કોઈ તમને એમ કહે કે ‘આપણું ભાગ્ય આપણા જ હાથમાં છે’ ત્યારે એ વાતને તમે કેવી રીતે જુઓ? હથેળીમાંની રેખાઓ પર ભરોસો રાખો કે પછી હાથેથી થતા પુરુષાર્થમાં?
અત્યારે એવી સ્થિતિ આવી ગઈ છે કે હાથમાંની રેખાઓ એટલે કે નસીબ અને હાથેથી થતા પુરુષાર્થ ઉપરાંત, હાથમાંનો સ્માર્ટફોન પણ આપણું ભાગ્ય ઘડી કે બગાડી શકે છે!
એ તો આપણે સ્માર્ટફોન અને તેની મદદથી ઇન્ટરનેટનો ખરેખર કેટલો સ્માર્ટ ઉપયોગ કરીએ છીએ એની વાત થઈ, પણ ફોનની અંદર જ ઘણાં ફીચર્સ એવાં છે, જે આપણું ભાગ્ય ઘડી શકે છે. આ ફીચર્સ છે ઇમર્જન્સીની સ્થિતિમાં આપણી મદદ કરી શકતાં સેટિંગ્સ. એવાં સેટિંગ્સ જેના વિશે આપણે સમયસર પૂરતી જાણકારી મેળવી હોય અને તેના પર સમયસર – આફત આવે એ પહેલાં – પગલાં પણ લીધાં હોય તો એ આપણો જીવ પણ બચાવી શકે.
જોકે આ અંકમાં જેની િવગતે વાત કરી છે એમાંનાં કેટલાંક ફીચર્સ એવાં છે, જે માત્ર આપણે જાણીએ એટલું પૂરતું નથી. કારણ કે આ ફીચર્સ એવાં છે, જે કોઈ કારણસર આપણે બેહોશ થઈને પડ્યા હોઈએ ને આપણો ફોન કોઈ સારા માણસના હાથમાં આવે તો એ, આ જ ફીચર્સની મદદથી આપણો ફોન લોક્ડ હોય તો પણ આપણા પરિવારને તરત સ્થિતિની જાણ કરી શકે. આપણી સારવાર માટે એમ્બ્યુલન્સ આવે ત્યારે તેમાંના કર્મચારી આપણો ફોન હાથમાં લઈને – ફરી, તે લોક્ડ હોય તો પણ – આપણા સ્વાસ્થ્ય સંબંધિત મહત્ત્વની વાતો જાણીને એ મુજબ તાબડતોડ સારવાર શરૂ કરી શકે.
મુદ્દો એ છે કે આપણા સૌના મનમાં એકબીજાને મદદ કરવાની ભાવના હોય છે, ખાસ કરીને આકસ્મિક મુશ્કેલીઓના સંજોગમાં, પરંતુ જાણકારીનો અભાવ નડી જાય છે.
તો, આ બધું તમે જાણો અને તમારા ફોનમાં એ મુજબ – સમયસર – સેટિંગ્સ કરી લો એટલું પૂરતું નથી! તમે તમારી આસપાસના કુટુંબીજનો, મિત્રોને પણ એની જાણ ન હોય તો આ સેટિંગ્સ સમજાવો એ વધુ જરૂરી છે.
કેમ કે, અણધારી આફત આવશે ત્યારે આ સેટિંગ્સ તો આપણા ફોનમાં હશે, પણ આપણે પોતે તેનો ઉપયોગ કરવાની બીજાને શીખામણ આપવાની સ્થિતિમાં નહીં હોઈએ! એટલે જ આ બધી જાણવી જરૂરી છે અને તેનો પોતે અમલ કરવો તથા બીજાને તેની સમજ આપવી પણ જરૂરી છે.
આ બધી વાતો તમને ઉપયોગી થાય એવી સ્થિતિ તમારા જીવનમાં ક્યારેય ન આવે એવી પ્રાર્થના!
– હિમાંશુ
(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)
