ની શરૂઆત વખતે ફક્ત એટલું વિચાર્યું હતું કે ઇન્ટનેટ એ કંઈક ગજબની શક્તિશાળી બાબત છે, એનો ફક્ત માહિતી કે મનોરંજન ઉપયોગ કરીએ એ તો વહેતી ગંગાને કાંઠે બેસીને ટબુકડીથી માથું ભીંજવવા જેવી વાત કહેવાય.
ઇન્ટરનેટ એવો દરિયો છે, જેમાં પૂરેપૂરી ડૂબકી જ લગાવવાની હોય.
એટલે જ છેક શરૂઆતથી ‘સાયબરસફર’નું ફોકસ ઇન્ટરનેટની ઉજળી બાજુનો ઉપયોગ કરીને આપણા અભ્યાસ, ઓફિસના કામકાજ અને દૈનિક પ્રવૃત્તિઓમાં સ્માર્ટનેસ ઉમેરવાનું રહ્યું છે.
સમય સાથે સાયબર ફ્રોડનું પ્રમાણ વધતાં તે તરફ ધ્યાન આપવું પડ્યું, પરંતુ મુખ્ય આશય સૌની ક્યુરિયોસિટી, ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી વધારવાનો રહ્યો છે.
જો તમે ‘સાયબરસફર’માં લાંબા સમયથી જોડાયેલા હશો તો તમે જોયું હશે કે અહીં સવાલોના જવાબ આપી દેવાને બદલે નવા નવા સવાલો ઊભા કરવાનો જ પ્રયાસ છે. આપણા મનમાં કંઈક નવો સવાલ જાગે તો હવે એનો જવાબ તો બે-ત્રણ ક્લિકમાં મળી શકે છે. મહત્ત્વ એ જ વાતનું છે કે મનમાં નવા નવા સવાલો જાગે.
આ વાત, ‘સાયબરસફર’ ૧૫૦ અંકના સીમાચિહ્ને પહોંચી છે ત્યારે વધુ સ્પષ્ટ થઈ છે. આજના એઆઇ ચેટિંગના સમયમાં આપણે જે પૂછીએ તેનો તત્ક્ષણ જવાબ મળી શકે છે, પરંતુ શું પૂછવું છે એ આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ (એક આડ વાત, ‘સાયબરસફર’માં છેક ૨૦૧૬માં આપણે વાત કરી હતી કે એઆઇનો નવો યુગ આવી રહ્યો છે).
નવા સમયમાં ‘વધુ જાણનારી’ નહીં, વધુ ‘સમજનારી’ વ્યક્તિ જ અન્યથી આગળ રહી શકશે. ‘સાયબરસફર’નું ધ્યેય પહેલેથી, ઇન્ટરનેટ અને ટેક્નોલોજીને સ્પર્શતા વિવિધ મુદ્દાની જાણકારી આપવાનું નહીં, પણ વિસ્તૃત સમજ કેળવવાનું રહ્યું છે.
સફરમાં અત્યાર સુધી તમે જે સાથ આપ્યો છે, એ બદલ દિલથી આભાર!