ગયા મહિને અવકાશમાં એક રોમાંચક ઘટના સર્જાઈ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ અથવા કહો કે ‘રિંગ ઓફ ફાયર’ સોલર ઇકલિપ્સ! કોરોના વાઇરસના પ્રસારે પૃથ્વી પરનું રોજિંદું જીવન તદ્દન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, પણ ઉપર અવકાશમાં બધું જ એની નિયત ગતિએ ચાલી રહ્યું છે! ગઈ કાલે સર્જાયેલું સૂર્યગ્રહણ આવા જ નિશ્ચિત, નિયત સમયે આકાર લેતા ઘટનાચક્રનું પરિણામ હતું!
આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડમાં અવિચળ સૂર્યની આસપાસ વિવિધ ગ્રહો ફરે છે, આ ગ્રહોને વળી પાછા પોતાના ઉપગ્રહો છે. પૃથ્વી પોતાની ધરી પર, સહેજ નમેલી રહીને ફરતી રહે છે અને સાથોસાથ સૂર્ય ફરતે પણ પ્રદક્ષિણા કરતી રહે છે. ફક્ત પૃથ્વીની વાત કરીએ તો સૂર્ય ફરતે પૃથ્વીની પ્રદક્ષિણા, પૃથ્વીની પોતાની ધરી પરની ગતિ અને પૃથ્વી ફરતે ચંદ્રની પ્રદક્ષિણાને કારણે વિવિધ રોમાંચક ખગોળીય ઘટનાઓ સર્જાતી રહે છે. એમાંની જ એક એટલે આ પ્રકારનું, કંકણાકૃતિ સૂર્યગ્રહણ.