કોઈએ લખ્યું છે કે આપણું જીવન કુદરતે લખેલા પુસ્તક સમાન છે. એમાં પહેલું અને છેલ્લું પ્રકરણ પહેલેથી લખાઈ ચૂક્યું છે, વચ્ચેની બધી બાબતો ઇશ્વરે આપણા પર છોડી છે. પહેલું અને છેલ્લું પ્રકરણ એટલે જન્મ અને મૃત્યુ. આરંભ અને અંત.
પરંતુ વર્ષ બદલાય ત્યારે આપણને અંત પહેલાં દેખાય છે અને આરંભ પછી! વાસ્તવમાં, વર્ષ ૨૦૨૪નો આરંભ થયો એ સાથે આપણે તેના અંત તરફ આગળ વધવા લાગ્યા છીએ.
વાત વોટ્સએપની ફિલસૂફીવાળી થઈ ગઈ, પણ એટલું તો સ્પષ્ટ છે – આપણા હાથમાં ફક્ત અબઘડી, અત્યારનો સમય છે અને એ પણ સતત સરકી રહ્યો છે.
આ સમયનો કેવો, કેટલો, કેવી રીતે ઉપયોગ કરવો એ આપણે નક્કી કરવાનું.
આપણે જીવનના કોઈ પણ પડાવ પર હોઈએ ને કોઈ પણ વર્ગની વ્યક્તિ હોઈએ – આપણી પારિવારિક શાંતિ, શારીરિક સ્વાસ્થ્ય અને કામકાજમાં સફળતાનો બધો આધાર આપણે પોતાને મળેલા સમયનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર છે.
આ સંદર્ભ સાથે આ અંકની કવર-સ્ટોરી અને છેલ્લું પાનું વાંચવાની ભલામણ. છેલ્લા પાનામાં એક ડેવલપરે બે ઘડી ગમ્મત તરીકે ડેવલપ કરેલા એક અનોખા કેલ્ક્યુલેટરની વાત છે. એ વેબપેજ પર જઈને આપણે પોતાની પાસે જે સમય છે તે કઈ કઈ બાબતોમાં ખર્ચાઈ રહ્યો છે અને હવે આપણી પાસે કેટલો સમય બચ્યો છે તેનો અંદાજ મેળવી શકીએ છીએ. ડેવલપર પોતે લખે છે કે તેમણે ખાસ કોઈ કારણ વિના આ ટૂલ બનાવ્યું છે, પણ એ આપણને પોતાના સમયને નવી રીતે જોવાની તક ચોક્કસ આપે છે.
એ ટૂલ પર હાથ અજમાવ્યા પછી, કવર-સ્ટોરીમાં ઝંપલાવજો. તેમાં, આપણાં રોજબરોજનાં ટાસ્ક્સને યોગ્ય રીતે મેનેજ કરવા માટે ઉપયોગી ‘આઇઝનહોવર મેટ્રિક્સ’ની જે વાત કરી છે, તેની અજમાયશ તમે ધારો તો ફક્ત કાગળ-પેનથી પણ કરી શકો છો. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે, નીતનવાં સાધનો આપણને ખરા અર્થમાં હાથવગાં છે ત્યારે, આ જ મેટ્રિક્સનો એક ટુ-લિસ્ટ એપમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એની પણ વાત કરી છે.
તમે કાગળ-પેન વાપરો કે એપ, મૂળ મુદ્દો આપણાં ટાસ્ક્સમાંથી કયાં અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ છે અને કયાં કામ એ બંને કેટેગરીમાં આવતાં નથી, છતાં આપણો સમય ખાય છે તે સમજવાનો છે. આટલી સ્પષ્ટતા આવી જાય, નિયમિત રીતે આવી ‘નવી’ નજરે આપણાં ટાસ્ક્સને તપાસવાની આદત કેળવાઈ જાય તો એ પછી તમને એપની તો શું, કાગળ-પેનની પણ જરૂર રહેશે નહીં!
આવી સ્પષ્ટતા કેળવવાનું કારણ? કારણ એટલું જ કે આપણા ટુ-ડુ લિસ્ટનો સીધો સંબંધ સ્ટ્રેસ સાથે છે અને સ્ટ્રેસનો સીધો સંંબંધ સ્વાસ્થ્ય સાથે છે. એકને જાળવી શકીશું, તો બીજું આપોઆપ જળવાશે.
વર્ષ ૨૦૨૪માં તમે સ્ટ્રેસ અને ટાસ્ક્સ બંને સરસ રીતે મેનેજ કરી શકો એવી શુભેચ્છા – બાકીનું બધું આપોઆપ મળશે!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)