fbpx

કોડિંગ શીખીએ અને શીખવીએ – આપણાં સંતાનો માટે

By Himanshu Kikani

3

ચેટજીપીટીના જમાનામાં બાળકોને કોડિંગ શીખવવાની વાત? આ અંકની કવર સ્ટોરીનું હેડિંગ ‘‘બાળકને ડોક્ટર બનવું હોય કે એન્જિનીયર – કોડિંગ શીખવો’’ વાંચીને તમને કદાચ આવો સવાલ થયો હશે. તમને થયું હશે કે  ‘સાયબરસફર’માં નવા સમયની કે આવનારા સમયની ટેક્નોલોજીની વાતો હોય છે ત્યારે રિવર્સ ગિઅર જેવી વાત શા માટે?

ચેટજીપીટી કે તેના જેવી બીજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત સર્વિસિસ અત્યારે એટલી ગાજી રહી છે કે હવે લોકોને લાગે છે કે બધાં કામ ચેટજીપીટી જ કરી આપે છે, તો આપણે કશું શીખવાની શી જરૂર છે?

ખાસ કરીને સ્કૂલ-કોલેજમાં કે ઓફિસમાં વિવિધ પ્રકારનાં એસાઇન્મેન્ટ પૂરાં કરવા માટે પણ એઆઇ ચેટ સર્વિસનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે. સ્માર્ટ ટીચર, પ્રોફેસર કે બોસ આવો ઉપયોગ પારખી લે અને સ્ટુડન્ટ કે ટીમ મેમ્બરને ક્યારેક પોતાની સામે જે તે એસાઇન્મેન્ટનો અમુક ભાગ ફરી લખી બતાવવા કહે ત્યારે એટલું કરવામાં સૌને ફાફાં પડી જાય છે.

આપણી વાત કોડિંગ તરફ પાછી વાળીએ તો અત્યારે ચેટબોટ્સ સરસ રીતે કોડ્સ લખી આપે છે કે કોડિંગમાં ક્યાંય અટવાયા હોઈએ તો એ તેમાંથી ભૂલ શોધીને તેને સારી-સાચી રીતે લખી આપે છે એ વાત સાચી.

પણ, જે રીતે આપણે ‘શિક્ષણ એટલે ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિ’ એવી ટૂંકી માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ, એ જ રીતે ‘કોડિંગ એટલે કોઈ પ્રોગ્રામ કે એપ્લિકેશન લખવા માટેની પ્રક્રિયા’ એવો ટૂંકો અર્થ કાઢીએ છીએ.

વાસ્તવમાં કોડિંગ તેનાથી ઘણું વ્યાપક છે.

આ વખતની કવર સ્ટોરીમાં વાત કરી છે તેમ, જો બાળકને નાની ઉંમરથી કોડિંગ શીખવવામાં આવે તો એ બાળક મોટું થઈને આઇટી સિવાયના કોઈ પણ ફીલ્ડમાં કરિયર બનાવે તો પણ એ બીજા કરતાં બહેતર ડોક્ટર કે આર્ટસ પ્રોફેસર કે ચાર્ટર્ડ એકાઉન્ટ બની શકે છે.

કેમ? કેમ કે કોડિંગ શીખવાથી બાળકની કલ્પનાશક્તિ, વિચારશક્તિ ખીલે છે. એ હાથ પરની વિવિધ માહિતીને યોગ્ય રીતે, બધી રીતે તપાસીને આગળ કેવાં પગલાં લેવાં જરૂરી છે એ શીખે છે.

નાનપણમાં કોડિંગના કન્સેપ્ટ સમજી ચૂકેલું બાળક કોઈ પણ ક્ષેત્રે અન્યો કરતાં વધુ સ્થિરતા, વધુ સમજ અને વધુ સ્પષ્ટતા સાથે નિર્ણયો લઈ શકે છે.

જીવનમાં સાચી સફળતા માટે આથી વધુ શું જોઈએ?

આ વાતો ધ્યાનમાં રાખીને આ વખતની કવર સ્ટોરી વાંચશો તો તમને પણ ‘સ્ક્રેચ’માં ઝંપવાવવાની ઇચ્છા જાગશે – તમારાં સંતાનો માટે!

– હિમાંશુ

(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!