ઇન્ટરનેટની દુનિયા વ્યક્તિગત નિશાન તાકીને કરાતી જાહેરાતોથી ચાલે છે – એપલે તેના મૂળમાં જ તીર માર્યું છે અને હવે વાતમાં ઢીલ મૂકી, તેનો અમલ આવતા વર્ષ પર નાખ્યો છે.
આજકાલની સ્થિતિમાં આમ કરવું બહુ સહેલું નથી, છતાં માની લો કે તમે હાથમાં થેલી લઈને મોજથી બજારે જવા માટે ઘરની બહાર નીકળ્યા. એ સાથે અચાનક કોઈ વ્યક્તિ બાજુમાં ટપકી પડી અને કહેવા લાગી કે એ તમારો પડછાયો બનીને બજારમાં બધે જ તમારી સાથે સાથે ચાલશે. એટલું જ નહીં તમે બજારમાં જે કંઈ કરશો એ બધું જ એ જોશે – તમે કયા ભાવે કેટલાં અને કયાં શાકભાજી ખરીદ્યાં, રસ્તામાં કોને કોને હાય હલ્લો કર્યું, કોની સામે તાકીને જોઈ રહ્યા, દવાની દુકાનેથી કઈ દવાઓ ખરીદી, કઈ જાહેરાતોના હોર્ડિંગ તરફ બે મિનિટથી વધુ સમય તાકી રહ્યા, ચાની કિટલીએ ચા પીવા ઊભા રહ્યા ત્યારે ચામાં ખાંડ ન નાખવા કહ્યું કે દોઢી ખાંડ નાખવા કહ્યું… વગેરે બધું જ પેલી, ધરાર તમારો પડછાયો બનવા માગતી વ્યક્તિ જોવા અને જાણવા માગે છે.