[vc_row][vc_column][vc_column_text]ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ કેવો ભાગ ભજવ્યો અને જીએસટી વિશે લોકોમાં ખરેખર આક્રોશ છે કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે, પણ એક સ્પષ્ટ હકીકત છે કે જીએસટી વિશે લોકોમાં હજી પણ પૂરતી જાણકારી નથી!
ખાસ કરીને આપણે સૌએ એ જાણવાની જરૂર છે કે જીએસટી માત્ર વેપારીઓ કે બિઝનેસને સંબંધિત મુદ્દો નથી. આપણે સૌ રોજબરોજની ખરીદી માટે ચૂકવણી કરતી વખતે જીએસટી ચૂકવીએ છીએ ત્યારે એ જાણવું બહુ જરૂરી છે કે આપણે જીએસટીને નામે જે વધારાની રકમ ચૂકવીએ છીએ તે ખરેખર સરકાર સુધી પહોંચે છે કે નહીં.
ઘણા કિસ્સાઓમાં એવું બહાર આવ્યું છે કે કેટલાક લેભાગુ વેપારીઓ જીએસટીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ગ્રાહકો પાસેથી ૧૨ થી ૧૮ ટકા જેટલો ટેક્સ ઉઘરાવે છે, જે સરકારી તિજોરીમાં પહોંચવાને બદલે જે તે વેપારીના ખિસ્સામાં જાય છે. ખાસ કરીને નાનાં શહેરો, ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં અને શહેરોમાં ઓછી આવક ધરાવતા લોકોમાં એવી જ છાપ છે કે જીએસટી આવવાના કારણે દરેક વસ્તુ મોંઘી થઈ છે, પરિણામે વેપારી જે કહે તે રકમ લોકો ચૂકવી આપે છે – નિસાસા સાથે!