પૂણેના ભણેલા-ગણેલા, અનુભવી વૈજ્ઞાનિક ફ્રોડમાં ફસાયા!

By Himanshu Kikani

3

હવે આપણે સૌ પોતપોતાના સ્ક્રીન ને જિંદગીમાં એવા વ્યસ્ત છીએ કે નજીકની વ્યક્તિની કોઈ તકલીફ દેખાતી નથી.

પચાસ વર્ષની વય વટાવી ગયેલા ‘માધવ કુલકર્ણી’ (નામ બદલેલ છે) પૂણેની એક પ્રતિષ્ઠિત લેબોરેટરીમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. થોડાં અઠવાડિયાં પહેલાં તેમના પર અજાણ્યા નંબર પરથી વારંવાર વોટ્સએપ પર કોલ આવવાનું શરૂ થયું. શરૂઆતમાં તો તેમણે જવાબ આપવાનું ટાળ્યું. પછી એક વાર થાકીને તેમણે કોલ રીસિવ કર્યો ત્યારથી તેમની વિતક કથાની શરૂઆત થઈ.

તમે સમજી જ ગયા હશો કે આ ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડનો વધુ એક કિસ્સો હશે, પરંતુ વધુ એક વાર વાંચશો તો આવા ફ્રોડમાં શું થતું હોય છે એ વધુ સ્પષ્ટ થશે અને કદાચ તમે પણ આવા સકંજામાં આવતાં બચી જશો. તો, આગળ વાંચો!

માધવ કુલકર્ણીએ તેમના પર વારંવાર આવતા વોટ્સએપ કોલને શરૂઆતમાં તો અવગણ્યા, પછી એક વાર થાકીને તેમણે ફોન ઉપાડ્યો.

સામેના છેડા પરની વ્યક્તિએ પોતાની ઓળખ બેંગ્લુરુના અશોકનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ‘સંદિપ દિવાન’ તરીકે આપી. તેણે કહ્યું કે માધવના ઓળખના પુરાવાઓનો ઉપયોગ કરીને કેટલાક બેંક એકાઉન્ટ્સ ખોલાવવામાં આવ્યા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. આ એકાઉન્ટ્સનો મની લોન્ડરિંગ માટે ઉપયોગ થયો છે.

બે દિવસ પછી તેમના પર વોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો. સ્ક્રીન પર પોલીસ સ્ટેશનમાં બેઠેલ પોલીસ યુનિફોર્મમાં એક મહિલા અધિકારી જોવા મળી. તેણે પોતાની ઓળખ ‘નવજોત સિમી’ તરીકે આપી.

તમે ઇન્સ્ટાગ્રામના ધુરંધર યૂઝર હશો તો કદાચ આ નામથી પરિચિત હશો. અસલી નવજોત સિમી ડેન્ટિસ્ટ હતાં અને તેમાંથી તેઓ બિહાર કેડરનાં આઇપીએસ ઓફિસર બન્યાં. ઇન્સ્ટાગ્રામ પર તેમના દસ લાખથી વધુ  ફોલોઅર્સ છે.

પેલા વીડિયો કોલમાં દેખાતી ‘નવજોત સિમી’એ આપણા વૈજ્ઞાનિક માધવને કહ્યું કે તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તેમની વાસ્તવિક ધરપકડ કરવામાં આવશે અને જેલમાં મોકલી દેવામાં આવશે. જો આ કેસમાંથી બહાર નીકળવું હોય તો માધવે રૂ. ૭૫ લાખ ચૂકવવા પડશે. ડરી ગયેલા માધવે કહ્યું કે તેમની પાસે એટલા રૂપિયા નથી. પોલીસે તેમને ૭ દિવસમાં રૂપિયાની વ્યવસ્થા કરી લેવા કહ્યું.

એ સાથે માધવને કહેવામાં આવ્યું કે આ દિવસો દરમિયાન તેમને જ્યારે પણ કોલ કરવામાં આવે ત્યારે તેમણે જવાબ આપવો અને પોતાનું લોકેશન પણ જણાવવું. થોડા દિવસ પછી પેલી ‘મહિલા પોલીસ’નો ફરી કોલ આવ્યો. તેમને એક મ્યૂલ એકાઉન્ટ નંબર જણાવવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે આ એક સરકારી વિભાગનો એકાઉન્ટ નંબર છે.

વૈજ્ઞાનિક માધવે એ ખાતામાં રૂ. ૭ લાખ જમા કરાવ્યા. ‘પોલીસ’એ કહ્યું કે આટલી રકમ પૂરતી નથી.

પછીના થોડા દિવસમાં વૈજ્ઞાનિક માધવે બેંકમાંથી લોન લીધી. પરિવારના ઘરેણાં ગિરવે મૂકીને પણ લોન લીધી. રકમની જરૂર કેમ ઊભી થઈ છે એવું કહ્યા વિના મિત્રો અને સંબંધીઓ પાસેથી પણ નાની મોટી રકમ મેળવી. એ પછી જુદાં જુદાં ટ્રાન્ઝેકશન કરીને તેમણે ‘પોલીસ’એ કહ્યા અનુસાર કુલ ૭૮ લાખ રૂપિયા જ્યાં કહેવામાં આવ્યું ત્યાં જમા કરી દીધા.

એ પછી પોલીસ તરફથી કોલ આવતા બંધ થયા. માધવે રાહતનો શ્વાસ લીધો. પરંતુ હવે કોઈ વધુ તકલીફ નહીં થાય તેવી ખાતરી મેળવવા તેમણે સામેથી પેલી ‘નવજોત સિમી’ના નંબર પર તેની સાથે વાત કરવાના પ્રયાસ કર્યા. દેખીતું હતું કે એ નંબર પરથી તેમને કોઈ જવાબ ન મળ્યા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં વૈજ્ઞાનિક માધવે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

તમે જોશો તેમ આ આખા કિસ્સામાં ડિજિટલ એરેસ્ટ સંબંધિત બધી જ ઘટનાઓમાં જોવા મળે છે બરાબર એવો જ સિલસિલો જોવા મળ્યો. ફ્રોડની સ્ક્રિપ્ટમાં તસુ ભારનો પણ ફેરફાર નહીં.

આ પ્રકારના કિસ્સા અવારનવાર મીડિયામાં ચમકેે છે. એટલો ટ્વીસ્ટ ખરો કે ઠગ ટોળકીએ જાણીતા આઇપીએસ ઓફિસરના નામે બનાવટી ઓળખ ઊભી કરી. અલબત્ત આ પણ સાવ નવી વાત નથી. ઠગ ટોળકીઓ હવે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર બહોળું ફોલોઇંગ ધરાવતા પોલીસ ઓફિસર્સ કે અન્ય ઉચ્ચ સરકારી અધિકારીઓના નામને દુરુપયોગ કરે છે. આમ તો આ ઓફિસર્સના ચહેરા પણ સોશિયલ મીડિયા પર જાણીતા હોય, પરંતુ ફક્ત તેમનું નામ લેવામાં આવે તો પણ નિશાન બનનારી વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક સોશિયલ મીડિયા પર એ નામ સાંભળ્યું એવી શક્યતા વધી જાય છે, પરિણામે એ આખી વાત સાચી માની બેસે છે.

પૂણેના આ કિસ્સામાં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ૫૦ વર્ષની વય વટાવી ચૂકેલ અને વૈજ્ઞાનિક તરીકે લાંબી કારકિર્દી ધરાવતી વ્યક્તિ પણ આવી તદ્દન ખોટી વાતોમાં સહેલાઈથી ફસાઈ શકે છે.

એટલું જ નહીં તેમણે જ્યાંથી લોન મેળવી એ બેંક તથા મિત્રો, સ્વજનોને પણ વૈજ્ઞાનિક કોઈ ફ્રોડમાં ફસાયા હોવાની ગંધ સુધ્ધાં ન આવી  એ પણ બતાવે છે કે આપણે પોતપોતાની જીંદગીમાં એટલા પરોવાઈ ગયા છીએ કે પોતાની નજીકની વ્યક્તિના જીવનમાં શું ચાલી રહ્યું છે એ તરફ આપણે હવે તદ્દન બેધ્યાન બની ગયા છીએ!

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop