આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના!
- તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ કરતાં આવડે છે?
- જીમેઇલમાં એક સરખો મેઇલ, સંખ્યાબંધ લોકોને મોકલતાં આવડે છે? સીસીમાં ઢગલાબંધ એડ્રેસ ઉમેરવાની વાત નથી, એકસરખો મેઇલ કોપી-પેસ્ટ કર્યા વિના જુદા જુદા સમયે મોકલવાની વાત છે.
- ગૂગલ ડ્રાઇવ, વન ડ્રાઇવ કે ડ્રોપ બોક્સ જેવી સર્વિસમાં ફાઇલ્સ અન્ય લોકો સાથે શેર કરીને, એક ફાઇલ પર જુદા જુદા લોકો સાથે કામ કરતાં આવડે છે?
- વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટની બારીક ખૂબીઓ તમે જાણો છો? આઉટલૂક પ્રોગ્રામનો તમે સ્માર્ટ ઉપયોગ કરી શકો છો?
- તમે ભલે ઓફિસ પ્રોગ્રામ્સના જૂના વર્ઝનનો ઉપયોગ કરતા હો, તેના લેટેસ્ટ વર્ઝનમાં કેવી કેવી ખૂબીઓ છે એ જાણો છો?
- ઓનલાઇન ફોર્મ્સનો ઉપયોગ કરીને કોઈ પણ બિઝનેસ, પ્રોડક્ટ કે સર્વિસ વિશે મુદ્દાસર ફિડબેક મેળવતાં આવડે છે?
- વન્ડરલિસ્ટ, એની-ડુ, ટુડુઇસ્ટ જેવી ટાસ્ક મેનેજમેન્ટ સર્વિસિઝનો સ્માર્ટ ઉપયોગ કરતાં આવડે છે?
- એથી એક ડગલું આગળ વધીને ટ્રેલો કે ઝેનકિટ કે આસના જેવી પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસિઝનો ઉપયોગ કરતાં આવડે છે?
- ટાઇમ અને ટાસ્ક મેનેજમેન્ટ માટે ઓનલાઇન કેલેન્ડર્સનો ઉપયોગ કરી જાણો છો?
- ફેસબુક પર પોસ્ટિંગ અને લાઇકિંગ ઉપરાંત બિઝનેસ પેજ ક્રિએટ કરતાં આવડે છે?
- ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર પેઇડ એડ કેમ્પેઇન ચલાવતાં આવડે છે?
- ગૂગલ એડ્ઝ અને ગૂગલ એડસેન્સ વચ્ચેનો તફાવત જાણો છો?
- નાના-મોટા બિઝનેસનું ગૂગલ સર્ચ, મેપ્સ વગેરેમાં લિસ્ટિંગ કરતાં આવડે છે?
- બિઝનેસ માટે વિવિધ પ્રકારના ઓનલાઇન પેમેન્ટ ઓપ્શન્સના લાભ-ગેરલાભ સમજી શકો છો? અલગ અલગ પેમેન્ટ ગેટવે સેટઅપ કરતાં આવડે છે?
યાદ રહે આ બધા સવાલો કમ્પ્યુટર સાયન્સ કે ડેટા એનાલિસિસ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત નથી. કોઈ પણ ફિલ્ડમાં, ઠીક ઠીક સારા હોદ્દા પર નોકરી કરનારી કે પોતાનો બિઝનેસ ચલાવતી/કરવા ઇચ્છતી વ્યક્તિને આ બધું આવડવું હવે જરૂરી છે.
ઉપરના સવાલો કૂદાવીને સીધા અહીં પહોંચી ગયા હો તો પણ વાંધો નહીં. ઉપરના સવાલો અને તેના જવાબો તમને આવડવા શા માટે જરૂરી છે એ જાણી લો. ‘ગાર્ટનર’ નામની એક જગવિખ્યાત કંપનીએ કરેલા એક સર્વેમાં બહાર આવ્યું કે ૭૦ ટકા લોકો આજના સમયમાં તેમના જોબ માટે જરૂરી ડિજિટલ સ્કિલ્સમાં માસ્ટરી ધરાવતા નથી.
ઉપરના સવાલો માત્ર હિમશીલાની ટોચ જેવા છે, પણ આટલુંય તમને બરાબર આવડતું હોય તો તમારે માટે ખુશખબર છે કે તમે બીજા કરતાં સહેલાઈથી આગળ રહી શકશો. બાકી, ઉપરના સવાલો ફરી વાંચો અને જવાબો શોધવા માંડો!
હા, ‘સાયબરસફર’ના અત્યાર સુધીના અંકોમાં આ દરેક સવાલના વિગતવાર, મુદ્દાસર જવાબ તમને મળશે!