વરસાદના આગમન સાથે પેલા ગોલા હવે ગાયબ થયા છે, પણ ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં જે વરાઇટી જોવા મળે છે એ ચોક્કસ ગોલાની યાદ અપાવે એવી છે! ફેસબુક, ટવીટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ… દરેકની ફ્લેવર અને ટેસ્ટ અલગ!
આ યાદીમાં છેલ્લે લખાયેલ પિન્ટરેસ્ટ એક સમયે લેડીઝ ચોઈસ ગણાતી હતી! એ પણ જેનાં લગ્ન નજીકમાં હોય એવી લેડીઝ. આપણે ત્યાં છે એ જ રીતે, વિદેશોમાં લગ્ન પહેલાં વર-કન્યા પોતપોતાની રીતે ધરખમ ખરીદી કરતાં હોય છે અને આ ક્રેઝને એક અનોખા સોશિયલ મીડિયામાં ફેરવી નાખ્યો પિન્ટરેસ્ટ સર્વિસે.
પિન્ટરેસ્ટ ઇમેજ આધારિત સોશિયલ મીડિયા છે, લોકો ઇન્ટરનેટ પર તેમને જે ગમે તે ઇમેજ પિન્ટરેસ્ટ પર શેર કરી શકે. મેરેજ સંબંધિત આઇટમ્સ, સુંદર મજાનાં ઘર, રેસિપી, મેકઅપ ટીપ્સ વગેરેથી શરૂ થયેલ પિન્ટરેસ્ટનો વ્યાપ હવે ઇન્ટરનેટ જેટલો જ વિસ્તર્યો છે અને તેમાં તમે ઇચ્છો તે વિષયને અનુરૂપ દુનિયાભરની જાણકારી, વિઝ્યુઅલ સ્વરૂપે શોધી શકો છો.
ઉદાહરણ રૂપે, તમે ઇંગ્લિશ શીખવા માગતા હો કે આ ભાષાની તમારી જાણકારી એક સ્તરથી બીજા સ્તર સુધી લઈ જવા માગતા હો તો પિન્ટરેસ્ટ તમને બહુ ઉપયોગી થઈ શકે છે.
જેમ કે, Many, Much, Few, A few, Each, Every વગેરે શબ્દોમાંથી કયા શબ્દનો ક્યારે ઉપયોગ કરવો એ વિશે તમને હંમેશા ગૂંચવણ રહેતી હોય તો આ ઇન્ફોગ્રાફિક જુઓ.