બ્લુ વ્હેલ ચેલેન્જ કે સારાહાહ જેવી એપ્સ તમને ચિંતા કરાવતી હોય તો આ અંકમાં તમારે માટે સાયબર સેફ્ટી વિષયના નિષ્ણાતનો લેખ છે એ વાંચવાની તો ભલામણ છે જ, પણ એ લેખથી ઘણો નાનો એવો “ગૂગલ પર દાંડીકૂચ’’નો લેખ પણ વાંચવાની ખાસ ભલામણ છે.
કેમ? કારણ કે એ લેખમાં તમારી બધી ચિંતાનો સચોટ જવાબ સમાયેલો છે. દરેક સજાગ માબાપને બાળકોના અભ્યાસમાં મદદરૂપ થવાની ઉત્સુકતા હોય છે અને સાથોસાથ ઇન્ટરનેટ પર એ ખરેખર જોવા જેવું જોતું થાય એવી પણ ઇચ્છા હોય છે.
આપણે ઘણી વાર જેની વાત કરી છે એ ગૂગલ અર્થના નવા સ્વરૂપમાં ઉમેરાયેલી વોયેજર સગવડનો પૂરો લાભ લેશો – તમારા બાળક કે તમારા વિદ્યાર્થીઓ સાથે – તો એમને રસપ્રદ રીતે આપણો કે વિશ્વનો ઇતિહાસ, ભૂગોળ વગેરે શીખવી શકશો અને બાળકને ઇન્ટરનેટની સારી બાજુનો સરસ રીતે પરિચય પણ થશે.
અન્ય લેખોમાં, આપણે ફેસબુકનો રોજિંદો ઉપયોગ કરતા હોવા છતાં ફેસબુકની ન્યૂઝ ફીડ ખાસ આપણા માટે કેવી રીતે તૈયાર થાય છે એ જાણવું તમને રસપ્રદ બનશે. એ રીતે, ગૂગલ પર હવે ગુજરાતીમાં બોલીને પણ ટાઇપ કરી શકાય એ સમાચાર તમને ખરેખર ઉપયોગી થશે!
આ બધી બાબતોનો તમે જાતઅનુભવ કરી લો એ પછીના તમારા અભિપ્રાયો જરૂર જણાવશો!
– હિમાંશુ