પાંચેક વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૧૮ના ‘સાયબરસફર’ અંકની કવરસ્ટોરીનું શીર્ષક હતું ‘ઓનલાઇન એજ્યુકેશન – ફ્રી છે, ફર્સ્ટ ક્લાસ છે!’
એ અંકમાં અમદાવાદના જિમિત જયસ્વાલ નામના આજના ‘એકલવ્ય’ની વાત કરી હતી. જિમિતનું ગણિત કાચું, ઇંગ્લિશ એથીય કાચું, પરિવારની આર્થિક સ્થિતિ ખાસ્સી સાધારણ. છતાં, જિમિતે ટેક્નોલોજી માટે જગવિખ્યાત અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી) અને અન્ય સંસ્થાઓમાં મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ કર્યો!
એ શક્ય બન્યું ફ્રી ઓનલાઇન એજ્યુકેશનથી. ઘરે નેટ કનેક્શન મોંઘું પડતું એટલે જિમિત શહેરમાં જ્યાં જ્યાં જિઓના ફ્રી હોટસ્પોટ હતા ત્યાં પોતાનું લેપટોપ લઈને પહોંચી જતો અને ફ્રી ઓનલાઇન કોર્સિસ આગળ ધપાવતો.
જિમિતની આ ધગશ િવશે જાણ્યા પછી, ગૂગલની એક ટીમ અમદાવાદ આવી, તેનો વીડિયો બનાવ્યો અને પછી તો ગૂગલની એક કોન્ફરન્સ માટે જિમિતને અમેરિકાનું આમંત્રણ પણ મળ્યું! અત્યારે જિમિત રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યો છે – આપબળે અને ઇન્ટરનેટની મદદ લઈને!
આ વાત અત્યારે લંબાણથી કરવાનું કારણ એટલું જ કે આ પાંચ વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. એ અંકમાં આપણે ઓનલાઇન એજ્યુકેશન ઓફર કરતી, મુખ્યત્વે વિદેશી સાઇટ્સની વાત કરી હતી. હવે ભારતમાં પણ ઓનલાઇન એજ્યુકેશનનો પ્રસાર તેજ ગતિએ વધી રહ્યો છે.
હવે જરા બીજી વાત. ભારતમાં ૨૩ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) છે અને તેમાં બધું મળીને દર વર્ષે નવા ફક્ત સોળ-સત્તર હજાર વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવું કોલેજ, લેબ્સ, હોસ્ટેલ વગેરેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
આવી આઇઆઇટીમાં પ્રવેશ મેળવવા દર વર્ષે બે-અઢી લાખ વિદ્યાર્થી પ્રયાસ કરે છે! ઘણા તો એ માટે છેક આઠમા ધોરણથી સ્પેશિયલ કોચિંગ ક્લાસમાં જોડાઈ જાય છે અને ડમી સ્કૂલના રવાડે ચઢે છે. લાખોના ખર્ચ પછીય સારી આઇઆઇટીમાં, જોઇતા કોર્સમાં એડમિશનની ગેરંટી નથી.
ઉચ્ચ શિક્ષણમાં અપૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદાને પહોંચી વળવા માટે ભારતમાં હવે યુજીસીએ ટોચની ૧૦૦ યુનિવર્સિટીને ફુલ ઓનલાઇન ડિગ્રી કોર્સ ઓફર કરવાની છૂટ આપી દીધી છે. એ સાથે, વિદ્યાર્થીઓને એક સાથે બે ડિગ્રી કોર્સ માટે આગળ વધવાની પણ છૂટ આપી છે.
એક ડિગ્રી કોર્સ વાસ્તવિક કોલેજમાં, બીજો ઓનલાઇન! હવે સમય છે સમાંતર શિક્ષણનો.
આઇઆઇટી મદ્રાસે એક ડગલું આગળ વધીને, જેઇઇ મેઇન્સમાં સારા પર્સન્ટાઇલ મેળવી જે વિદ્યાર્થી એડવાન્સ્ડ એક્ઝામ માટે ક્વોલિફાય થયા હોય તેવા તમામ વિદ્યાર્થીને ચાર વર્ષના ઓનલાઇન ડિગ્રી કોર્સમાં એડમિશન આપવાની પહેલ કરી છે!
‘સાયબરસફર’માં આપણે અવારનવાર વાત કરી છે તેમ શિક્ષણની દુનિયા ધરમૂળથી બદલાઈ રહી છે. વિદ્યાર્થી પોતે કમિટેડ અને ટેલેન્ટેડ હોય તો હવે આગળ વધવા માટે સૌને લગભગ સમાન તક મળી રહી છે.