જાણી લઈએ સ્માર્ટફોનનાં ઇમર્જન્સી સેટિંગ્સ

By Himanshu Kikani

3

ઘણી વાર અણધારી સ્થિતિમાં આપણો સ્માર્ટફોન આપણો જીવ બચાવી શકે છે. એ માટે, આફત પહેલાં આપણે ફક્ત અમુક સેટિંગ્સ કરવાં પડે અને તેની સૌને જાણ હોવી જોઈએ!

કલ્પના કરો કે તમે રોજ સવારે ઘર નજીકના એક બગીચામાં ચાલવા માટે જાઓ છો. તમારી જેમ બીજા અનેક લોકો બગીચામાં ચાલતા હોય છે. તેમાંથી એક પ્રૌઢ સજ્જન સાથે તમારે આછો પરિચય થયો છે. ક્યારેક ચાલતી વખતે એ સામે મળી જાય અને તમે બંને હળવા સ્મિતની આપલે કરો. બસ આટલું. ક્યારેક અછડતી વાત થઈ છે અને તમને ખબર પડી છે કે તેમનું નામ રમેશભાઈ છે.

એક દિવસ એવું બન્યું કે તમે બગીચે ચાલવા માટે પહોંચ્યા અને જોયું કે વોકિંગ ટ્રેક પર એક નાનું ટોળું જમા થયું હતું. પાસે જઇને જોયું તો રમેશભાઈ બેહોશ થઈને પડ્યા હતા!

રમેશભાઈ હંમેશાં એકલા ચાલવા આવતા હતા. તમારી જેમ અન્ય કેટલાક લોકો તેમને જોયે ઓળખતા હતા, પણ કોઈને તેમના વિશે વધુ માહિતી નહોતી. રમેશભાઈનો ફોન ત્યાં પડ્યો હતો. પણ હવે મોટા ભાગના લોકોની જેમ રમેશભાઈ પણ પોતાનો ફોન લોક્ડ રાખતા હતા. આથી તેમના ફોનની મદદથી પરિવારના કોઈ સભ્યોનો સંપર્ક થઈ શકે તેમ નહોતો. અલબત્ત, કોઈએ સમયસર 108 નંબર પર કૉલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી.

આપણને હંમેશાં ફોનને અનલોક કરીને યુટ્યૂબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાની ઉતાવળ હોય છે, પણ એટલે જ ફોનના લોક સ્ક્રીન પરની કેટલીક મહત્ત્વની બાબતો તરફ આપણું પૂરતું ધ્યાન ખેંચાતું નથી. આપણા ફોનમાં એવાં ઘણાં સેટિંગ્સ છે, જે કટોકટીની સ્થિતિમાં આપણે માટે વરદાન બની શકે છે.

વાસ્તવમાં રમેશભાઈ ફોન લોક્ડ રાખવા બાબતે જેટલા સજાગ હતા એટલા અન્ય એક બાબતે પણ હતા. તેમને હાઇ-બીપીની તકલીફ હતી. કેટલીક દવાઓની એલર્જી પણ હતી. ક્યારેક અણધાર્યું કંઈ થાય તો અન્ય લોકો મદદ કરી શકે તે માટે તેમણે ફોનમાં આ બધી વિગતો યોગ્ય રીતે સાચવી લીધી હતી. આકસ્મિક સંજોગમાં સંપર્ક કરી શકાય તેવા પરિવારના કેટલાક સભ્યોનાં નામ અને ફોન નંબર પણ તેમણે ફોનમાં અલગ રીતે નોંધ્યા હતા.

દુર્ભાગ્યે આ બધું રમેશભાઈ જ જાણતા હતા, જે અત્યારે બેહોશ પડ્યા હતા. આસપાસ જમા થયેલા ટોળામાં – તમારા સહિત – કોઈ જાણતું નહોતું કે ફોનમાં આવી બધી મહત્ત્વની માહિતી પણ સ્ટોર કરી શકાય છે અને ફોન લોક્ડ હોય તો પણ અન્ય લોકો તેના સુધી પહોંચી શકે છે.

હવે બધી આશા એક જ વાત પર હતી. ૧૦૮ એમ્બ્યુલન્સની સારી રીતે તાલીમબદ્ધ ટીમ આ બધું જાણતી હોય અને તે રમેશભાઈની સારવાર શરૂ કરે તે પહેલાં તેમનો ફોન હાથમાં લઇને તેમની મેડિકલ ઇન્ફર્મેશન તપાસી લેશે અને જરૂરી કાળજી સાથે રમેશભાઈની સારવાર એમ્બ્યુલન્સમાં જ શરૂ કરશે. આ બધું રમેશભાઈનો ફોન લોક્ડ હશે તો પણ શક્ય બનશે.

જે રમેશભાઈ સાથે બન્યું તે કોઈની પણ સાથે બની શકે છે.

આપણી સાથે પણ.

સ્માર્ટફોનમાં કેટલાક સેટિંગ્સ એવા હોય છે જેની માત્ર આપણને જાણ હોય તે પૂરતું નથી. આકસ્મિક સંજોગમાં આપણી મદદ કરવા ઇચ્છતા અન્ય લોકો પણ એ વિશે જાણતા હોય તે જરૂરી છે. આવાં કેટલાંક મહત્ત્વનાં સેટિંગ્સ જાણી લઇએ.

આપણા ફોનમાંનાં ઇમર્જન્સી સેટિંગ્સ જાણીએ

જો તમે એવું જાણતા હોત કે સ્માર્ટફોનમાં મેડિકલ ઇન્ફર્મેશન તથા ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ સ્ટોર કરી શકાય છે તથા ફોન લોક્ડ હોય ત્યારે પણ તેના સુધી પહોંચી શકાય છે, તો પેલા રમેશભાઈનો ફોન હાથમાં લઇને કમસે કમ તેમના પરિવારના સભ્યોને શું બન્યું છે તેની જાણ કરી શક્યા હોત. ફોનમાંની મેડિકલ ઇન્ફર્મેશન વિશે ૧૦૮ ટીમના મેમ્બર્સનું પણ ધ્યાન દોરી શક્યા હોત.

આપણે પોતાનો સ્માર્ટફોન અનલોક્ડ કરીએ ત્યારે ત્યાંથી આગળ વધીને વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબ સુધી પહોંચવાની એવી ઉતાવળમાં હોઇએ છીએ કે ફોનના અનલોક્ડ સ્ક્રીન પર શું શું દેખાય છે એ તરફ ખાસ ધ્યાન આપતા નથી.

વાસ્તવમાં ફોનના લોક્ડ સ્ક્રીન પર, ફોનને અનલોક્ડ કરવા માટે પિન ટાઇપ કરવા કે પેટર્ન ડ્રો કરવા માટે જે ન્યુમરિક કી પેડ આપ્યું હોય છે તેની નીચે ઇમર્જન્સી કોલનું એક બટન આપેલું હોય છે. તેને ક્લિક કરતાં ફોનનું ડાયલ પેડ ઓપન થાય છે. તેની મદદથી આપણે નિશ્ચિત ઇમર્જન્સી નંબર્સ તથા ફોન માલિકે નક્કી કરેલ પારિવારિક ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ નંબર પર કોલ કરી શકીએ છીએ.

એ સાથે અહીં મેડિકલ ઇન્ફોનું એક બટન પણ જોવા મળે છે. તેને ક્લિક કરીને ફોન માલિકે પહેલેથી સ્ટોર કરેલી તેમની પોતાની મેડિકલ સંબંધિત મહત્ત્વની બાબતો જોઈ શકાય છે.

આ બધું જ ફોન લોક્ડ હોય તો પણ અન્ય વ્યક્તિ જોઈ શકે છે.

આપણા પોતાના ફોનમાં આ સગવડોનો લાભ કેવી રીતે લેવો તે જાણી લઇએ.

એની સાથોસાથ, અહીંથી આગળ મેડિકલ ઇમર્જન્સી સિવાયની, અન્ય પ્રકારની અણધારી, આકસ્મિક કે કટોકટીની સ્થિતિમાં, સ્મારફોનમાંનાં કેટલાંક સેટિંગ્સ આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે તેની પણ વિગતવાર, સ્ક્રીશોટ્સ સાથે વાત કરી છે.

જોકે, ધ્યાન આપશો કે તમારી ફોન કંપની અને તેમાંની ઓપરેટિંગ સિસ્ટમ અનુસાર આ સેટિંગ્સનાં નામ થોડાં અલગ હોઈ શકે છે – તમારે કદાચ એ શોધવાં પડશે.. એન્ડ્રોઇડ-આઇફોન બંને પ્રકારના ફોનમાં આવી સગવડ હોય છે.

(1) ફોનમાં પોતાની મેડિકલ ઇન્ફર્મેશન ઉમેરીએ

આપણે પોતાના ફોનમાં કોન્ટેક્ટ્સમાં જઇ સ્ક્રીન પર દેખાતા પોતાના પ્રોફાઇલ પર ક્લિક કરી, ત્યાંથી મેડિકલ ઇન્ફો પર ક્લિક કરીવ્ પોતાની મેડિકલ ઇન્ફર્મેશન ઉમેરી શકીએ છીએ. આ રીતે કોન્ટેક્ટ્સમાં પોતાનો પ્રોફાઇલ શોધવો મુશ્કેલ બને તો ફોનના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘સેફ્ટી’ અથવા ‘ઇમર્જન્સી’ સર્ચ કરો. હવે તેમાં ‘સેફ્ટી એન્ડ ઇમર્જન્સી’ પેજ પર પહોંચી શકશો.

અહીં મેડિકલ ઇન્ફોના પહેલા વિકલ્પ પર ક્લિક કરો. તેમાં તમે પોતાનું નામ વિવિધ પ્રકારની મેડિકલ કન્ડિશન્સ, બ્લડ ગ્રૂપ, કોઈ દવાની એલર્જી હોય તો તે, હાલમાં કોઈ દવા લેતા હો તો તે, વજન, ઊંચાઈ, જન્મતારીખ, સરનામું, તમે શરીરના કોઈ અવયવનું દાન કરવાનો નિર્ણય કર્યો હોય તો તેની વિગત તથા અન્ય કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત મહત્ત્વની વિગતો અહીં ઉમેરી શકો છો.

આ વિગતો સેવ કરી લેશો એ પછી અન્ય કોઈ પણ વ્યક્તિ ફોન લોક્ડ હોય તો પણ તેના સુધી પહોંચી શકશે.

(2) ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ ઉમેરવા

‘સેફ્ટી એન્ડ ઇમર્જન્સી’ પેજ પર મેડિકલ ઇન્ફો પછી ‘ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ’નો વિકલ્પ મળશે. તેને ક્લિક કરીને, આકસ્મિક સંજોગમાં તમારી મદદ માટે કોનો સંપર્ક કરી શકાય તે નંબર જણાવી શકાય છે. આપણે ઇમર્જન્સી શેરિંગ ઓન રાખ્યું હોય તો તથા ‘શો ઓન લોક સ્ક્રીન’નો વિકલ્પ ઓન રાખ્યો હોય તો અન્ય કોઈ પણ વ્યક્તિ આપણો ફોન લોક્ડ હોય ત્યારે પણ આ નંબર્સ સુધી પહોંચી શકે છે અને તેમને આપણા જ ફોનમાંથી કોલ જોડી શકે છે.

(3) ઇમર્જન્સી એસઓએસ સુવિધા જાણી લઈએ

દરેક સ્માર્ટફોનમાં આ સુવિધા હોય છે. અત્યારે તમે ફક્ત તે જાણી લો. તે કામ કરે છે કે નહીં તે તપાસવાની કોશિશ ન કરશો કારણ કે ફોનનું પાવર બટન સતત ત્રણ વાર પ્રેસ કરવાથી આપણા દેશના ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર ૧૧૨ પર કોલ જોડાઈ જશે. એ ટીમ ખરેખર મુશ્કેલીમાં મુકાયેલા અન્ય લોકોને મદદરૂપ થવામાં વ્યસ્ત હોય ત્યારે આપણો અખતરો તેમનો સમય વેડફશે.

અહીં આપણે નક્કી કરેલા ઇમર્જન્સી કોન્ટેક્ટ્સને એસઓએસ મેસેજ મોકલવાનો વિકલ્પ પણ ઓન કરી શકાય. એમ કરતાં, આપણે પાવર બટન ઝડપથી ત્રણ વાર પ્રેસ કરીએ તો આપણે નક્કી કરેલા ઇમર્જન્સી કોન્ટેક્ટ્સને આપણું લોકેશન તથા ઇમરજન્સીમાં મદદ માટેનો મેસેજ આપોઆપ મોકલવામાં આવે છે.

(4) ઇમર્જન્સી શેરિંગ

આ પેજ પર જણાવેલી ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ તથા ઇમર્જન્સી એસઓએસ સુવિધાનો લાભ લેવા માટે આપણે ફોનની સિસ્ટમને પહેલેથી કેટલીક મંજૂરી આપવી પડે છે. એ મુજબ કોન્ટેક્ટ, એસએમએસ મોકલવા તથા મેળવવાની મંજૂરી, લોકેશન શેર કરવાની મંજૂરી તથા આપણું લોકેશન તથા ઇમર્જન્સી ઇન્ફર્મેશન ધરાવતા અપડેટ્સનું નોટિફિકેશન બતાવવાની મંજૂરી આપવી જરૂરી છે. આપણે ઇચ્છીએ તો આપણે કોઈ તકલીફમાં મુકાયા હોઇએ ત્યારે ફોનના ફ્રન્ટ અને રિઅર કેમેરાની મદદથી આસપાસની સ્થિતિના ફોટોગ્રાફ લઇને તેને પણ મેસેજમાં મોકલી શકીએ છીએ. એ ઉપરાંત આપણે પાંચ મિનિટનો ઓડિયો રેકોર્ડ કરીને તે પણ મેસેજ સાથે મોકલી શકીએ છીએ.

આ બધી વ્યવસ્થાનો લાભ લેવા માટે આપણા ફોનમાં વાઇ-ફાઇ અને લોકેશન શેરિંગ ઓન કરવામાં આવશે.

એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે આપણે ફોનનું પાવર બટન ત્રણ વાર પ્રેસ કરીએ અને આપણા ઇમર્જન્સી કોન્ટેક્ટ્સને આપણું કરંટ લોકેશન શેર થઈ જાય એ પછી ૨૪ કલાક સુધી, આપણું લોકેશન બદલાય તો દર પંદર મિનિટે નવા લોકેશનનો મેસેજ પણ જાય છે. ફોનની બેટરી પૂરી થવામાં હોય તો તેનો મેસેજ પણ મોકલવામાં આવે છે.

કટોકટીમાં આપણે નજીકની વ્યક્તિનો સંપર્ક કરી શકીએ – આપોઆપ.

યાદ રાખશો કે તમે આ બધું સેટિંગ કરતા હો ત્યારે પણ ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ તરીકે નક્કી કરેલા કોન્ટેક્ટ્સને આ બધી વિગતો શેર થઈ શકે છે. એ ચિંતામાં ન મુકાય એ માટે તેમને જાણ કર્યા પછી આ સેટિંગ કરો તો વધુ સારું રહેશે!

(5) ક્રાઇસિસ એલર્ટ

આપણા દેશમાં કોઈ પણ મોટી કુદરતી આફત સમયે આપણા વિસ્તારમાં ભયજનક સ્થિતિ હોય તો એ વિશે સરકાર તરફથી એલર્ટ મોકલવામાં આવે છે. આપણે સેફ્ટી એન્ડ ઇમર્જન્સી પેજ પર પહોંચીને તેમાં ક્રાઇસિસ એલર્ટનું પેજ ઓપન કરીને તેને ઓન કરી શકીએ છીએ.

આ સમયે જો આપણે આવા એલર્ટના નોટિફિકેશન મેળવવા માટે જરૂરી મંજૂરી આપી ન હોય તો તે આપવી પડશે. આપણા ડિવાઇસના અંદાજિત લોકેશનની મદદથી આપણને ક્યા એલર્ટ મોકલવા તે નક્કી કરવામાં આવે છે. અમુક કારણસર ઇમરજન્સીની તમામ સ્થિતિમાં આપણને એલર્ટ ન મળે એવું પણ બની શકે. જોકે જૂન ૧૨, ૨૦૨૬થી આવા એલર્ટ્સ કામચલાઉ અટકાવી દેવામાં આવ્યા છે.

(6) ઇમર્જન્સી લોકેશન સર્વિસનો લાભ લેવો

આપણે ફોનમાં એવી સગવડ હોય છે કે આપણે પહેલેથી નક્કી કરેલા કોઈ ઇમર્જન્સી નંબર કોલ કરીએ કે ટેક્સ્ટ મેસેજ મોકલીએ ત્યારે આપણો ફોન આપોઆપ પોતાના લોકેશન તથા અન્ય કેટલીક મહત્ત્વની માહિતી ઇમર્જન્સી ટીમને મોકલી શકે છે.

આવે સમયે આપણા ફોનમાં લોકેશન શેરિંગ કે વાઇ-ફાઇ બંધ હોય તો પણ ઇમર્જન્સી લોકેશન સર્વિસ તેને પોતાની મેળે ઓન કરીને તેનો ઉપયોગ કરી શકે છે.

ઇમર્જન્સી લોકેશન સર્વિસ ઓફ હોય તો પણ આપણા ફોનમાંથી ઇમર્જન્સી કોલ જાય ત્યારે  આપણી મોબાઇલ ઓપરેટર કંપની ડિવાઇસનું લોકેશન જાણીને તેને ઇમર્જન્સી કોલ નંબર પર મોકલી શકે છે.

અલબત્ત આ બધું ઘણા બધા જો અને તો પર આધારિત છે. આપણા વિસ્તારમાં અને આપણી મોબાઇલ ઓપરેટર કંપની આ બધી સુવિધા આપતી હોય તો આપણને તેનો લાભ મળી શકે છે.

છતાં, આ સુવિધા ઘણી ઉપયોગી છે અને તેને બરાબર સમજી લેવા જેવી છે.

(7) વાહન ચલાવતી સમયે ફોનના અવરોધ ટાળવા

આપણે વાહન ચલાવતા હોઇએ ત્યારે આપણું બધું ધ્યાન રસ્તા પર હોવું જોઇએ, ફોનમાં નહીં. આપણી પોતાની તથા આપણી સાથે વાહનમાં સવાર સૌની સલામતી માટે આ બહુ મહત્ત્વની વાત છે.

વાહન ચલાવતી વખતે ફોનમાંનાં નોટિફિકેશન સૌથી વધુ ધ્યાન ખેંચે છે. સારી વાત એ છે કે આપણે વાહન ચલાવવાનું શરૂ કરીએ તે સમયે આપણે દર વખતે ફોનમાંના બધાં નોટિફિકેશન બંધ કરવાનું યાદ રાખવું પડતું નથી. સ્માર્ટફોનમાં એવી સગવડ હોય છે કે  આપણે કોઈ મૂવિંગ વ્હિકલમાં હોઇએ કે આપણું ડિવાઇસ વાહનના બ્લુટૂથ સાથે કનેક્ટ થાય ત્યારે ફોનમાં ‘ડુ નોટ ડિસ્ટર્બ વ્હાઇલ ડ્રાઇવિંગ’નું સેટિંગ આપોઆપ ઓન થાય છે.  આ પછી આપણે વાહનમાં હોઇએ ત્યારે આપણા પર આવતા ઇનકમિંગ કોલ્સ, ટેકસ્ટ તથા નોટિફિકેશન્સ આપોઆપ બંધ રહે છે.

વાહન ચલાવતી વખતે ફોનમાં આવતાં નોટિફિકેશન્સ સલામતી માટે જોખમી બની શકે છે. તેને આપોઆપ બંધ કરી શકાય.

જોકે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે આપણે વાહન ચલાવતા ન હોઇએ ફક્ત પેસેન્જર તરીકે તેમાં બેઠા હોઇએ ત્યારે પણ ‘ડુ નોટ ડિસ્ટર્બ વ્હાઇલ ડ્રાઇવિંગ સેટિંગ’ ઓન થઈ જાય એવું બની શકે. જો તમે પોતાનો ફોન કારની સિસ્ટમ સાથે બ્લુટૂથથી કનેક્ટ કરતા હો અને ફોન હાથમાં લીધા વિના કારની સિસ્ટમથી ઇનકમિંગ કોલ સલામત રીસિવ કરી શકતા હો તથા ટેકસ્ટ મેસેજ કે અન્ય નોટિફિકેશન્સ જોવાની લાલચ ટાળી શકતા હો તો ‘ડુ નોટ ડિસ્ટર્બ વ્હાઇલ ડ્રાઇવિંગ’ વિકલ્પ બંધ રાખી શકાય.

(8) વાયરલેસ ઇમર્જન્સી એલર્ટ્સ

ઘણી વાર એવું બને કે આપણે પોતાના મોબાઇલ નેટવર્ક બહારના વિસ્તારમાં હોઇએ કે આપણા ફોનમાં કોઈ એક્ટિવ સીમ ન હોય તો પણ આપણા ફોનમાં કેટલાક મહત્ત્વના ઇમર્જન્સી એલર્ટ્સ આવી શકે છે. એ માટે આપણે ‘સેફ્ટી એન્ડ ઇમર્જન્સી’ પેજ પર ‘વાયરલેસ ઇમર્જન્સી એલર્ટ્સ’ પેજ પર પહોંચીને ‘એલાઉ એલર્ટ્સ’નો વિકલ્પ ઓન રાખવો જરૂરી છે. એ સાથે આપણને ક્યા પ્રકારના એલર્ટ્સ મળે એ નક્કી કરી શકાય. તેમ જ અહીંથી આપણા ફોન પર આવેલા ઇમર્જન્સી એલર્ટ્સની હિસ્ટ્રી પણ જોઈ શકાય છે.

ફોનમાં નેટવર્ક ન મળતું હોય તો પણ એલર્ટ મળી શકે!

તમે અહીં સુધી પહોંચશો તો ઓગસ્ટ ૨૯, ૨૦૨૩ના દિવસે ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગ તરફથી મોકલવામાં આવેલ એક ટેસ્ટ એલર્ટ્સ જોઈ શકશો. એ ટેસ્ટ મેસેજ પછી તમારા પર અન્ય કોઈ ઇમર્જન્સી એલર્ટ આવ્યો ન હોય તો તમે નસીબદાર, તમે કોઈ અણધારી, આકસ્મિક કુદરતી આપદામાં ફસાયા નથી! એટલે જ તમને તેને સંબંધિત ઇમર્જન્સી એલર્ટ્સ મોકલવાની જરૂરત ઊભી થઈ નહીં હોય.

(9) અનનોન ટ્રેકર એલર્ટ્સ

‘સાયબરસફર’માં આપણે માટે મહત્ત્વની ચીજવસ્તુના ટ્રેકિંગ માટે ટેગ્સના ઉપયોગ વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. આ સુવિધા આપણે માટે જેટલી કામની છે એટલો જ તેનો દુરુપયોગ પણ સંભવ છે.

ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ આપણી હિલચાલ ટ્રેક કરવા માગતી હોય તો આપણી જાણ બહાર આપણા પર્સ કે ખિસ્સામાં કે સામાનમાં ટચૂકડું ટેગ સરકાવી દે. એ પછી એ ટ્રેકને કારણે આપણે માટે અજાણી અને જોખમી બની શકે તેવી વ્યક્તિ મેપ પર સતત આપણું લોકેશન જોઈ શકે છે.

આપણે ફોનમાં ‘સેફ્ટી એન્ડ ઇમર્જન્સી’ પેજ પર ‘અનનોન ટ્રેકર એલર્ટ્સ’ પેજ પર જઇને તેને માટેના એલર્ટ ઓન કરીએ તો સિસ્ટમ આસપાસ આવા કોઈ ટ્રેકર છે કે નહીં તે નિયમિત રીતે તપાસે છે અને કોઈ અજાણ્યું ટ્રેકર મળી આવે તો આપણને તેની જાણ કરે છે. આપણે તેને માટે બ્લુટૂથ ઓન કરવું જરૂરી છે. આપણે ઇચ્છીએ તો અહીંથી આવું કોઈ ટ્રેકર છે કે નહીં તે તપાસવા માટે મેન્યુઅલ સ્કેન પણ ઓન કરી શકીએ છીએ.

(10) અર્થક્વેક એલર્ટ્સ

આપણે જ્યાં હોઇએ તેનાથી આસપાસ વિસ્તારમાં ૪.૫ કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો આપણા સ્માર્ટફોન પર તેની ચેતવણી આવી શકે છે.

આમ તો ભૂકંપની સચોટ આગાહી શક્ય નથી. પરંતુ આપણાથી થોડા દૂરના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોય તો એ વિસ્તારમાંના સ્માર્ટફોનમાંનાં સેન્સર્સ તેને પારખી લે છે. તેને આધારે એ ભૂકંપની અસર થઈ શકે તેવા આસપાસના વિસ્તારોમાંના સ્માર્ટફોનમાં તાબડતોબ એલર્ટ્સ મોકલવામાં આવી શકે છે.

જોકે ધ્યાન આપશો કે આ સિસ્ટમ એકદમ સચોટ નથી.

આ સિસ્ટમ બરાબર રીતે કામ કરે તો આપણને યોગ્ય સમયે એલર્ટ મળે અને ભૂકંપથી બચવા માટે આપણને ગણતરીની સેકન્ડ મળી શકે. પરંતુ આપણા પોતાના વિસ્તારમાં ધરતી ધ્રૂજવા લાગે કે ત્યાર પછી છેક એલર્ટ મળે એવું પણ બની શકે.

ભૂકંપની સચોટ આગાહી શક્ય નથી, પણ સ્માર્ટફોનનાં સેન્સર્સ અને નેટવર્ક એમાં સ્માર્ટ ભૂમિકા ભજવી શકે છે.

તેમ છતાં આપણે એક વાર જોરદાર ભૂકંપનો ભોગ બની ગયા હોવાથી, આ એલર્ટ્સનો લાભ લેવા જેવો છે.

આપણે ‘સેફ્ટી એન્ડ ઇમર્જન્સી’ પેજ પર ‘અર્થક્વેક એલર્ટ્સ’ સેકશનમાં જઇને તેને ઓન કરી શકીએ છીએ તથા આ ફીચર સંબંધિત વધુ વિગતો, ખાસ તો તેનાં સારાં-નબળાં પણ જાણી શકીએ છીએ.

આપણે ‘સાયબરસફર’માં આ સુવિધા વિશે વિગતવાર વાત કરી છે.

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop