આ લેખ મર્યાદિત સમય માટે લોગ-ઇન વિના વાંચી શકાશે.

આજકાલ સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા હોય એવું તમને લાગે છે? તદ્દન બનાવટી કૉલ્સ, મેઇલ્સ, મેસેજિસ વગેરેનો આપણા પર થતો મારો હવે વધી ગયો હોય એવું તમને લાગે છે?
એ સાથે તમે કદાચ એ પણ નોંધ્યું હશે કે આપણને ફસાવવાના આવા પ્રયાસોમાં, હેકર્સ પાસે આપણી વધુ ને વધુ ચોક્સાઇભરી માહિતી હોય છે.
આવું કેમ બની રહ્યું છે?
કેમ કે હેકર્સને આપણી વધુ ને વધુ માહિતી મળી રહી છે! આપણે પોતાની માહિતીની પ્રાઇવસી અને સિક્યોરિટી બંને માટે સજાગ હોતા નથી. જે કંપનીઓને આપણે પોતાનો ડેટા આપ્યો હોય, ત્યાંથી પણ એ ચોરાય છે.
આ ડેટા ‘ડાર્ક વેબ’ સુધી પહોંચે છે અને ત્યાંથી તે હેકર્સ પાસે પહોંચે છે.
આ લેખમાં, આપણો કયો ડેટા ડાર્ક વેબમાં છે તે કેમ જાણવું અને જાણ્યા પછી શું કરવું તેની વિગતવાર વાત કરી છે. ધ્યાનથી વાંચજો!
‘ડાર્ક વેબ’ ઇન્ટરનેટનો એક એવો ભાગ છે જેનો લોકો પોતાની ઓળખ અને લોકેશન બંને ખાનગી રાખીને ઉપયોગ કરી શકે છે. અહીંના કન્ટેન્ટ સુધી ચોક્કસ પ્રકારના સોફ્ટવેરથી જ પહોંચી શકાય છે. દેખીતું છે કે આ કારણે ડાર્ક વેબ પર થતી પ્રવૃત્તિઓ પર પોલીસ જેવી તપાસ સંસ્થાઓની નજર તો રહે છે પરંતુ એ પ્રવૃત્તિઓ કરનારા લોકો પકડમાં આવતા નથી.
ડાર્ક વેબમાં બધું જ ગેરકાયદે છે એવું નથી, પરંતુ એ પણ નક્કી કે ગુનાખોરો માટે ડાર્કવેબ સ્વર્ગ સમાન છે.
આ ડાર્ક વેબમાં, આપણા ચોરાયેલા ડેટાની લે-વેચ થાય છે. આપણો ચોરાયેલો ડેટા ખરીદનારા લોકો આપણા જ ડેટાનો આપણી વિરુદ્ધ ઉપયોગ કરે છે.
સદનસીબે, આપણી કેટલી માહિતી લીક થઈને હેકર્સ પાસે પહોંચી છે એ હવે વધુ સહેલાઈથી જાણી શકાય છે. ગૂગલ અને તેના જેવી બીજી ઘણી કંપની, ડાર્ક વેબમાં પડેલા મારા-તમારા જેવા સામાન્ય યૂઝર્સના ડેટા સુધી પહોંચીને, આપણને તેની જાણ કરી શકે છે. આવી કંપનીઓ આ ડેટા સુધી પહોંચી શકે છે, પરંતુ ત્યાંથી તેને ડિલીટ કરી શકતી નથી.
ગૂગલ આપણી કઈ રીતે મદદ કરે છે?
ઇન્ટરનેટ પર વિવિધ કંપનીઓ આપણો કોઈ પણ પ્રકારનો ડેટા ડાર્ક વેબમાં પહોંચ્યો છે કે નહીં એ તપાસવાની સગવડ આપે છે. મોટા ભાગની વેબ સર્વિસની જેમ આ સર્વિસ પણ ફ્રી અને પેઇડ પ્રીમિયમ એમ બે પ્રકારે હોય છે. ગૂગલ પણ આવી સર્વિસ આપતી એક કંપની છે.
ગૂગલ અને તેના જેવી અન્ય કંપનીઓ પોતાની રીતે ડાર્ક વેબ પરના ડેટાનું સતત મોનિટરિંગ કરી શકે છે અને તેને આધારે તેમાં આપણો ડેટા છે કે નહીં તે કહી શકે છે.
હજી હમણાં સુધી ગૂગલ પર આ સર્વિસ પેઇડ સર્વિસ હતી. હવે તેમાં ફેરફાર થયો છે. જો આપણે ગૂગલનું પર્સનલ ફ્રી એકાઉન્ટ ધરાવતા હોઇએ, એટલે કે આપણું જીમેઇલ એકાઉન્ટ yourname@gmail.com પ્રકારનું હોય તો આપણને કુલ ૧૫ જીબીની સ્ટોરેજ સ્પેસ મળે છે. એથી વધુ સ્ટોરેજ જોઈએ તો ગૂગલની ‘ગૂગલ વન’ નામની પેઇડ સર્વિસનો ઉપયોગ કરવો પડે. અત્યાર સુધી આવો, ગૂગલનો પેઇડ પ્લાન ખરીદનારા લોકોને પોતાનો ડેટા ડાર્ક વેબમાં છે કે નહીં તે તપાસવા માટે ડાર્ક વેબ સ્કેન કરવાની સર્વિસ મળતી હતી.
ગૂગલે હવે આ સર્વિસ પર્સનલ ગૂગલ એકાઉન્ટ ધરાવતા તમામ લોકો માટે મફતમાં ઉપલબ્ધ કરી છે.
બસ, આ રીતે ડાર્ક વેબમાં તમારો ડેટા પહોંચ્યો છે કે નહીં તે તપાસો અને એ પછી જરૂરી પગલાં લો!
અન્ય લેખો વાંચવા માટે લોગ-ઇન થાઓ.