ગૂગલમાં હવે 15 જીબી ફ્રી સ્ટોરેજ નહીં મળે, જોકે…

By Himanshu Kikani

3

ગૂગલ હવે નવા ફ્રી એકાઉન્ટ માટે ફક્ત 5 જીબી સ્ટોરેજ આપે તેવી શક્યતા છે, જોકે એક શરત પૂરી કરીને 15 જીબી મેળવી શકાશે.

હમણાં તમે પણ કદાચ મીડિયામાં જોયું-વાંચ્યું હશે કે ગૂગલ તેના ફ્રી એકાઉન્ટમાં ૧૫ જીબીની સ્ટોરેજ આપવાનું બંધ કરવાનું વિચારી રહી છે. તેના બદલે ફક્ત ૫ જીબી ફ્રી સ્ટોરેજ મળશે! આ નવા પ્લાનનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે. આપણે સૌ ગૂગલના આદતી બની ગયા હોવાથી, આ સમાચારમાં થોડા ઊંડા ઊતરીએ.

ગૂગલમાં અત્યારે શી સ્થિતિ છે?

વીસેક વર્ષ પહેલાં ૨૦૦૪માં ગૂગલે પહેલી એપ્રિલના દિવસે તેની જીમેઇલ સર્વિસ લોન્ચ કરી ત્યારે લોકોએ તેને એપ્રિલ ફૂલની મજાક ગણી લીધી હતી. કારણ દેખીતું હતું કે એ સમયની પોપ્યુલર અન્ય ઇમેઇલ સર્વિસમાં યૂઝર્સને માંડ ચાર એમબી સ્ટોરેજ સ્પેસ મળતી હતી ત્યારે ગૂગલે એક ધડાકે તેનાથી ૨૫૦ ગણી વધુ, સીધી ૧ જીબી સ્ટોરેજ ફ્રી આપવાની જાહેરાત કરી હતી.

શરૂઆતના દિવસોમાં તો જીમેઇલમાં કહેવામાં આવતું હતું કે તમારે કોઈ ઇમેઇલ ડિલીટ કરવાની જરૂર નથી કેમ કે જીમેઇલમાં મળતી ફ્રી સ્ટોરેજ સતત વધતી જશે!

૨૦ વર્ષ પછી આખી વાતે સાવ ઊંધી દિશા પકડી છે.

ગૂગલે આટલી બધી સ્ટોરેજ કેમ આપી?

એપલ અને માઇક્રોસોફ્ટ જેવા સૌથી નજીકના હરીફના ફ્રી એકાઉન્ટમાં, મેઇલ, ક્લાઉડ ડ્રાઇવ અને ફોટોઝ માટે મળતી પાંચ જીબી સ્ટોરેજની સરખામણીમાં ગૂગલના એકાઉન્ટમાં આપણને ત્રણ ગણી ફ્રી સ્ટોરેજ મળતી રહી છે.

આપણને સહેજે સવાલ થાય કે ગૂગલ કંપની આટલી ઉદાર કેમ બની? હકીકત એ છે કે મોટા ભાગની કંપની અત્યારે જે બિઝનેસ સ્ટ્રેટેજી કામે લગાડી રહી છે, તે ગૂગલે વીસ વર્ષ પહેલાં અપનાવી હતી – લોકોને કલ્પના ન હોય એટલું ફ્રી આપો, મોટો યૂઝરબેઝ ઊભો કરો, ટેવ પાડો અને પછી ધીમે ધીમે રૂપિયા માગવાનું શરૂ કરો!

ગૂગલનાં તો બીજાં કેટલાંય ગણિત પણ હતાં.

હવે વિવિધ રીતે કાપ મૂકાઈ રહ્યો છે

અગાઉ ગૂગલ ફોટોઝ સર્વિસમાં આપણને પોતાના તમામ ફોટોગ્રાફ, નજીવી બાંધછોડ સાથે, અનલિમિટેડ સંખ્યામાં અપલોડ કરવાની છૂટ મળતી  હતી. એ પછી પોતાના કમ્પ્યૂટર વિઝન મોડેલ્સને ટ્રેઇન કરવા માટે આપણા ફોટોગ્રાફની ગરજ પૂરી થઈ એટલે ગૂગલે ફોટોઝમાં મળતી અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ બંધ કરી અને તેને પણ કુલ ૧૫ જીબીની સ્ટોરેજમાં ગણતરીમાં લેવાનું શરૂ કર્યું.

આમ અત્યારની સ્થિતિ મુજબ ગૂગલના ફ્રી એકાઉન્ટમાં મુખ્યત્વે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાંનાં આપણા ડેટાને ગણતરીમાં લેવામાં આવે છે.

ગૂગલમાં પૂરી ૧૫ જીબી સ્પેસ જોઈતી હોય તો તેની સાથે મોબાઇલ નંબર કનેક્ટ કરવો પડશે – એ પણ નવો!

બીજી બાજુ હવેના સમયમાં જીમેઇલમાં એટેચમેન્ટ એકદમ હેવી થઈ ગયાં છે, ગૂગલ ડ્રાઇવમાં અપલોડ થતાં ડોક્યુમેન્ટ્સ હેવી હોઈ શકે છે (અગાઉ ગૂગલ ડોક, સ્પ્રેડશીટ કે સ્લાઇડ્સ માટેના મૂળ ગૂગલના ફોર્મેટના ડોક્યુમેન્ટ સ્ટોરેજમાં ગણતરીમાં લેવાતા નહોતા, હવે એ પણ ગણતરીમાં લેવાય છે) તથા ફોટોઝના ફોટો અને વીડિયોની સંખ્યા અને સાઇઝ ખૂબ વધ્યાં છે. આ બધાં તેથી ફ્રી એકાઉન્ટની ૧૫ જીબી સ્ટોરેજ હવે મોટા ભાગના લોકોને સાવ ઓછી પડે છે. તમને પણ સ્ટોરેજ ફુલ થઈ હોવાના મેસેજ સતાવતા હશે.

ગૂગલમાં હવે શું બદલાશે?

હવે વાત હજી  બદલાઈ રહી છે. હવે આપણે ગૂગલનું નવું ફ્રી એકાઉન્ટ ખોલાવીશું તો તેમાં ‘તમારા ગૂગલ એકાઉન્ટમાં કોઈ ચાર્જ વિના ૧૫ જીબી ક્લાઉડ સ્ટોરેજ મળશે’ એવા શબ્દો બદલીને સ્માર્ટ રીતે ‘૧૫ જીબી સુધીની સ્ટોરેજ’ મળશે એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધ્યાન આપજો ‘૧૫ જીબી સુધીની ફ્રી સ્ટોરેજ’!

આ કારણે આપણે નવું એકાઉન્ટ ખોલાવીશું ત્યારે શરૂઆતમાં ફક્ત પાંચ જીબી ફ્રી સ્પેસ મળશે. બાકીની ૧૦ જીબી સ્પેસ મેળવવા માટે આપણે મોબાઇલ નંબર આપીને તેને લિંક કરવો પડશે અને વેરિફાઇ કરવો પડશે.

આમ જુઓ તો આપણને લાગે કે આ કોઈ આકરી શરત નથી. પરંતુ ખરી રમત અહીં જ છે. આપણે નવા ગૂગલ એકાઉન્ટમાં ૧૫ જીબી સ્ટોરેજ મેળવવા માટે નવો મોબાઇલ નંબર આપવો પડશે! મતલબ કે તમે પોતાના માટે એક-બે મોબાઇલ નંબરનો ઉપયોગ કરતા હો તો એ બંને નંબર તો તમે કોઈ ને કોઈ જીમેઇલ એકાઉન્ટમાં આપી દીધા હશે. નવા એકાઉન્ટમાં એ જૂના નંબરનો ઉપયોગ થઈ શકશે નહી!

ગૂગલ આ કાપ કેમ મૂકી રહી છે?

ગૂગલે આ ફેરફાર કેમ કરવામાં આવી રહ્યો છે તેનાં સ્પષ્ટ કારણો આપ્યાં નથી, પરંતુ આપણે તે સમજી શકીએ તેમ છીએ. અત્યારે ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કારણે દુનિયાભરની ટેક કંપનીઓનાં ડેટા સેન્ટર્સ પર ડેટા સ્ટોરેજનું ભારણ જબરજસ્ત વધી રહ્યું છે. આ કારણે કંપનીઓ હવે પાણીના ભાવે કે મફત ડેટા સ્ટોરેજ આપી શકે તેમ નથી.

હવે આપણને સૌને ગૂગલના ફ્રી પ્લાનની ૧૫ જીબી સ્ટોરેજ પણ ઓછી પડી રહી છે.

આપણે માટે એટલું આશ્વાસન છે કે આ ફેરફાર ફક્ત નવા ગૂગલ એકાઉન્ટને લાગુ પડશે. અત્યારે તમને ગૂગલના ફ્રી એકાઉન્ટમાં ૧૫ જીબી સ્ટોરેજ મળી રહી હોય તો એ મળવાનું ચાલુ રહેશે!

15 જીબી ઓછી પડે તો?

૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ પૂરી થવામાં આવે તો આપણે કાં તો ખાસ્સી મહેનત કરીને જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાં બિનજરૂરી જગ્યા રોકતી બાબતો શોધી શોધીને ડિલીટ કરવી પડે અથવા રૂપિયા ખર્ચીને નવી પેઇડ સ્ટોરેજ ખરીદવી પડે.

તમે જોશો તેમ, કદાચ તમારી ઘણી ખરી સ્ટોરેજ ગૂગલ ફોટોઝ એપમાં જ ખર્ચાતી હશે. તેનો ઉપાય કરવા માટે તમે takeout.google.com સર્વિસની મદદથી તમારા તમામ ફોટો કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરી શકો. પરંતુ ફક્ત તેના ભરોસે રહેવાય નહીં એટલે ૧-૨ ટીબની એક્સ્ટર્નલ ડ્રાઇવ ખરીદવી પડે! એ ખર્ચ એક સાથે ન કરવો હોય, તો ગૂગલનો પેઇડ પ્લાન ખરીદવો પડે.

અન્ય દેશોની સરખામણીમાં ભારતના યૂઝર્સ સહેલાઇથી જુદી જુદી બાબતોનો બને તેટલો મફતમાં જ લાભ લેવા ટેવાયેલા છે. આથી તેઓ સહેલાઇથી પેઇડ સ્ટોરેજ પ્લાન તરફ વળે તેવી શક્યતા ઓછી છે!

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop