
નાયગ્રા ફોલ્સ, ગૂગલ અર્થમાં
નાયગ્રા ધોધ કે આપણા સરદાર સરોવર ડેમને આ રીતે, તમે ત્યાં રૂબરૂ જાઓ તો પણ જોઈ શકો નહીં. પૃથ્વીને નવી નજરે જોવાની તક આપતો ગૂગલ અર્થ પ્રોગ્રામ હવે નવા વેબવર્ઝનમાં ઉપલબ્ધ છે!

સરદાર સરોવર ડેમ, ગૂગલ અર્થમાં
‘‘નાઉ ગૂગલ અર્થ ઇઝ ડેડ! ગૂગલ અર્થ હવે મરવા વાંકે જીવી રહેલો પ્રોગ્રામ છે!’’ લોકો આમ કહેવા લાગ્યા હતા. વર્ષ 2001માં જેનાં મૂળ નંખાયાં અને 2004માં જે લોન્ચ થયો એ ગૂગલ અર્થ પ્રોગ્રામે શરૂઆતમાં ભારે ઉત્સુકતા જગાવી હતી. એ સમયે અને છેક હમણાં સુધી આ પ્રોગ્રામ આપણે પીસીમાં ડાઉનલોડ કરવો પડતો હતો. જોકે એટલી તસદી લો તો આ પ્રોગ્રામ તેની પાર વગરની ખૂબીઓને કારણે આપણને માઉસની પાંખે વિશ્વદર્શન કરાવે તેવો પાવરફૂલ હતો.
પરંતુ એ પછી ગૂગલના અન્ય પ્રોગ્રામ્સ કે સર્વિસીઝ જે ઝડપે વિક્સ્યા એટલી ઝડપ ગૂગલ અર્થમાં જોવા મળી નહીં. એમાં કોઈ જ અપડેટ ન આવતા જોઈને અને ગૂગલ મેપ્સમાં અર્થ જેવી જ સુવિધાઓ ઉમેરાતી જોઈને લોકોએ માની લીધું કે ગૂગલ હળવેકઙ્ખી અર્થને સમેટી લેશે.