ઇમોજિસ જેટલી જ રસપ્રદ એની ક્રિએશન પ્રોસેસ છે!
નવા સમયમાં, સ્માર્ટફોનમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસમાં ઇમોજિસને કારણે એક આખી નવી ભાષા વિકાસ પામી છે! વોટ્સએપમાં ફેમિલી ગ્રૂપમાં કોઈ એક વ્યક્તિ કોઈ ધાર્મિક ફોટોગ્રાફ ફોરવર્ડ કરે ત્યારે ગ્રૂપમાંના અન્ય કેટલાય સભ્યો પ્રણામના ઇમોજી અપલોડ કરીને સંતોષ માની લે.
ગ્રૂપમાંના કેટલાક સભ્યો ઝાઝું ટાઇપ કરી શકે તેમ ન હોય તો બીજી તરફ કેટલાકને ઝાઝું ટાઇપ કરવાનો સમય ન હોય – કારણ ગમે તે હોય, ઇમોજી તેમની મદદ કરે!
ભાતભાતના ઈમોજીનો આપણે રોજેરોજ ઉપયોગ કરતા હોવા છતાં તે કેવી રીતે સર્જાતા હશે અને જુદા જુદા સ્વરૂપે આપણા સુધી પહોંચતા હશે તેના પર આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ઇમોજી કોઈ પણ વ્યક્તિ તૈયાર કરી શકે છે! તમને ડિજિટલ ડિઝાઇન કરતાં આવડતું હોય અને પછી તેને બાઇનરી કોડમાં દર્શાવી શકતા હો તો તમે પણ તમને ગમે તેવો ઇમોજી બનાવી શકો છો.
પરંતુ જ્યારે આપણા કી-બોર્ડમાં દેખાતા ઇમોજીની યાદીમાં આ ઇમોજીને સામેલ કરવાની વાત આવે ત્યારે વાત એટલી સહેલી રહેતી નથી.