મેટા કંપનીએ સ્નેપચેટની સીધી હરીફાઇમાં નવી એપ લોન્ચ કરી છે, જે ઇન્સ્ટન્ટ પોપ્યુલર થાય તો નવાઈ નહીં.
મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામની સાથોસાથ એક ‘નવી, તદ્દન અલગ’ એપ લોન્ચ કરી છે, જે કામકાજમાં સ્નેપચેટ જેવી જ છે! તમે જાણતા જ હશો કે સ્નેપચેટમાં યૂઝર્સ મલ્ટિમીડિયા મેસેજિંગનો ઉપયોગ કરી શકે છે. ફોટોઝ કે વીડિયોઝ તરીકે શેર થતી આ પોસ્ટ ‘સ્નેપ’ તરીકે ઓળખાય છે.
ઇન્સ્ટાગ્રામની જેમ, સ્નેપચેટમાં આ કન્ટેન્ટ સ્ટોરીઝ તરીકે પોસ્ટ કરવામાં આવે તો તે ૨૪ કલાક પછી ગાયબ થાય છે. ઇન્સ્ટાગ્રામની સરખામણીમાં સ્નેપચેટ યુએસમાં બહુ પોપ્યુલર છે. ઉપરાંત ભારતમાં પણ જેન ઝીમાં તેનો ઉપયોગ હવે ઘણો વધી રહ્યો છે.
આ સ્નેપચેટની હરીફાઈમાં મેટા કંપનીએ જે નવી એપ લોન્ચ કરી છે તેને નામ આપવામાં આવ્યું છે ‘ઇન્સ્ટન્ટ્સ’ (પ્લે સ્ટોરમાં સર્ચ કરો Instants from Instagram).
આ એપમાં જે સુવિધા મળે છે તે અગાઉ ઇન્સ્ટાગ્રામ પર જ મેસેજિંસ સેકશનમાં ‘શોટ્સ’ તરીકે ઉપલબ્ધ હતી.
હવે તેને આખેઆખી અલગ એપ તરીકે લોન્ચ કરવામાં આવી છે.
ઇન્સ્ટાગ્રામમાં શેર થતું કન્ટેન્ટ ઘણાં ફિલ્ટર્સ અને અન્ય પ્રોસેસમાંથી પસાર થાય છે, જ્યારે ઇન્સ્ટન્ટ્સમાં બધું ખરેખર ઇન્સ્ટન્ટ છે – બધું જેવું હોય તેવું જ!
આપણે આ નવી ‘ઇન્સ્ટન્ટ્સ’ એપ ડાઉનલોડ કરી, તેમાં ઇન્સ્ટાગ્રામના યૂઝરનેમ-પાસવર્ડથી લોગ ઇન થઈ શકીએ છીએ.
એપ ઓપન થતાં એ સીધેસીધો ફોનનો કેમેરા ઓપન કરે છે. તમે, જે તે ક્ષણે, તમારી આસપાસ જે ચાલી રહ્યું હોય તે મોમેન્ટ્સ કેપ્ચર કરીને ‘ઇન્સ્ટન્ટ્સ’ પર તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકો. તમારી આ પોસ્ટ ૨૪ કલાક પછી ગાયબ થાય!
‘ઇન્સ્ટન્ટ્સ’ની મૂળ ખૂબી આ જ છે – એ રિઅલ લાઇફ, એકદમ ફટાફટ શેર કરવાની સગવડ આપે છે. ઇન્સ્ટાગ્રામમાં આપણે પોતાનું કન્ટેન્ટ ક્રિએટ કરીએ ત્યારે તે ઘણી પ્રોસેસમાંથી પસાર થાય – ક્રિએશન, એડિટિંગ, વિવિધ પ્રકારનાં ફિલ્ટર્સ… મતલબ કે ઇન્સ્ટાગ્રામ પર શેર થતું કન્ટેન્ટ ખરા અર્થમાં સ્પોન્ટેનિયસ કે રિઅલ હોતું નથી. જ્યારે ઇન્સ્ટન્ટ્સ એપમાં બધુ ફોકસ ‘રિઅલ લાઇફ, રિઅલ ક્વિક’ પર છે. તેમાં શેર થયેલું કન્ટેન્ટ ૨૪ કલાક પછી ગાયબ થાય છે અને એ પછી ક્યારેય જોઈ શકાતું નથી. તમે કદાચ જાણતા હશો કે ‘બીરિઅલ’ નામની એક એપમાં પણ આવાં જ ફીચર છે.
ધ્યાન આપવા જેવી વાત એ છે કે ‘ઇન્સ્ટન્ટ્સ’ એપ પર શેર થયેલું કન્ટેન્ટ ઇન્સ્ટાગ્રામની મેઇન એપમાં પણ જોઈ શકાય છે.
મેટા કંપનીએ અગાઉ લોન્ચ કરેલી ‘થ્રેડ્સ’ એપની જેમ ઇન્સ્ટન્ટ્સ એપને પણ ઇન્સ્ટાગ્રામના જોર પર પોપ્યુલર બનાવવાની કોશિશ દેખાઈ રહી છે!

(1) એપ ઓપન કરો, તરત કેમેરા ઓપન થશે, જે દેખાય તે કેપ્ચર કરીને તરત ફ્રેન્ડ્સ, ફોલોઅર્સ સાથે શેર કરો.

(2) તમારા ફેવરિટ લોકો સાથે જે કંઈ શેર કરશો તે ફક્ત એક વાર જોઈ શકાય અને ૨૪ કલાક પછી ગાયબ થશે.

(3) ઇચ્છો ત્યારે, આખા મહિના દરમિયાન તમે જે કંઈ શેર કર્યું હોય તે બધું એક સાથે, એક જગ્યાએ જોઈ શકો.

(4) શેર કરેલું કન્ટેન્ટ આ એપમાં અથવા ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકાય. વહેલા મોડું, લોકેશન મુજબ વ્યૂ પણ આવશે!
