એક જાત અનુભવ શેર કરું? ત્રીસેક વર્ષ પહેલાં, એ સમયના પ્રતિષ્ઠિત મેગેઝિન ઇન્ડિયા ટુડે (ગુજરાતી)માં ટ્રેઇની જર્નાલિસ્ટની પોસ્ટ માટે નવી દિલ્હીમાં ઇન્ટરવ્યૂ આપવાનો હતો. અમને સૌને એ મેગેઝિનના એક પેજની પ્રિન્ટ આપવામાં આવી.
કહેવામાં આવ્યું કે આ વાંચી રાખો. ઇન્ટરવ્યૂ સમયે સિનિયર કોપી એડિટર શીલા ભટ્ટે પૂછ્યું કે ‘‘પેલું પેજ વાંચ્યું? એ વિશે કંઈ કહેવાનું છે?’’ પેજ વાંચ્યું તો હતું, પણ કહેવાનું કંઈ નહોતું! શીલાબહેને કહ્યું કે ‘‘પેજમાં જાણી જોઈને ઘણી ભૂલો રાખવામાં આવી હતી. તમને કોઈ દેખાઈ નહીં?’’ તતફફ સાથે માંડ કહ્યું કે ‘‘ભૂલો શોધવાનું કોઈએ કહ્યું નહોતું!’’ તરત તેમણે તીખો જવાબ આપ્યો કે ‘‘અહીં કોઈ કહેશે નહીં કે તમારે શું કરવાનું છે. એ તો સમજી જ લેવાનું હોય!’’