હ… લ્લો… ના… સંભળાતું નથી, જરા ઊંચેથી બોલો…!’’ એક જમાનામાં જે ગણ્યાંગાંઠ્યાં ‘મોભાદાર’ ઘરોમાં કાળાં ડબલાં જેવા ટેલિફોનની સુવિધા હતી, એ ઘરોમાં આવા અવાજ સામાન્ય હતા. ‘ટ્રંક કોલ્સ’નો એ જમાનો વીતી ગયા પછી, એ જ જૂના, લેન્ડલાઇન ટેલિફોનમાં અવાજની સ્પષ્ટતા ખાસ્સી વધી ગઈ હતી. હવે મોટા ભાગનાં ઘરોમાંથી લેન્ડલાઇન ફોને વિદાય લઈ લીધી છે, એટલે સ્માર્ટફોનથી ટેવાયેલી જનરેશનને લેન્ડલાઇન ફોનમાં વોઇસ ક્લેરિટી વધુ સારી હતી એવું કહીએ તો કોઈ માને નહીં! પરંતુ આ હકીકત છે.