ત્રીસેક વર્ષ પહેલાં એક ભેજાબાજે એકબીજા સાથે જોડાયેલા એક કમ્પ્યૂટરમાંથી બીજામાં આપમેળે જઈ શકે એવો પ્રોગ્રામ બનાવ્યો, જે આજ સુધી આખી દુનિયાને સતાવી રહ્યો છે.
નવેમ્બર ૨,૧૯૮૮નો દિવસ હતો. સાંજના લગભગ સાડા આઠ વાગ્યાનો સમય. એ સમયે આપણે જેને વર્લ્ડ વાઇડ વેબ કે ઇન્ટરનેટ ગણીએ છીએ એવી વ્યવસ્થા ઊભી થવાને હજી એકાદ વર્ષની વાર હતી. આજની જેમ દુનિયાભરનાં કરોડો કમ્પ્યૂટર્સ એકમેક સાથે હજી કનેક્ટ થયાં નહોતાં. ફક્ત અમેરિકાની મોટી યુનિવર્સિટીઝ તથા સરકારી, લશ્કરી તથા અન્ય સંસ્થાઓમાંનાં કમ્પ્યૂટર્સ એકમેક સાથે જોડાયાં હતાં.