આ લેખનું શીર્ષક વાંચીને તમારાં ભવાં ખેંચાયાં હશે. મનમાં વિચાર પણ આવ્યો હશે કે ‘‘લે, ઈ-મેઇલ લખવામાં વળી શીખવાનું શું છે? ઈ-મેઇલ પ્રોગ્રામ ઓપન કરો અને માંડો લખવા. એમાં વળી કઈ ધાડ મારવાની છે?’’
વાત સાચી છે. પણ, અહીં આપણે ઈ-મેઇલ કઈ રીતે લખવો તેની નહીં, પરંતુ ઈ-મેઇલમાં શું લખવું એની વાત કરીએ છીએ.
બન્યું એવું છે કે થોડા સમય પહેલાં, અમેરિકાની એક યુનિવર્સિટીના એક પ્રોફેસરે ટ્વીટર પર જરા નવી જાતનું તોફાન જગાવ્યું. આપણે ત્યાં ટ્વીટર પર મોટા ભાગે જુદાં જુદાં આંદોલનના મુદ્દે તોફાનો જાગતાં હોય છે, એની વચ્ચે અમેરિકાનો આ કિસ્સો જરા ધ્યાન આપવા જેવો છે.
ખાસ કરીને સ્ટુડન્ટ્સે.