તમારો કદાચ અનુભવ હશે કે આપણે કોઈ જગ્યાએ જવા માટે રીક્ષા શોધતા હોઈએ તો કાં તો ખાલી રીક્ષા મળે જ નહીં અને જો મળે, તો રીક્ષા ડ્રાઇવર સામાન્ય કરતાં વધુ ભાડું કહે. સરકારે રીક્ષાઓ માટે મીટર વ્યવસ્થા ફરજિયાત બનાવી છે, પણ એ ઘોળીને પી જવામાં આવે છે.
આવે સમયે, જો આપણા શહેરમાં ઉબર, ઓલા, રેપિડો વગેરે કંપનીની ટેક્સી ઉપરાંત ઓટો-રીક્ષા સર્વિસ પણ ઉપલબ્ધ હોય અને આપણા ફોનમાં તેની એપ હોય તો આપણે તેની મદદ લઈ શકીએ. તેમાં પોતે ક્યાં જવું છે તે જણાવીએ, તો નજીકમાં ફરતી કોઈ ખાલી રીક્ષા આપણી પાસે આવી પહોંચે. એપમાં જ સ્પષ્ટ ભાડું જણાવેલું હોય, જે મોટા ભાગે અન્ય રીક્ષા કરતાં ઓછું હોય. આપણે રીક્ષા ડ્રાઇવર સાથે કોઈ ઝંઝટ નહીં. પોતાના સ્થળે પહોંચ્યા પછી એપમાં જ પેમેન્ટ કરી શકાય.