ઇન્ટરનેટ પર ઇંગ્લિશ શીખવાના અનેક રસ્તા છે. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવાના, ખાસ કરીને સહેલાઈથી અંગ્રેજી બોલતાં શીખવાના પણ અનેક રસ્તા હોઈ શકે, પણ એમાંનો એક છે અંગ્રેજી ભાષામાં વધુ ને વધુ સાંભળવું, વાંચવું અને પછી જાતે બોલવાનો પ્રયાસ કરવો.અંગ્રેજી ભાષા સાંભળવા માટે સૌથી સહેલો રસ્તો ટીવી ઇંગ્લિશ મૂવીઝ અને ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ જોવાનો છે! પરંતુ ઘણી ખરી ઇંગ્લિશ ફિલ્મોમાં ઉચ્ચાર ભલભલાને માથા પરથી જાય એવા હોય છે, ભારતીય ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ જોવાનો ફાયદો એ કે બોલનાર ભારતીય જ હોવાથી તેના ઉચ્ચારો આપણે બરાબર પકડી શકીએ.
એ જ રીતે, આપણે સ્કૂલ કે કોલેજમાં એક વિષય તરીકે હિન્દી ભાષા ભણ્યા ન હોઈએ તો પણ એને સમજવા-બોલવામાં આપણને ખાસ કોઈ તકલીફ પડતી નથી. કેમ? એ ગુજરાતીને મળતી આવતી ભાષા છે એ વાત સાચી, પણ મોટું કારણ છે બોલીવૂડની મૂવીઝ, ટીવી સિરિયલ્સ અને ન્યૂઝ ચેનલ્સ. એ જ રીતે આપણે ધારીએ તો ઇંગ્લિશ પણ શીખી શકીએ છે, થોડી વધારાની મહેનત કરવી પડે એટલું જ.