‘સાયબરસફર’ના ઘણા અંકોના સ્વાગત લેખમાં, અંક વાંચવાની શરૂઆત છેક છેલ્લા પેજથી કરવાની ભલામણ કરી છે. આજે ફરી એવી જ ભલામણ!
પહેલાં છેલ્લું પેજ વાંચો અને પછી એ સંદર્ભ સાથે, આ અંકની કવરસ્ટોરી વાંચજો. આપણે આખા અંકમાં ઇન્ટરનેટની અવનવી વાતો કર્યા પછી, છેલ્લા પેજ પરના ટેક-IT-ઇઝી સેક્શનમાં હળવા હૈયે વાત કરીએ છીએ! અલબત્ત, એમાં માત્ર હળવાશ હોતી નથી, વાતો તો મોટા ભાગે જીવનને ગંભીર રીતે અસર કરે એવી હોય છે, પણ પહેલી નજરે મુદ્દો હળવાશભર્યો લાગે એવો હોય છે.
જેમ કે આ વખતે વાત છે ઇલોન મસ્કના અજબગજબ ટ્વીટિંગની. એક તરફ ટેકજગતના મહારથીઓ પોતાનાં સંતાનોના સ્ક્રીનટાઇમને લિમિટ કરવા મથે છે ત્યારે મસ્ક મહાશયને પોતાને અડધી રાત્રે પણ – ઘણી વાર વગર વિચાર્યે – ટ્વીટિંગ કરવાની આદત છે. એટલે તો એમની ટ્વીટ્સ અવારનવાર વિવાદ સર્જે છે.
જો આપણું નામ દુનિયાના ટોચના બે-ચાર ધનિકોની યાદીમાં હોય તો આવી આદત આપણને પોસાય, પણ આપણે હજી તો કોલેજ પૂરી કરવામાં હોઈએ, લાંબી અને આજના સમયમાં ઘણી અનિશ્ચિત કારકિર્દીના હજી તો પહેલા પગથિયે હોઈએ ત્યારે આવું કોઈ પ્રકારનું વ્યસન આપણને પોસાય નહીં.
‘સાયબરસફર’માં અવારનવાર વાત કરી છે કે આપણાં બાળકો જેમ મોટાં થતાં જાય તેમ તેમનો સ્માર્ટફોનનો ઉપયોગ બદલાવો જોઈએ – આપમેળે, આપણા કોઈ દબાણ વિના. ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની તમારાં બાળકોની પેટર્ન સમય સાથે બદલાતી જાય, ને એમાં તમારી ખાસ કોઈ ભૂમિકા ન હોય, તો સમજો તમે સૌથી નસીબદાર.
બાળકો નાનાં હોય, જમવામાં કજિયા કરતાં હોય ત્યારે એમનું ધ્યાન બીજે ખેંચવા આપણે એમના હાથમાં મોબાઇલ પકડાવી દઇએ છીએ. એ સાથે આપણે પોતે એમનામાં આખી જિંદગીનું વ્યસન રોપી દઇએ છીએ. નાના બાળકના હાથમાં આપણે સિગરેટ પકડાવતા નથી, પણ મોબાઇલ પકડાવીએ છીએ. જો મોબાઇલનો યોગ્ય ઉપયોગ ન થાય તો એ સિગરેટથી કમ નથી.
બાળક મોટું થાય તેમ જિંગલ્સમાંથી કાર્ટૂન તરફ ને પછી વીડિયો ગેમ્સ વગેરે તરફ અને જો બેરોકટોક ઉપયોગ હોય તો બીજું ઘણું જોવા તરફ વળે ને એમાં જ ખૂંપેલું રહે. પણ, જો તમે નસીબદાર હો તો બાળક ઉંમર બદલાય તેમ ઇન્ટરનેટ-સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ તરફ વળે.
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપની ગપસપથી આગળ વધીને એ લિંક્ડઇન જેવા, પ્રોફેશનલ્સ માટેના નેટવર્ક તરફ વળે. અહીં એ આખી જિંદગી કામ લાગે તેવા નેટવર્કિંગના પાઠ શીખી શકે છે – જો એ તેનો યોગ્ય ઉપયોગ કરે તો. કવરસ્ટોરીમાં એ યોગ્ય ઉપયોગની જ વાત છે.
વ્યસન અને યોગ્ય ઉપયોગ – બંને બરાબર સમજાઈ જાય તો ભયો ભયો!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)