જેવું ઇન્ટરનેટમાં બને છે એવું જ પ્લે સ્ટોરમાં પણ થાય છે. આપણે જેની મદદથી ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશીએ છીએ એ બ્રાઉઝરનાં વિવિધ પાસાં આપણી નજર બહાર રહી જાય છે. એ જ રીતે, ફોનમાં જાતભાતની એપ્સ, ગેમ્સ વગેરે ઉમેરવાની ઉતાવળમાં, પ્લે સ્ટોરનાં જુદાં જુદાં સેટિંગ્સ તરફ આપણે ભાગ્યે જ નજર દોડાવીએ છીએ.
એન્ડ્રોઇડનો પ્લે સ્ટોર હોય કે એપલનો એપ સ્ટોર, પ્રાથમિક બાબતો લગભગ સરખી જ હોય છે. એમ તો, આ બંને કંપની સિવાય એમેઝોન, જુદી જુદી મોબાઇલ કંપની અને એ સિવાય બિલકુલ થર્ડ પાર્ટી જેવી કંપનીઓના એપ સ્ટોર પણ હોય છે. પરંતુ આપણો મોટા ભાગનો વર્ગ એન્ડ્રોઇડનો યૂઝર હોવાથી, અહીં એન્ડ્રોઇડ પ્લે સ્ટોરનાં વિવિધ સેટિંગ્સની વાત કરી છે.