મિત્રો સાથે ગ્રૂપમાં ફરવા ગયા હોઈએ ત્યારે ખર્ચનો સહેલો હિસાબ રાખવા માટે…

By Nisarg Dholakia

3

અરે!  મારે તને પાંચસો રૂપિયા આપવાના છે ને?”  “અરે, ના! મારે પેલા બસો બાકી છેને, પીઝાના!” “હા, પણ તેં પાછા નાસ્તાના સો રૂપિયા આપ્યા હતાને?”  આવી ગૂંચવણ તમારે પણ મિત્રો સાથે થતી હશે.

આપણે મિત્રો સાથે ફરવા જઈએ ત્યારે બધા પોતાની રીતે રૂપિયા આપતા હોય. ખાસ મિત્રોમાં બહુ હિસાબની ટેવ ન હોય છતાં છેલ્લે હિસાબ કરીએ જેથી કોઈ એક-બે મિત્રોના માથે વધુ ભાર ન આવે. ઘણી વાર એવું બને કે જેટલું યાદ આવ્યું એટલાનો હિસાબ થયો, કારણ કે આનંદ કરવાના પ્લાનમાં ખર્ચની નોંધ લેતાં રહેવાનું કોને ગમે?

પણ તમે મજા કરો અને ખર્ચની નોંધ લેવાની કડાકૂટ કોઈ સારી એપને સોંપી દે એવું પણ થઈ શકે. આવી એક એપ છે સ્પ્લિટવાઇઝ (https://www.splitwise.com/) આ એપ્લિકેશનમાં તમે વોટ્સએપ ગ્રૂપની જેમ એક સિમ્પલ ગ્રૂપ બનાવી શકો અને પછી એમાં સરળતાથી બધા હિસાબ રાખી શકો છો.

ધારો કે તમે ચાર મિત્રો ઉદયપુર ફરવા ગયા, તમે “Udaipur Trip” નામથી સ્પ્લિટવાઇઝમાં એક ગ્રૂપ બનાવી દો. દરેક મિત્રે આ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. તમારા મિત્રોને એમાં એડ કરો અને બસ, જે મિત્ર જ્યારે પણ કોઈ ખર્ચ કરે તે સ્પ્લિટવાઇઝમાં સહેલાઈથી એન્ટ્રી કરી દે.

મજાની વાત એ  છે કે તમે ખર્ચ નોંધતી વખતે બધા વતી કર્યો છે કે તમારો અંગત ખર્ચ છે  કે પછી ચારમાંથી માત્ર બે મિત્ર વચ્ચે વહેંચવાનો ખર્ચ છે એ પણ  નક્કી કરી શકો છો.  જ્યારે પણ કોઈ ખર્ચ લખે ત્યારે એનું નોટિફિકેશન બધાને આવે અને બધાને બધા ખર્ચ દેખાય.આ બધું કર્યા પછી છેલ્લે કોણે કોને કેટલા પૈસા આપવાના એનો હિસાબ પણ તમારે નહીં કરવાનો. સ્પ્લિટવાઇઝ જાતે જ ફાઈનલ હિસાબ કરી દે કે કોણે કોને કેટલા પૈસા આપવાના થાય છે. ફોરેન ટુર પર ગયા હો તો અલગ અલગ કરન્સીમાં પણ ખર્ચ લખી છેલ્લે કોઈ એક કરન્સીમાં ફાઇનલ હિસાબ કરી શકો છો. સ્પ્લિટવાઇઝ જાતે જ કરી કરન્સી કન્વર્ટ કરી આપશે.

આ જ  રીતે તમે જો પોતાનો ઘરખર્ચ લખવા માગતા હશો તો એ પણ સરળતાથી કરી શકશો. નવું ગ્રૂપ બનાવતી વખતે “Trip”ના બદલે “House” કે “Apartment” સિલેક્ટ કરીને તેમાં ઘરખર્ચ લખી શકો છો. આ સિવાય તમે ખર્ચ લખો ત્યારે નોટ્સ તરીકે વધારે વિગતો ઉમેરી શકો છો અથવા કોઈ ફોટો પણ અટેચ કરી શકો છો. હિસાબ થઈ ગયો હોય તો એ પછી ડિલીટ કરી નાખેલા ગ્રૂપ કે બિલને રિસ્ટોર પણ કરી શકાય છે.

ચાહો તો તમે બિલકુલ ખોટાં નામથી પણ આ એપનો ઉપયોગ કરી શકો છો, એટલા તમારી નાણાકીય વિગતો એપને મળવાની કોઈ શક્યતા ન રહે. આ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ એમ બધાં પ્લેટફોર્મને સપોર્ટ કરે છે, ૭ ભાષામાં ઉપલબ્ધ છે અને ૧૦૦થી વધુ કરન્સીનો હિસાબ રાખી શકે છે. સ્પ્લિટવાઇઝની જેમ Tricount, Tribeez  જેવી બીજી પણ ઘણી એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

મેનેજમેન્ટમાં કહેવત છે, “What gets measured, gets managed.” એટલે કે જે તે માહિતીને નિયમિત રીતે નોંધતા રહીએ, તેનાં પરિણામો પર ધ્યાન દઈએ તો સહેલાઈથી આગળ શું કરવું જોઈએ તે નિર્ણયો પણ લઈ શકાય અને તેને સારી રીતે મેનેજ કરી શકાય. આમ તમે પોતાના મહિનાના ખર્ચને લખીને તેમાં કયા જરૂરી છે અને કયા નકામા ખર્ચ થાય છે તે જાણી શકો છો અને તેની જરૂરી વ્યવસ્થા કરી શકો છો.

ટૂંકમાં, હોટેલનું બિલ સાથે મળીને ચૂકવવાનું હોય કે પછી પેઇંગ ગેસ્ટ તરીકે કે રૂમમેટ્સ તરીકે સાથે રહેતા મિત્રો સાથે ઘરના ભાડા કે અન્ય ખર્ચની વહેંચણી કરવાની હોય, ગ્રુપમાં ફરવા ગયા હોઈએ, લગ્ન કે પાર્ટીના ખર્ચનો હિસાબ કરવા માટે, મિત્રો કે કલીગ્સ સાથે લંચ કે ડિનર પ્લાન કર્યું હોય કે ગૃહિણીઓએ મહિનાના ઘરખર્ચનો હિસાબ રાખવાનો હોય, પૈસાની લેવડદેવડમાં સંબંધોની મીઠાશ જાળવી રાખવી હોય અને સ્ટ્રેસ ન લેવું હોય તો હિસાબકિતાબનું કામ સ્પ્લિટવાઇઝ એપને સોંપી દેવામાં ડહાપણ છે એમ કહી શકાય.

પહેલાંના જમાનામાં આપણા વડીલો હિસાબની ચોપડી રાખતા, પણ આપણા માટે આવી એપ જેવી સગવડ આંગળીને ટેરવે છે. આવાં હાથવગાં અને વપરાશમાં સહેલાં સાધનોનો ઉપયોગ કરી ખર્ચની વ્યવસ્થિત જાણકારી મેળવીએ તો કદાચ થોડા પૈસા બચાવી શકીએ અને બચેલા પૈસાનું રોકાણ કરી શકાય અથવા તો એમાંથી કદાચ એકાદ વધુ પ્રવાસની મજા માણી શકાય!

આ એપનો ઉપયોગ કરવાનાં મુખ્ય સ્ટેપ્સઃ

(૧) મિત્રો સાથે ફરવા જાઓ ત્યારે દરેકના ફોનમાં આ એપ નાખી, એક કોમન ગ્રૂપ બનાવો.

(૨) દરેક મિત્ર જે ખર્ચ કરે તેની નોંધ પોતાની રીતે,પોતાની એપમાં કરતા રહે.

(૩) આ એપમાં કોણે કેટલો ખર્ચ ખર્ચ કર્યો, સૌની વચ્ચે ખર્ચ વહેંચતાં કોણે કોને કેટલા ચૂકવવાના છે તેનો હિસાબ આપશે.

(૪) હિસાબ મુજબ મિત્રો એકબીજાને ચૂકવવાની રકમ આપશે અને હિસાબ સરભર થશે!

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop