છેલ્લે તમે તમારું પોતાનું કે બીજા કોઈનું વિઝિટિંગ કાર્ડ ક્યારે જોયંુ હતું? તમારા કામકાજના પ્રકાર અનુસાર, બની શકે કે આજે જ અથવા યાદ નહીં હોય કે ક્યારે?! વિઝિટિંગ કાર્ડ લાંબા સમયથી આપણી ઓળખ છે, પણ એ પોતે પોતાની અસલી ઓળખ ગુમાવી રહ્યું છે.
છેલ્લાં બે વર્ષથી તો આપણે અન્ય લોકોને રૂબરૂ મળવાનું જ ઓછું થઈ ગયું છે એટલે આમ પણ બિઝનેસ કાર્ડની આપલે કરવાની તક ઓછી મળે છે, પણ કોરોના પહેલાંના સમયથી પ્રિન્ટેડ વિઝિટિંગ કાર્ડ ધીમે ધીમે ભૂલાવા લાગ્યાં હતાં. પ્રિન્ટિંગ મટિરિયલના ડિઝાઇનિંગ સાથે ગાઢ રીતે સંકળાયેલી એડોબ જેવી કંપનીના રિસર્ચ કહે છે કે હવે વિઝિટિંગ કાર્ડ ડિઝાઇન અને પ્રિન્ટ કરવાનું પ્રમાણ ઘણું ઘટવા લાગ્યું છે. કંપનીનો સર્વે કહે છે કે પ્રિન્ટેડ કાર્ડની આપ-લે થાય તો પણ, લગભગ ૯૦ ટકા કાર્ડ, બીજા હાથમાં પહોંચ્યાના પહેલા જ અઠવાડિયામાં ડસ્ટબિન ભેગાં થાય છે. કાર્ડ મેળવનારને કાં તો એ બિઝનેસ/સર્વિસની જરૂર હોતી નથી અથવા તેમાંની વિગતો યોગ્ય રીતે સાચવી લેવાનો તેની પાસે સમય હોતો નથી.