fbpx

સંબંધો પણ ઓઇલિંગ માગે, સ્માર્ટફોનના યુગમાં તો ખાસ

By Himanshu Kikani

3

એક સમય હતો, જ્યારે ઘરમાં પતિ-પત્ની બે જ હોય તો બંને વચ્ચે ટીવીના રિમોટ પર કંટ્રોલ બાબતે ખેંચતાણ થતી. થોડી રકઝક પછી બંનેમાંથી કોઈ એક જીતે. બીજાનું મોં ચઢે. પણ પછી ટીવી પર સાસ-બહુની સિરિયલ કે ક્રિકેટ બેમાંથી જે ચાલુ થાય તે બંને જુએ. સાથે મળીને.

હવે આવા ઝઘડા થતા નથી. હવે તો બંનેના હાથમાં મોબાઇલ છે. ટીવી પર ગમે તે ચાલતું હોય એ ચાલુ રહે ને બંને પોતપોતાના મોબાઇલમાં જે જોવું હોય તે જોતા રહે.

આને આપણે સગવડ કહી શકીએ, પણ એની લાંબા ગાળાની અસર થયા વિના રહેતી નથી. આપણા સૌની સહિયારી જિંદગી ધીમે ધીમે એકદમ વ્યક્તિગત, એકદમ પર્સનલાઇઝ્ડ થઈ રહી છે, જે ગમે કે ન ગમે, આપણને એકલવાઈ જિંદગી તરફ દોરી જાય છે.

એકમેક સાથેની વાતચીત (રકઝક તો રકઝક!) કે સાથે મળીને કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ સંબંધોમાં ઓઇલિંગનું કામ કરતી હોય છે. સ્માર્ટફોનને કારણે આવું ઓઇલિંગ ઘટી રહ્યું છે એવું તમને લાગે છે?

તો આ વખતની કવરસ્ટોરી તમારે માટે જ છે! ફેબ્રુઆરી મહિનામાં વેેલેન્ટાઇન ડે આવે છે એ તો ફક્ત એક નિમિત્ત છે, અહીં બતાવેલી વિવિધ એક્ટિવિટી આખું વર્ષ, હંમેશાં કરવા જેવી છે.

અહીં જે વાતો લખી છે તેમાં સ્માર્ટફોનને કાયમ માટે બાજુએ રાખવાની વાત નથી, પણ એને જ સાધન બનાવીને જીવનસાથી સાથેેના સંબંધોમાં ફરી મીઠાશ, ફરી તાજગી લાવવાની વાત છે. તમે જીવનમાં ઉંમરના કોઈ પણ પડાવે હો – હજી કમ્પેનિયનશીપની તાજી તાજી શરૂઆત થઈ હોય કે પછી પંખીઓ માળામાંથી ઊડી ગયા પછીનું જીવન જીવતા હો, અહીં લખેલી વાતો તમને કામ લાગશે.

એ પણ ધ્યાન આપજો કે આમાં જે જે સર્વિસની વાત કરી છે એ બધીનો તમે ઉપયોગ કરતા જ હશો, પણ પોતપોતાની રીતે. અલગ અલગ. આપણે ફક્ત એ જ બધી, જાણીતી સર્વિસનો સાથે મળી, સહિયારો, શેર્ડ ઉપયોગ કરવા પર ફોકસ રાખ્યું છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર તમે એકબીજાના ફ્રેન્ડ હશો જ, એટલે એ સિવાયની વાતો લખી છે.

શરૂઆતમાં ફક્ત ફોટોઝ કે પર્સનલ ઇન્ટરેસ્ટની વાતો કે શોપિંગ લિસ્ટ્સ એકમેક સાથે શેર કરવાની વાત છે, પછી મહત્ત્વના પાસવર્ડનું શેરિંગ કે વાસ્તવિક જીવન અને ડિજિટલ લાઇફની બીજી મહત્ત્વની બાબતો યોગ્ય અને સલામત રીતે એકમેક સાથે શેર કરવાની વાત પણ છે.

આ બધું કરવું કેમ જરૂરી છે? એનો જવાબ રોમાન્સ સ્કેમ્સ વિશેના બીજા મોટા લેખમાંથી મળશે.

જો જીવનસાથી તરફથી જોઈતી હૂંફ, જોઈતો સાથ ન મળે તો પુરુષ કે સ્ત્રી એ બધું બીજે શોધવા જાય છે. એ માટે અત્યારનો સૌથી સહેલો રસ્તો વાયા સ્માર્ટફોન આગળ વધે છે, જે જુદા જુદા ઘણા પ્રકારના જોખમ ને નુકસાન તરફ દોરી જઈ શકે છે.

તમે એ જોખમોથી બચી શકો અને હંમેશાં ખુશીભર્યું, સમજભર્યું સહજીવન માણતા રહો એવી શુભેચ્છા!

– હિમાંશુ

(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!