સેલ્સફોર્સ કંપનીએ અધધ કિંમતે સ્લેક સર્વિસ ખરીદી એ સમાચાર તરફ આપણાં અખબારએ ખાસ ધ્યાન આપ્યું નથી, પણ આ ડીલ બતાવે છે કે નવી દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. આ ડીલ વિશે વડીલો ન જાણે તો ચાલશે, યંગસ્ટર્સે અચૂક જાણવું જોઈએ.
છ વર્ષ પહેલાં, ફેસબુક કંપનીએ લગભગ ૧૯ અબજ ડોલરમાં વોટ્સએપ કંપની ખરીદી લીધી ત્યારે અનેક લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા – મેસેજિંગ એપ માટે ૧૯ અબજ ડોલર? ફેસબુક ઓલરેડી દુનિયા પર રાજ કરતી હતી ત્યારે માર્ક ઝકરબર્ગનું ભેજું ફરી ગયું હતું કે તેણે એક એપ પાછળ આટલી તોતિંગ રકમ ખર્ચી નાખી? ટેક બિઝનેસ જગતમાં તો આ ડીલે જબરજસ્ત ચર્ચા જગાવી જ, આપણા જેવા સરેરાશ યૂઝરનાં પણ આ ડીલને કારણે ભવાં ખેંચાયાં કારણ કે ૨૦૦૯માં લોન્ચ થયેલી વોટ્સએપ ૨૦૧૬ સુધીમાં તો આપણા દાદા-દાદીના સ્માર્ટફોન સુધી પણ પહોંચી ગઈ હતી!